વસઈ-વિરારમાં ઈમારત ધરાશાયીઃ સાંકડી ગલીઓને લીધે બચાવકાર્યમાં મુશ્કેલી

વિરારઃ ગણેશ ચતુર્થીની આગલી રાત્રે ગણપતિ મંદિર પાસે જ વસઈ-વિરારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં એક બાળક સહિત બેનાંમોત નિપજ્યા છે જ્યારે લગભગ 20 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની હોવા છતાં તેને જોખમી જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત સાંકડી ગલીમાં આવેલી હોવાથી બચાવકાર્ય મુશ્કેલ બન્યું હોવાની માહિતી સ્થાનિક પ્રશાસન પાસેથી મળી છે.
મહારાષ્ટ્રના વસઈ-વિરારમાં મંગળવાર-બુધવાર (26-27 ઓગસ્ટ) વચ્ચે મોડી રાત્રે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. વિરાર પૂર્વના વિજય નગરમાં ગણપતિ મંદિર પાસે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ, જેમાં બે લોકોના મોત થયા, જ્યારે 9 લોકોને બચાવી લેવામાં આવ્યા અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મોડી રાત્રે લગભગ 1.00 વાગ્યાની આસપાસ તૂટી પડેલી રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ચાર માળની ઇમારત નીચે હજુ પણ 15 થી 20 લોકો દટાયેલા છે. આ સંખ્યા વધુ હોઈ શકે છે.
વિરારના નારંગી ફાટાના રામુ કમ્પાઉન્ડમાં સ્વામી સમર્થ નગરમાં રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ચાર માળની ઇમારતના ચોથા માળનો એક ભાગ ધરાશાયી થયો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોને બચાવી લીધા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. NDRF ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળ કામગીરી ચાલુ છે. એવી આશંકા છે કે 15 થી 20 નાગરિકો હજુ પણ ઇમારતના કાટમાળમાં ફસાયેલા છે.
આ ઇમારત દસ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેને જોખમી જાહેર કરી હતી. સ્થાનિકો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અકસ્માત થયો ત્યાં પરિસ્થિતિ એવી છે કે ન તો વાહન કે એમ્બ્યુલન્સ બચાવ માટે જઈ શકે છે. બચાવ ટીમને કોઈની મદદ વગર બચાવ કામગીરી હાથ ધરવી પડી છે. એટલા માટે સમય લાગી રહ્યો છે. સાંકડી ગલીઓમાં મુંબઈની સેંકડો ઈમારતો આવી છે, જેમાં જો કોઈ આવી ઘટના ઘટે તો બચાવકામ મુશ્કેલ થઈ જાય છે.
કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે JCB મશીનની જરૂર પડશે, પરંતુ JCB માટે ત્યાં પહોંચવું મુશ્કેલ છે, જેના કારણે NDRFને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો…મુંબઈ નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત