41,193 ગુમ બાળકોને શોધી કઢાયા: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પ્રશ્ર્નકાળ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી માહિતી આપી કે, ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ અત્યાર સુધીમાં 41,193 ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે આ વર્ષે જ ‘ઓપરેશન ખોજ’ હેઠળ 4,960 મહિલાઓ અને 1,364 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.
ફડણવીસે વધુમાં એવી માહિતી આપી હતી કે ગુમ થવાના કેસોને અત્યંત ગંભીરતાથી લેતા, તમામ પોલીસ સ્ટેશનોમાં ‘ગુમ થયેલ સેલ’ની સ્થાપના કરવામાં આવી છે અને તેની જવાબદારી વરિષ્ઠ મહિલા અધિકારીઓને સોંપવામાં આવી છે.
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ગુમ થયેલી દરેક વ્યક્તિનો રેકોર્ડ સમયસર અપલોડ અને અપડેટ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ડેટા શેર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ચમત્કારઃ બે વર્ષથી ગુમ થયેલો દીકરો અમદાવાદથી મળ્યો, પરિવારને મોટી રાહત
વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ પ્રયાસોની પ્રશંસા કરતા એવો મુદ્દો ઉઠાવ્યો કે ફક્ત લોકોને શોધી કાઢવા પૂરતું નથી પરંતુ બાળ લગ્ન, માનવ તસ્કરી જેવા સામાજિક પાસાઓ પર પણ નક્કર નીતિઓ બનાવવી જોઈએ.
મુખ્ય પ્રધાને ખાતરી આપી હતી કે સરકાર આ કેસોનું સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરશે અને ભવિષ્યમાં અસરકારક પગલાં લેશે.