પોલીસ મુખ્યાલય નજીકથી વિવિધ પ્રકારના 202 ચાકુ જપ્ત: આરોપીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમરાવતી ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી મુંબઈના પોલીસ મુખ્યાલય નજીકના પરિસરમાં ગેરકાયદે ચાકુ વેચનારા શખસની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વિવિધ પ્રકારના 202 ચાકુ જપ્ત કરવામાં આવ્યા હતા.
એમઆરએ માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સૈયદ કમર સૈયદ અખ્તર હુસેન (42) તરીકે થઈ હતી. બાન્દ્રા પૂર્વના બેહરામ નગરમાં રહેતા આરોપીને કોર્ટે 18 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અમરાવતીમાં નોંધાયેલા એક ગુનામાં હુસેનની સંડોવણી સામે આવી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળના એ ગુનામાં અમરાવતી ક્રાઈમ બ્રાન્ચ હુસેનની શોધ ચલાવી રહી હતી. હુસેન દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર ઑફિસ નજીકના મુસાફિરખાના રોડ ખાતે ગેરકાયદે શસ્ત્રો વેચતો હોવાની માહિતી અમરાવતી પોલીસને મળી હતી.
અમરાવતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ની ટીમ મુંબઈ પહોંચી હતી અને સ્થાનિક એમઆરએ માર્ગ પોલીસની મદદ માગી હતી. જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી પોલીસની ટીમે ગુરુવારની સાંજે હુસેનને માર્કેટ પરિસરમાંથી તાબામાં લીધો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી ચાઈના ચાકુ, ફોલ્ડિંગ ચાકુ, બટન ચાકુ જેવાં શસ્ત્રો મળી આવ્યાં હતાં, જેના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આરોપી ગેરકાયદે શસ્ત્રોનું વેચાણ કરતો હતો. તેની પાસેથી વિવિધ પ્રકારના 202 ચાકુ હસ્તગત કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.