સિનિયર સિટિઝન સાથે 3.61 કરોડની ઑનલાઈન છેતરપિંડી: વેપારીની ધરપકડ
સાયબર પોલીસે વિવિધ બૅન્કમાં 330 ખાતાં સીલ કરી 2.21 કરોડ રૂપિયા ટ્રાન્સફર થતાં રોક્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોમોડિટી માર્કેટમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ બતાવી જોગેશ્ર્વરીના દુકાનદાર સાથે 3.61 કરોડ રૂપિયાથી વધુની ઑનલાઈન છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે સાંતાક્રુઝના વેપારીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ બૅન્કમાં 330 ખાતાં સીલ કરી 2.21 કરોડ રૂપિયા અન્યત્ર ટ્રાન્સફર થતાં રોક્યા હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
વેસ્ટર્ન રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ કેતાબ અલી કાબિલ બિશ્ર્વાસ (37) તરીકે થઈ હતી. સાંતાક્રુઝ પૂર્વમાં પ્રભાત કોલોની ખાતે રહેતો બિશ્ર્વાસ કાપડનું કારખાનું ધરાવે છે. પોલીસે તેનો મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જોગેશ્ર્વરીમાં રહેતા ફકરુદ્દીન યુસુફ બગસરાવાલા (73)એ નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી મે, 2023થી ઑક્ટોબર, 2023 દરમિયાન થઈ હતી. ફરિયાદીને એક વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો, જેમાં કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવા પર ટૂંકા સમયગાળામાં આકર્ષક વળતરની સ્કીમ અંગે જાણકારી હતી. ફરિયાદીને સ્કીમમાં રસ પડતાં તેણે વ્હૉટ્સઍપ પર સામો જવાબ આપ્યો હતો. પરિણામે ફરિયાદીને એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા.
ગ્રૂપમાં આપેલી માહિતીથી અંજાઈને ફરિયાદીએ સમયાંતરે કથિત સ્કીમમાં રૂપિયા રોક્યા હતા. આરોપીના કહેવાથી ફરિયાદીએ બે બૅન્ક ખાતાંમાં રૂપિયા જમા કરાવ્યા હતા. વ્હૉટ્સઍપ ગ્રૂપમાં જ ફરિયાદીને થયેલા નફાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો, પરંતુ રૂપિયા ફરિયાદીએ નાણાં મેળવવા માટે પ્રયત્ન કરતાં આરોપીઓએ ઉડાઉ જવાબ આપવા માંડ્યા હતા. વળતર તો ઠીક, રોકાણ કરેલી મૂળ રકમ પણ ફરિયાદીને પાછી મળી નહોતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતોને આધારે પોલીસની ટીમ વાકોલા પરિસરમાં પહોંચી હતી. તાબામાં લેવાયેલા આરોપી બિશ્ર્વાસની પૂછપરછ પછી પોલીસે વિવિધ બૅન્કમાં 330 ખાતાં સીલ કર્યાં હતાં, જેમાં 2.21 કરોડ રૂપિયાથી વધુ નાણાં હોવાનું પોલીસનું કહેવું છે. આ રૂપિયા બાદમાં આરોપી અન્યત્ર ટ્રાન્સફર કરી એટીએમમાંથી કઢાવી લેવાની વેતરણમાં હતા, એમ અધિકારીનું કહેવું છે.