હાર્બર લાઈનમાં પનવેલ-બેલાપુરવચ્ચે ૩૮ કલાકનો મેગા-જમ્બો બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ પૂરો થયા પછી મુંબઈ સબર્બન રેલવેમાં પેન્ડિંગ બ્લોક લેવાની પ્રક્રિયા શરુ થઈ છે, જેમાં આવતીકાલ રાતથી હાર્બર લાઈનમાં ૩૮ કલાકનો બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેમાં અગાઉથી પનવેલમાં યાર્ડ રિમોડલિંગનું કામકાજ ચાલુ છે, જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ કાર્ય અન્વયે વધુ કામકાજ માટે પનવેલ અને બેલાપુરની વચ્ચે ૩૦મી સપ્ટેમ્બરના રાતના અગિયાર વાગ્યાથી બીજી ઓક્ટોબરના બપોરના એક વાગ્યા સુધી બ્લોક રહેશે.
આ બ્લોક લેવાનું સૌથી મહત્ત્વનું છે, કારણ કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે બે લાઈન તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં એક અપ અને બીજી ડાઉન લાઈન છે. આ બ્લોકના સમયગાળા દરમિયાન હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઈનમાં પનવેલ અને બેલાપુર રેલવે સ્ટેશનની વચ્ચે સબર્બનની લોકલ ટ્રેન સર્વિસીસ ઉપલબ્ધ રહેશે નહીં, તેથી રેગ્યુલર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ટ્રેન વિના મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે, એમ સત્તાાવાર જણાવ્યું હતું.
બ્લોક દરમિયાન હાર્બર લાઇન અપ અને ડાઉન ઉપનગરીય સેવાઓ બેલાપુર, નેરુલ અને વાશી સ્ટેશનો પર ટૂંકા ગાળા માટે અથવા શરૂ થશે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં અપ અને ડાઉન ઉપનગરીય સેવાઓ ફક્ત થાણે અને નેરુલ/વાશી સ્ટેશનો વચ્ચે જ ચાલશે.
બ્લોક શરૂ થયા પહેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ઉપડનારી ડાઉન હાર્બર લાઇન પરની લાસ્ટ લોકલ ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રાત્રે ૯:૦૨ વાગ્યે ઉપડશે એ જ રીતે ટ્રાફિક બ્લોક પહેલા પનવેલથી ઉપડનારી અપ હાર્બર લાઇન પરની લાસ્ટ લોકલ આવતીકાલે રાત્રે ૧૦:૩૫ વાગ્યે ઉપડશે.
હાર્બર લાઈનની સાથે ટ્રાન્સ હાર્બર લાઈનની ટ્રેનસેવા પર અસર પડશે, જેમાં ટ્રાન્સ-હાર્બર લાઇન પર બ્લોક પહેલા થાણેથી પનવેલ તરફ ઉપડનારી લાસ્ટ લોકલ આવતીકાલે રાત્રે ૯:૩૬ વાગ્યે થાણેથી ઉપડશે, જ્યારે અપ લાઈનમાં પનવેલથી ઉપડતી લાસ્ટ લોકલ રાતના ૯.૨૦ વાગ્યે રહેશે. બ્લોક પૂરો થયા પછી બીજી ઓક્ટોબરે બપોરના પહેલી લોકલ ૧૨.૦૮ વાગ્યે સીએસએમટીથી પનવેલ અને પનવેલથી સીએસએમટી તરફ ઉપડનારી પહેલી લોકલ બીજી ઓક્ટોબરે બપોરે ૧:૩૭ વાગ્યે પનવેલથી ઉપડશે. આ ઉપરાંત, ટ્રાન્સહાર્બર લાઈનમાં પણ થાણેથી પનવેલ માટે બીજી ઓક્ટોબરે બપોરે ૧.૨૪ તથા પનવેલથી થાણે બપોરે ૨.૦૧ વાગ્યે લોકલ ટ્રેન રહેશે.