પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે વધારાના 13 લાખ ઘરોને મંજૂરી આપવા બદલ કેન્દ્ર અને ચૌહાણનો આભાર માન્યો, તેને કોઈપણ રાજ્ય માટે સૌથી વધુ ગણાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકારે આ વર્ષે મહારાષ્ટ્ર માટે વધારાના 13 લાખ ઘરો ફાળવ્યા છે, જેનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં કુલ 20 લાખથી વધુ ઘરો મહારાષ્ટ્રના ગરીબોને મળશે, એમ સોમવારે પુણેમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ED એક્શનમાંઃ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો ફ્લેટ જપ્ત કર્યો…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પહેલને ‘ઐતિહાસિક’ ગણાવતાં કહ્યું હતું કે રાજ્યમાં 26 લાખ લોકોએ આ યોજના માટે નોંધણી કરાવી છે, જેમાંથી 20 લાખ લોકોને ઘરો પૂરા પાડવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે વધારાના 13 લાખ ઘરોને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકાર અને શિવરાજસિંહ ચૌહાણનો આભાર માન્યો હતો અને કોઈપણ રાજ્ય માટે આટલા ઘરોની ફાળવણીને સૌથી વધુ ગણાવ્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ વર્ષે કેન્દ્ર સરકારે સાડા છ લાખ ઘરોને મંજૂરી આપી હતી, જેમાં રાજ્ય માટે ફાળવણીમાં વધુ 13 લાખ ઘરોનો વધારો કરવાની યોજના છે. કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્રને આ એક મહત્વપૂર્ણ ભેટ છે.
અત્યાર સુધીમાં 26 લાખ લોકોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે નોંધણી કરાવી છે અને તેમાંથી 20 લાખ લોકોને ઘર આપવામાં આવશે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે, એમ મુખ્ય પ્રધાને મંગળવારે કહ્યું હતું.
ફડણવીસે એક્સ (અગાઉ ટ્વિટર) પર કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો એક પત્ર પણ શેર કર્યો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ નવા ઘરોને મંજૂરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આભાર માન્યો હતો.
‘આવાસ 2018ની સર્વેક્ષણ યાદીઓના આધારે નાણાકીય વર્ષ 2024-25 માટે તમારા રાજ્યને 6,37,089 ઘરોનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો, મને તમને જણાવતા આનંદ થાય છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલયે આવાસ 2018 સર્વેક્ષણના આધારે, પીએમએવાય-જી હેઠળ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મહારાષ્ટ્ર માટે 13,29,678 ઘરોનો વધારાનો લક્ષ્યાંક મંજૂર કર્યો છે. આનાથી રાજ્ય માટે નાણાકીય વર્ષ 2024-25 માટેનો કુલ લક્ષ્યાંક 19,66,767 ઘરો પર પહોંચે છે.
ગ્રામીણ વિસ્તારોમાં ‘બધા માટે ઘર’ માટેની ભારત સરકારની પ્રતિબદ્ધતા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે,’ એમ શિવરાજ સિંહ ચૌહાણના પત્રમાં લખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ‘20 વર્ષ સ્મારક માટે જમીન ન આપી’, આંબેડકરને મુદ્દે કોંગ્રેસ પર ફડણવીસના અનેક મોટા આરોપો
મહારાષ્ટ્રમાં 13 લાખથી વધુ પાકા ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં બે કરોડ અને શહેરોમાં એક કરોડ પાકા ઘરો બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં છ લાખથી વધુ કાયમી મકાનો પૂરા પાડવામાં આવ્યા છે, અને હવે બીજા 13 લાખથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી રહી છે, એવી માહિતી આપવામાં આવી હતી.