ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે છેતરપિંડી: પુણેનો યુવક પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના બ્રિચ કૅન્ડી પરિસરમાં રહેતા આઈટી કંપનીના કર્મચારી પાસેથી ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે લાખો રૂપિયા પડાવનારા યુવકની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.
ગામદેવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મહેશ શિવાજી મોહિતે (21) તરીકે થઈ હતી. મૂળ સાલાપુરના મોહોળનો વતની મોહિતે હાલમાં પુણેને બેલેકર વસતિના શિવતિર્થ નિવાસમાં રહેતો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન, પાંચ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વિવિધ બૅન્કની 15 ચેકબુક જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જુનિયર કૉલેજની પરવાનગી મેળવી આપવાને નામે,શૈક્ષણિક સંસ્થા સાથે 10.60 લાખની છેતરપિંડી
આ પ્રકરણે બ્રિચ કૅન્ડી ખાતે રહેતા અનિકેશ જૈને (35) પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર, 2023માં ફરિયાદીના મોબાઈલ ફોન પર એક વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો, જેમાં યુટ્યૂબ પર સબસ્ક્રિપ્શન કરી દરેક ટાસ્ક પૂરી કર્યા પછી 50 રૂપિયા આપવાની માહિતી હતી. ફરિયાદીએ ટાસ્ક પૂર્ણ કરતાં તેના બૅન્ક ખાતામાં દોઢસો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરી રોકાણ કરેલી રકમ 15 મિનિટમાં 30 ટકા વધુ આપવાની લાલચ આરોપીએ આપી હતી. લાલચમાં આવી ફરિયાદીએ 5.28 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં ફરિયાદીને કોઈ વળતર મળ્યું નહોતું અને મૂળ રકમ પણ તેણે ગુમાવી હતી.
આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે ફિલ્મમાં રોલ આપવાનું કહી યુવતી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો પકડાયો
આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે સંબંધિત બૅન્ક ખાતાની વિગતો મેળવી હતી. આરોપી પુણેમાં હોવાની માહિતી મળતાં પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી. હડપસર પોલીસની મદદથી આરોપીને તાબામાં લઈ મુંબઈ લાવવામાં આવ્યો હતો. આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.