
મુંબઈ: રાયગઢ-મુંબઈ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રસ્તાની એક બાજુએ ઉભેલી સ્કોર્પિયો સાથે ટોઇંગ વાન અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મુંબઈ-ગોવા હાઈવે પર વીર રેલવે સ્ટેશન પાસે મધ્યરાત્રિએ થયો હતો. આ ભયાનક અકસ્માત રાયગઢ-ગોવા હાઈવે પર થયો હતો. વીર રેલવે સ્ટેશન પાસે ટોઈંગ વાને સ્કોર્પિયોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ સ્કોર્પિયો લગભગ 50 મીટર દૂર જઈને પટકાઈ હતી. કારની બહાર ઉભેલા છ લોકોને પણ ટોઇંગ વાને ટક્કર મારી હતી, જેમાંથી ચારના મોત થયા હતા જ્યારે બે ઘાયલ સારવાર હેઠળ છે.
Also read: જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
મુંબઈ ગોવા હાઈવે પર મહાડથી મુંબઈ જતી વખતે વીર રેલ્વે સ્ટેશન પાસે સ્કોર્પિયોમાં ડીઝલ ખતમ થઈ ગયું હોવાથી તેને એક બાજુમાં ઉભી રાખી હતી. એ સમયે પાછળથી આવી રહેલી ટોઇંગ વાને બંધ સ્કોર્પિયોને જોરથી ટક્કર મારી હતી. ટોઇંગ વાન સાથે અથડાતા સ્કોર્પિયો ગાડી લગભગ 50 મીટર સુધી ઉડી હતી અને સર્વિસ રોડ પરના ખાડામાં પડી હતી. અકસ્માત દરમિયાન સ્કોર્પીયો પાસે ઉભેલા લોકોને પણ ટોઇંગ વાને અડફેટમાં લીધા હતા. ટોઇંગ વાન અથડાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ સૂર્યકાંત મોરે (25), સાહિલ શેલાર (25) અને પ્રસાદ નાટેકર (25), સમીપ મિંડે (35) તરીકે કરવામાં આવી છે. તો, સૂરજ નલાવડે (34) અને શુભમ માટલ (26) ઘાયલ થયા છે. આ બધા જ મહાડના છે.
પોલીસે આ અકસ્માતની તપાસ હાથ ધરી છે.