Illegal ફેરિયાઓને હટાવવા માટે પાલિકા અદાલતમાં, 20 સ્થળ નક્કી કરાયા
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં અનધિકૃત ફેરિયાઓથી ખીચોખીચ ભરેલાં ૨૦ સ્થળ સૂચિત કરી તેમને એ વિસ્તારમાંથી હાંકી કાઢવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાલિકા દ્વારા જે સ્થળો નક્કી કરવામાં આવ્યા છે તેમાં સીએસએમટી, ચર્ચગેટ, કોલાબા કોઝવે, દાદર સ્ટેશન પશ્ચિમ, એલબીએસ રોડ, હિલ રોડ અને કુર્લા પશ્ચિમનો સમાવેશ થાય છે. અદાલતમાં રજૂ થનારા અહેવાલમાં પાલિકાની સર્વોચ્ચ સમિતિ દ્વારા ૩૧ ઓગસ્ટ સુધીમાં અધિકૃત કરવામાં આવનાર ૩૨,૪૧૫ ફેરિયાઓની યાદી પણ આપવામાં આવી છે.
પાલિકાના લાઇસન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકાની આગેવાની હેઠળની સર્વોચ્ચ સમિતિ ઉપરાંત સાત ટાઉન-વેન્ડિંગ ઝોનલ સમિતિઓ છે, જેમાં અધિકૃત ફેરિયાઓના પ્રતિનિધિઓ હાજર હશે. આનો અર્થ એ થયો કે ત્રણ લાખ ફેરિયાઓને સામેલ કરવા અને તેમને અધિકૃત કરવા માટે સાત હોકર્સ યુનિયનોની માગણીનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં નહીં આવે.
50 વર્ષ જૂના મુંબઈ હોકર્સ યુનિયનના પ્રમુખ શશાંક રાવે જણાવ્યું હતું કે સાત ફેરિયાઓના યુનિયનોએ પાલિકાની 32,415 ફેરિયાની યાદી સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે આ યાદીમાં સામેલ 10,000 ફેરિયા તો અગાઉ સત્તાવાર લાઈસન્સ મેળવનારા શહેરના ફેરિયાઓ હતા. આમ હકીકતમાં તો પાલિકાએ ફક્ત 22,415 નવા ફેરિયાઓનો સમાવેશ કર્યો છે.’
શશાંક રાવે વધુમાં જણાવ્યું હતું કે નવી સૂચિ અન્ય ગણતરીમાં ખોટી છે કારણ કે સ્ટ્રીટ વેન્ડર્સ લાઇવલીહુડ એક્ટ (2014) શહેરની કુલ વસ્તીના 2.5 ટકા લોકોને હોકિંગ લાઇસન્સ આપવાની મંજૂરી આપે છે.
આ પણ વાંચો: બદનક્ષીના કેસઃ બોમ્બે હાઈ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આપી રાહત
‘આનો અર્થ એ છે કે ત્રણ લાખથી વધુ વધુ ફેરિયાઓને સમાવી શકાય છે,’ એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ‘આવું ન કરવાથી ન તો ફેરિયાઓને કે ન તો મુંબઈના લોકોને ફાયદો થશે. આ કવાયતનો મુખ્ય હેતુ ફેરિયાઓને સંગઠિત કરવાનો છે, તેમને દૂર કરવાનો નથી.’
બીજી જુલાઈએ બોમ્બે હાઈકોર્ટે બીએમસી અને પોલીસની અનધિકૃત ફેરિયાઓ અને રસ્તા પર વેચાણ કરતા વિક્રેતાઓ સામે નિષ્ક્રિયતા બદલ ટીકા કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે ફેરિયાઓએ મુંબઈના રસ્તાઓ પર પર ‘વર્ચ્યુઅલ કબજો’ કરી લીધો હોવાથી જનતા ફૂટપાથનો ઉપયોગ નથી કરી શકતી. અદાલતે નોંધ્યું હતું કે વડા પ્રધાન અને અન્ય વીવીઆઈપીની મુલાકાત દરમિયાન જ રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા.
પાલિકા અને પોલીસને ગેરકાયદે ફેરિયા ધરાવતા સૌથી વધુ ગીચ વિસ્તાર નિશ્ચિત કરવા તેમ જ ઓછામાં ઓછા એક મહિના માટે ગેરકાયદે ફેરિયાઓ સામે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા અને પડકારો અને ઉકેલો પર અહેવાલ આપવા નિર્દેશ આપ્યો હતો.