જ્વેલર્સની દુકાનમાંથી 24 કિલો ચાંદી ચોરનારા બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસરમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી 24 કિલોથી વધુની ચાંદીની વસ્તુઓ ચોરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્ને આરોપી જગનસિંહ તારાસિંહ કલ્યાણી (કલાની) ઉર્ફે પાજી (39) અને હનુમંત બાપુરાવ તાંબે (31) વિરુદ્ધ રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
દહિસર પૂર્વમાં એસ. એન. દુબે રોડ પર આવેલી ભુણાદેવ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. 18 ઑગસ્ટે ફરિયાદીએ દુકાન બંધ કર્યા પછી બીજી સવારે દુકાન ખોલવા ગયો ત્યારે ચોરીની જાણ થઈ હતી.
આપણ વાચો: મીરા રોડમાં ચોરીના કેસમાં ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ…
અજાણ્યા શખસે લોખંડની જાળીનું તાળું તોડ્યા પછી શટરનું લૉક પણ તોડ્યું હતું. પછી દુકાનમાંથી અંદાજે 23.39 લાખ રૂપિયાની કિંમતની ચાંદીની વસ્તુઓ ચોરી શખસો ફરાર થઈ ગયા હતા.
કેસની તપાસ દરમિયાન પોલીસે દોઢસોથી બસો સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. બન્ને આરોપીને તાજેતરમાં એક કેસમાં કાશીમીરા પોલીસે પકડી પાડ્યા હોવાની માહિતી મળતાં દહિસર પોલીસે બન્નેને તાબામાં લીધા હતા. આરોપીઓની વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.



