૩,૧૫૩ બેવારસ, નકામા અને ભંગાર વાહનોને સુધરાઈની નોટિસ
૧,૯૨૭ વાહનોનું ટોઈંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાર્વજનિક રસ્તા પર ગેરકાયદેસર રીતે ત્યજી દીધેલા બેવારસ તેમ જ નકામા અને ભંગાર વાહનોનો નિકાલ લાવવાની કાર્યવાહી મુબઈ મહાનગરપાલિકાએ હાથ ધરી છે, જેમાં ૧૨ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાંથી કુલ ૪,૩૨૫ બેવારસ વાહનો મળી આવ્યા છે. તેમાંથી ૩,૧૫૩ વાહનમાલિકને પાલિકાએ નોટિસ ફટકારી છે. તો ૧,૯૨૭ બેવારસ તથા નકામા અને ભંગાર વાહનોને ટોઈંગ કરીને કૉન્ટ્રેક્ટરના યાર્ડમાં મોકલવામાં આવ્યા છે.
મુંબઈના રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કરવાને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા તો સર્જાતી હોય છે પણ અમુક વખતે તે સુરક્ષાની દૃષ્ટિએ જોખમી પણ સાબિત થતા હોય છે. તેથી સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ રસ્તાની એક તરફ ત્યજી દેવામાં આવેલા બેવારસ તેમ જ નકામા ભંગાર વાહનોનો નિકાલ લાવવા માટે પૉલિસી નક્કી કરી છે, જે અંતર્ગત સાર્વજનિક સ્થળે લાંબા સમય સુધી પડી રહેલા બેવારસ વાહનોના માલિકની ઓળખ કરીને નિયમ અનુસાર તેનો નિકાલ લાવવા માટે પાલિકાએ શહેર, પૂર્વ ઉપનગર અને પશ્ર્ચિમ ઉપનગરમાં કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી છે.

દક્ષિણ મુંબઈમાં અત્યાર સુધી ૮૩૩ બેવારસ વાહનો મળી આવ્યા છે, તેમાંથી ૫૦૨ વાહનમાલિકોને કલમ ૩૧૪ અતંગર્ત નોટિસ ફટકારવામાં આવી છે. તો ૧૪૭ વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા છે. પૂર્વ ઉપનગરમાં કુલ ૧,૪૪૦ બેવારસ વાહનો મળી આવ્યા છે અને તેમાંથી ૧,૧૩૦ વાહનમાલિકોને કલમ ૩૧૪ અંતર્ગત નોટિસ મોકલવામાં આવી છે અને ૭૪૦ વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા છે. પશ્ર્ચિમ ઉપનગરમાં કુલ ૨,૦૫૨ બેવારસ વાહનો મળી આવ્યા છે, તેમાંથી ૧,૫૨૧ વાહન માલિકોને નોટિસ મોકલવામાં આવી છે. તો ૧૦૪૦ બેવારસ તેમ જ નકામા અને ભંગાર વાહનોને ટોઈંગ કરીને કૉન્ટ્રેક્ટરના યાર્ડમાં મોકલવામાં આવ્યા છે.

પાલિકા અધિનિયમ, ૧૮૮૮માં આવતી ૩૧૪ કલમ અંતર્ગત બેવારસ વાહનોને નોટિસ ફટકારવામાં આવે છે. વાહનમાલિકોને નોટિસ મોકલ્યા બાદ ૭૨ કલાકની અંદર વાહન સાર્વજનિક રસ્તા પરથી હટાવ્યા નહીં તો વાહનો ટોઈંગ કરીને કૉન્ટ્રેક્ટરના યાર્ડમાં મોકલવામાં આવે છે. તેમ જ ૩૦ દિવસ બાદ આ વાહનોનો નિકાલ કરવામાં આવે છે અને તે બાબતે કોઈ પણ દાવો કરી શકાતો નથી. તેથી ટોઈંગ કરીને યાર્ડમાં જમા કરેલા વાહનો પાછા જોઈતા હોય તો વાહનમાલિકોએ ૩૦ દિવસની અંદર તેમને લાગુ કરેલા દંડની રકમ ભરવી એવી પાલિકાએ ચેતવણી આપી છે.
બેવારસ વાહનોની ફરિયાદ અહીં કરો
પાલિકા પ્રશાસન અને કૉન્ટ્રેક્ટર મારફત બેવારસ વાહનો સામે નિયમિત કાર્યવાહી ચાલી રહી છે. મુંબઈના નાગરિકોને પણ સાર્વજનિક રસ્તા પર લાંબા સમય સુધી બેવારસ વાહનો મળી આવે તો તેઓ ફરિયાદ કરી શકે છે. દક્ષિણ મુંબઈ માટે મેસર્સ આઈએફએસઓ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (વોટ્સઍપ નંબર ૭૫૦૫૧૨૩૪૫૬), પૂર્વ ઉપનગર માટે મેસર્સ રઝા સ્ટીલ (વોટ્સઍપ નંબર ૯૮૧૯૫૪૩૦૯૨) અને પશ્ર્ચિમ ઉપનગર માટે મેસર્સ પ્રદીપ ટ્રેડિંગ કંપની (વોટ્સઍપ નંબર ૮૮૨૮૮૯૬૯૦૩) કૉન્ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. વોટ્સઍપ નંબર પર વાહનોના ફોટા અને ગૂગલ લોકેશન સાથે ફરિયાદ નોંધાવાની રહેશે. તેમ જ ૧૯૧૬ નંબર પર ફરિયાદ કરી શકાશે.