થાણેમાં ચાલીનો ભાગ તૂટી પડતા ૪૦ રહેવાસીઓને બચાવી લેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના દિવામાં ગ્રાઉન્ડ પ્લસ એક માળની ચાલીની હિસ્સો રવિવારે મોડી રાતે તૂટી પડતા ૧૦થી વધુ રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને તમામ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. તેમ જ ઈમારતને જોખમી જાહેર કરીને તમામ રહેવાસીઓને ઘર ખાલી કરવાની સૂચના આપી હતી.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ દિવા પશ્ર્ચિમમાં ગાવદેવી મંદિર નજીક એન.આર નગરમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળની ચાલી આવેલી છે. લગભગ ૧૫થી ૨૦ વર્ષ જૂની ચાલીનો પહેલા માળાનો ગેલેરીનો અમુક હિસ્સો રવિવારે રાતના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડયો હતો અને તેને કારણે પહેલા માળા પર આવેલા ત્રણ ઘરમાં રહેતા ૧૦ રહેવાસીઓ ઉપર જ ફસાઈ ગયા હતા.

ફાયરબિગ્રેડે ઘટના સ્થળે પહોંચીને ઉપરના માળા પર ફસાઈ ગયેલા તમામ લોકોને બહાર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ચાલીમાં કુલ ૪૦ ઘર આવેલા છે. રવિવારના ચાલીનો અમુક હિસ્સો તૂટયો હોવાને કારણે તકેદારીના પગલારૂપે ચાલીમાં આવેલા ૩૦ ઘરને સુરક્ષાની દૃષ્ટિએ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને તેમને તાત્પૂરતા સમય માટે અન્ય સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો…મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ