થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબી-મુક્ત જાહેર કરવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબીમુક્ત જાહેર કરવામાં આવ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે.
આ ગામોમાં શાહપુર તાલુકાના ૧૩, મુરબાડના નવ, કલ્યાણના સાત અને ભિવંડી અને અંબરનાથના છ-છ ગામોનો સમાવેશ થાય છે. આ ગામોને ક્ષય-મુક્ત ગ્રામ પંચાયત ઝુંબેશ હેળઠ ટીબી મુક્ત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર અશોક શિંગારે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં જિલ્લાને ક્ષયમુક્ત કરવા પર ભાર આપવામાં આવવાનો છે. અમે મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ લક્ષ્યાંકના માત્ર ૧૦ ટકા જ સફળતા મળી છે. આ ગામોમાં ટીબી પાછું માથું ઊંચકે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવવાની છે.
અધિકારીએ જણાવ્યું હતું કે જે ગામો એક વર્ષ સુધી ટીબી મુક્ત રહેશે તેમને મહાત્મા ગાંધીની કાસ્ય પ્રતિમા આપવામાં આવશે અને જે ગામો સતત બે વર્ષ સુધી આ સ્થિતિ જાળવી રાખશે તેમને ચાંદીની પ્રતિમા આપવામાં આવશે. જે ગામો સતત ત્રણ વર્ષ સુધી ટીબીને નિયંત્રણમાં રાખવામાં સફળ રહેશે તેમને સોનાની પ્રતિમાથી સન્માનિત કરવામાં આવશે.