વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવી ચાર લાખ પડાવ્યા: મહિલા સહિત બે ઝડપાયા

મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા શખસને વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવીને રૂ. ચાર લાખ પડાવવા બદલ મુલુંડ પોલીસે મહિલા સહિત બે જણની ધરપકડ કરી હતી.
મુલુંડ પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ મુમતાઝ બિલાલ શેખ (35) અને મિરાજ તુરાફ ખાન (34) તરીકે થઇ હતી. મુમતાઝ શેખ ઉત્તર પ્રદેશની અને મિરાજ ખાન દિલ્હીનો વતની હોઇ તેઓ ભિવંડીમાં રહેતાં હતાં.
સાંતાક્રુઝ પૂર્વમાં કલિના વિલેજ ખાતે રહેતા અનવરઅલી સિદ્દિકીની મુલાકાત ગયા વર્ષે આરોપીઓ સાથે થઇ હતી અને તેમણે સિદ્દિકીને કહ્યું હતું કે તેમની પાસે વિદેશી ચલણ છે, જે તેઓ ઓછી કિંમતમાં આપવા માગે છે. એ સમયે તેમણે રૂ. 100ની વિદેશી નોટ આપીને સિદ્દિકીનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. દરમિયાન 2 નવેમ્બર, 2023ના રોજ આરોપીઓએ સિદ્દિકીનો સંપર્ક સાધી તેને મુલુંડ પશ્ર્ચિમમાં બોલાવ્યો હતો, જ્યાં તેની પાસેથી રૂ. ચાર લાખ લઇને તેને વિદેશી ચલણને બદલે હાથચાલાકીથી કાગળનું બંડલ પધરાવ્યું હતું.
છેતરાયેલા સિદ્દિકીએ આ પ્રકરણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. આરોપીઓએ જે નંબર પરથી સિદ્દિકીનો સંપર્ક સાધ્યો હતો તેને બંધ કરી દીધો હતો. પોલીસે એ નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો. દરમિયાન આરોપીઓ કલ્યાણના કોનગાંવ વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળતાં ત્યાં પોલીસ ટીમે સતત નજર રાખી હતી, પણ આરોપીઓ મળ્યા નહોતા.
આખરે આરોપીઓ અન્ય વ્યક્તિને છેતરવા માટે મુલુંડ પશ્ર્ચિમમાં આવવાના હોવાની માહિતી મળતાં પોલીસે રવિવારે સાંજના છટકું ગોઠવ્યું હતું અને તેમને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી વિદેશી ચલણ અને મોબાઇલ જપ્ત કરાયા હતા.