લશ્કર અથવા પોલીસ દળમાં નોકરીની લાલચે 20 લાખ રૂપિયાની છેતરપિંડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં લશ્કર અથવા પોલીસ દળમાં સબ-ઈન્સ્પેક્ટરના પદે નોકરી અપાવવાની લાલચે બે યુવાન પાસેથી 20.15 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.
પનવેલના ઉસર્લી રોડ ખાતે રહેતા સાઈશ ડિંગનકરે (25) નોંધાવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસે ગુરુવારે આરોપી પુરન સેનાપતિ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. સેનાપતિએ પોતાની ઓળખ લશ્કરના નિવૃત્ત અધિકારી તરીકે આપી હોવાનું ફરિયાદીનું કહેવું છે.
ફરિયાદી ખાનગી કંપનીમાં કામ કરતો હતો ત્યારે 2019માં લોનવલા સ્થિત મીટિંગ વખતે તેની ઓળખાણ આરોપી સેનાપતિ સાથે થઈ હતી. ફરિયાદી અને તેના મિત્રો લશ્કરમાં ભરતી માટે તૈયારી કરતા હોવાની જાણ સેનાપતિને થઈ હતી. સેનાપતિ મુલુંડ પશ્ર્ચિમમાં આવેલી મુલુંડ કોલોની ખાડે ભાડેની રૂમમાં રહેતો હતો.
આરોપીએ લશ્કરના અધિકારીઓ સાથે પોતાની સારીએવી ઓળખાણ હોવાથી કોઈ પણ પરીક્ષા વિના લશ્કરમાં ભરતી કરાવી આપવાની ખાતરી ફરિયાદીને આપી હતી. જોકે આ માટે અધિકારીઓને અમુક રોકડ આપવાની વાત આરોપીએ કરી હતી. ફરિયાદી અને તેના મિત્રને લશ્કરમાં નોકરીની ઇચ્છા હોવાથી તેમણે સમયાંતરે આરોપીને 20.15 લાખ રૂપિયા આપ્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
જોકે બાદમાં ઉંમર ઓછી હોવાનું કારણ રજૂ કરી આરોપીએ લશ્કરમાં ભરતી શક્ય ન હોવાથી પોલીસ દળમાં સબ-ઈન્સ્પેક્ટર પદે નોકરી અપાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપ્યા પછી આરોપીએ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો. ફરિયાદીએ આરોપીના મુલુંડ સ્થિત ઘરે તપાસ કરતાં દરવાજાને તાળું હોવાનું જણાયું હતું. આરોપી રૂમ ખાલી કરીને અન્યત્ર રહેવા જતો રહ્યો હોવાનું પડોશીઓ પાસેથી જાણવા મળતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.