આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગૅસ કટરથી એટીએમ ખોલવાના પ્રયાસમાં 21 લાખની રોકડ સળગીને રાખ થઈ ગઈ

થાણે: ડોમ્બિવલીમાં બનેલી વિચિત્ર ઘટનામાં ચોરોએ ગૅસ કટરની મદદથી એટીએમ ખોલવાના કરેલા પ્રયાસ દરમિયાન મશીનમાં આગ લાગતાં લગભગ 21 લાખ રૂપિયા સળગીને રાખ થઈ ગયા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ડોમ્બિવલીના વિષ્ણુ નગર પરિસરમાં આવેલા રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સેન્ટરમાં 13 જાન્યુઆરીના મળસકે બે વાગ્યાની આસપાસ બની હતી. અજાણ્યા શખસોએ એટીએમ સેન્ટરના શટરનું લૉક તોડ્યું હતું. એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા પછી ચોરોએ રૂપિયા ચોરવા મશીન તોડવાનો પ્રયત્ન કર્યો હતો.


એટીએમ તોડવા માટે ગૅસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખી પ્રક્રિયા દરમિયાન ગરમી વધવાને કારણે મશીનમાં આગ લાગી હતી. આગમાં મશીનના અંદરના ભાગોને ખાસ્સું નુકસાન થયું હતું. મશીનમાં રાખવામાં આવેલા અંદાજે 21.11 લાખ રૂપિયાની નોટો આગને કારણે બળીને ખાક થઈ ગઈ હતી.


એટીએમ સેન્ટરનું સંચાલન કરવા માટે જવાબદાર ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમના અધિકારીએ આપેલી માહિતીને આધારે વિષ્ણુ નગર પોલીસે એફઆઈઆર દાખલ કર્યો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 457, 380 અને 427 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button