આમચી મુંબઈટોપ ન્યૂઝ

2 હજાર કરોડનું એસટી કૌભાંડ

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને વિધાનસભા ચૂંટણી પહેલા 1310 બસ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી

મુંબઈ: રાજ્ય પરિવહન નિગમ (એસટી) દ્વારા 1310 બસને લીઝ પર લેવાના નિર્ણયને અંધારામાં રાખવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને આ નિર્ણય વિવાદમાં સપડાયો છે.

આ વ્યવહારમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પર વિશેષ મહેરબાની કરી હોવાનું કહેવાય છે અને તેના કારણે કોર્પોરેશનને અંદાજે બે હજાર કરોડનું આર્થિક નુકસાન થવાની શકયતા છે. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયને સ્થગિત કરી દીધો છે અને સુત્રોએ એવી માહિતી આપી છે કે, પરિવહન વિભાગના ઉચ્ચ સચિવ મારફતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં 22-24 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે વાતાનુકુલિત બસ ભાડે લેવામાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રમાં સાદી બસો 34.30 થી 35.40 રૂપિયા પ્રતિ કિલોમીટર ડિઝલ વગર ભાડે લેવામાં આવી હોવાથી મોટું કૌભાંડ થયાની આશંકા છે.

આપણ વાંચો: ગુજરાતની વધુ એક સિદ્ધિ: રાજ્યને મળ્યો કેન્દ્ર સરકારનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને વિધાનસભા ચૂંટણી પહેલા 1310 બસ ભાડે લેવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રચલિત પ્રણાલી મુજબ, વિભાગવાર બસ ભાડે લેવાની પદ્ધતિ બંધ કરવામાં આવી હતી અને તમામ વિભાગોને માત્ર ત્રણ જૂથો (ક્લસ્ટર)માં વહેંચી નાખવામાં આવ્યા હતા.

દરેક જૂથમાં ઓછામાં ઓછી 400-450 બસ સાત વર્ષ માટે આ રીતે 1310 બસ ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મે એન્થની રોડ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પ્રા. લિ., મે. સિટી લાઈફલાઈન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિ. અને મે. ટ્રાવેલ ટાઈમ પ્રા. લિ. આ ત્રણેય કંપનીઓને ત્રણ જૂથોમાં બસો સપ્લાય કરવાના લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યા હતા.

જો કે, મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનને જ્યારે જાણ કરવામાં આવી હતી કે આમાં એક મોટું કૌભાંડ થયું છે અને આ નિર્ણયથી લગભગ બે હજાર કરોડનું નુકસાન થઈ શકે છે, ત્યારે તેમણે ટેન્ડર પ્રક્રિયા તરત સ્થગિત કરી હતી અને તપાસનો આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…

રાજ્યમાં નવી સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી ખાતાઓની ફાળવણી પહેલા ફડણવીસ પોતે જ તમામ વિભાગોનો હવાલો સંભાળતા હતા. આ સાથે જ સરકારને અંધારામાં રાખીને સંબંધિત કંપનીઓને લેટર્સ ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેશનની બાબતોને લઈને મુખ્ય પ્રધાને નવનિયુક્ત વાહન વ્યવહાર પ્રધાન પ્રતાપ સરનાઈક સમક્ષ નારાજી વ્યક્ત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે, પડોશી રાજ્ય ગુજરાતે પણ આવી જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અને 22-24 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે એરકન્ડિશન્ડ બસો ભાડે લીધી છે અને આ બધાની વચ્ચે કોના દબાણ હેઠળ કોર્પોરેશનના અધિકારીઓએ આટલા મોંઘા ભાવે બસો ભાડે લેવાનું નક્કી કર્યું એવી ચર્ચા અત્યારે રાજકીય વર્તુળો અને કોર્પોરેશનમાં ચાલી રહી છે.

કેવી રીતે નુકસાન થશે?

-2022માં 500 બસ ડીઝલ સાથે 44 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે લીઝ પર લેવામાં આવી હતી.

-આ વખતે કંપનીઓ દ્વારા ફાઈલ કરવામાં આવેલા ટેન્ડરોમાં ડીઝલની કિંમતને બાદ કરતા પ્રતિ કિલોમીટર 39 થી 41 રૂપિયાનો દર દર્શાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: MSRTC કર્મચારીઓની હડતાળ સમેટાઈ

-ટેક્નિકલ લાયકાતના ટેન્ડર આચારસંહિતા જાહેર થયાની થોડી મિનિટો પહેલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે શિયાળુ સત્ર દરમિયાન નાણાકીય ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા

-સમાધાન બાદ ડીઝલની કિંમતને બાદ કરતા રૂ. 34.30 અને રૂ. 35.40ના ભાવે કંપનીઓને ઇરાદા પત્રો આપવામાં આવ્યા હતા.

-ડીઝલની કિંમત પ્રતિ કિમી રૂ. 20 થી 22 જેટલી થતી હોવાથી આ બોજ હવે કોર્પોરેશન પર પડશે.

-તેથી કોર્પોરેશને અગાઉના ટેન્ડરની સરખામણીમાં પ્રતિ કિલોમીટર આશરે રૂ. 12 વધુ ખર્ચવા પડશે.

-આ ટેન્ડર સાત વર્ષ માટે હોવાથી કોર્પોરેશનનું નુકસાન આટલા વર્ષોમાં અંદાજે 2 હજાર કરોડ જેટલું થવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button