લોકસભામાં 30 બેઠકો એટલે રાજ્યમાં અમારી જ સત્તા: વર્ષા ગાયકવાડ
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહાવિકાસ આઘાડીના 30 ઉમેદવારો વિજયી થયા છે. અને તેથી મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીઓ અમે જ જીતીશું એવો વિશ્ર્વાસ કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે બુધવારે વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ એવી માગણી કરી હતી કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવો, પરંતુ હવે આ માગણી પડતી મૂકવામાં આવી છે. આ બધાની વચ્ચે શહેરના મહિલા સાંસદ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે સુપ્રિયા સુળે અથવા તો રશ્મી ઠાકરે મુખ્ય પ્રધાન બની શકે છે.
ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ આખી દુનિયામાં ફરી રહ્યો છે. મંગલમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમે બાપાના ચરણે ફક્ત એટલી જ અરજ કરી છે કે બાપા અમને ખબર છે કે રાજ્યનું રાજકારણ પ્રગત અને પુરોગામી છે. આ રાજકારણને મલિન કરવાના પ્રયાસ ચાલુ છે. આ રાજકારણ સ્વચ્છ કરવાની તક અમને મળે એટલી જ બાપા પાસે માગણી છે. અમને વિશ્ર્વાસ છે કે વિધાનસભામાં અમારી (મહાવિકાસ આઘાડી)ની સરકાર આવશે. પૈસા અને ગદ્દારીના જોરે અમે ફરી ગાદી પર કબજો કરીશું એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે, પરંતુ એવું થશે નહીં. જનતાના પ્રતિનિધિઓ અંગે લોકોના મનમાં કેટલાક સવાલ છે અને સુસંસ્કૃત રાજકારણ માટે મહારાષ્ટ્રનો દાખલો આપવામાં આવતો હતો. હવે રાજકારણ અત્યંત ખરાબ થઈ ગયું છે, એમ વર્ષા ગાયકવાડે કહ્યું હતું.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર
મહારાષ્ટ્રમાં બે પક્ષ ફોડવામાં આવ્યા, ઈડી, સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવ્યો. તેના માધ્યમથી વિધાનસભ્યોને ત્યાં ખેંચી લેવામાં આવ્યા. હસન મુશ્રીફ, રવીન્દ્ર વાયકર, અજિત પવાર, પ્રફુલ્લ પટેલ ત્યાં ગયા અને ક્લોઝર રિપોર્ટ કેવી રીતે મળી ગયા? યામીની જાધવથી લઈને બધાને ક્લિન ચીટ કેવી રીતે મળી ગઈ? વિપક્ષી નેતાઓ પર આરોપ કરવાના, તેમને જેલમાં નાખવાના અને પોતાના પક્ષમાં લીધા પછી તેમને પવિત્ર કરી નાખવાના આવું રાજકારણ ન હોય. રાજકારણ વૈચારિક હોવું જોઈએ. અમે રાજકારણની શરૂઆત કરી ત્યારે વિચારધારાને લઈને આવ્યા હતા, પણ વિચારધારા છોડવાની હોય નહીં, એમ પણ વર્ષા ગાયકવાડે કહ્યું હતું.
રશ્મી ઠાકરેનું નામ રાજકીય ચર્ચામાં ન લાવો: કિશોરી પેડણેકર
શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે રશ્મી ઠાકરે (શિવસેના-યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પત્ની)એ ક્યારેય રાજકારણમાં રસ દાખવ્યો નથી. તેથી તેમના નામની રાજકીય ચર્ચા કરવી નહીં. રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન મળવી જોઈએ, પરંતુ તેમાં રશ્મી ઠાકરેનું નામ આવવું જોઈએ નહીં. કૉંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે રશ્મી ઠાકરે મુખ્ય પ્રધાન બની શકે એવી શક્યતા વ્યક્ત કરી તેના પર કિશોરી પેડણેકરે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.