આમચી મુંબઈમહારાષ્ટ્ર

મીઠી નદી પાસેના વિસ્તારોને પૂરથી બચાવવા ૨૮ ફ્લડગેટ્સ ઊભા કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મીઠી નદી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અહીં ૨૮ ફ્લડગેટ્સ બનાવવા હાથ ધરેલી યોજના ધીમી ગતીએ ચાલી રહી હતી. જોકે હવે બહુ જલદી આ કામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. લગભગ ૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારા આ ફ્લડગેટ્સ બન્યા બાદ નીચાણવાળા વિસ્તાર સાયન, ચુનાભટ્ટી અને કુર્લા વિસ્તારને કાયમી રાહત મળશે. જોકે હાલ મીઠી નદીને કિનારે રહેલી ઝૂંપડપટ્ટીઓને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય પાલિકા અધિકારીઓને સતાવી રહ્યો છે.

મુંબઈમાં ૨૦૦૫માં અતિવૃષ્ટિ બાદ આવેલા પૂર માટે જવાબદાર ગણાતી ૧૮ કિલોમીટર લાંબી મીઠી નદી બોરીવલીમાં સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલા વિહાર તળાવથી શરૂ થાય છે અને માહિમ કોઝવે પર અરબી સમુદ્રમાં ભળી જાય છે. દર વર્ષે ચોમાસામાં મીઠી નદી છલકાઈ જતી હોય છે અને તેને કારણે તેના આજુબાજુના પરિસરમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને પાલિકાને મીઠી નદીના કિનારા પર રહેતા લોકોનું અન્યત્ર સ્થળાંતર કરવું પડતું હોય છે ત્યારે આ સમસ્યાને કાયમીસ્વરૂપે દૂર કરવાની યોજના પાલિકાએ હાથ ધરી છે.

પાલિકાએ મીઠી રીવર વોટર ક્વૉલિટી ઈમ્પ્રુમેન્ટ પ્રોજેક્ટ ૨૦૨૨માં હાથમાં લીધો હતો, જે ચાર તબક્કામાં પૂરો કરવાનું આયોજન છે, જે હેઠળ પાલિકા માહિમ ક્રીકથી વિહાર લેક પર ભરતીના સ્થળે વર્ટિકલ ફ્લડગેટ બનાવવાની છે. આ ફ્લડગેટને કારણે ચોમાસામાં રહેવાસીઓના સ્થળાંતરની જરૂરિયાત નહીંવત્ થઈ જશે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મોટી ભરતી દરમિયાન નદીના પાણીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન (વરસાદી પાણીનો નિકાલ કરનારી) પ્રવેશતા અટકાવવા માટે ફ્લડગેટના દરવાજા બંધ કરાશે. તો ઓટ વખતે નદીમાં વરસાદી પાણીને છોડવા માટે આ દરવાજા ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રોેજેક્ટમાં સીવર પંપિંગ સ્ટેશન પણ બનાવવામાં આવવાના છે. તો નદીના કિનારા પાસે ૮.૫ કિલોમીટર લાંબો ચાલવા માટેનો રસ્તો, લેન્ડસ્કેપિંગ વગેરે પણ ઊભા કરવામાં આવવાના છે.

આગામી બે અઠવાડિયામાં આ કામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. આ પ્રોજેક્ટ સાડા ત્રણ વર્ષમાં પૂરો કરવાનો અંદાજો છે, પરંતુ નદીના કિનારા પર રહેલા અતિક્રમણોનું અન્ય સ્થળે સ્થળાંતર થાય નહીં ત્યાર સુધી આ કામ તેની ડેડલાઈનમાં પૂરી થવા સામે શંકા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button