ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 12 લાખ 41 હજાર 617 વાહન ચાલકો પાસેથી મુંબઈ ટ્રાફિક પોલીસે શનિવારે લોક અદાલતની મદદથી દંડ પેટે 17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.
ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધીમાં બાકી રહેલા ઈ – ચલણના 12 લાખ 41 હજાર 617 કેસનો નિકાલ થઈ શક્યો હતો કારણ કે વાહનચાલકોને લોક અદાલતમાં હાજર થવાથી ગભરાતા હતા.
આ પણ વાંચો : સરકારના વાંકે પ્રજાના પૈસાનું પાણીઃ બાન્દ્રા-વરલી સિ-લીંકનો ખર્ચ અધધધ વધી ગયો
છેલ્લા 15 દિવસમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓએ બાકી દંડ સાથે વાહનચાલકોને પ્રિ-લિટિગેશન નોટિસ મોકલી હતી. બાકી રહેલા ચલણમાંથી 17 કરોડ 47 લાખ પાંચ હજાર 650 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રતિસાદ ધીમો છે, પરંતુ ગયા વર્ષે અને લોક અદાલતના પાંચ સત્ર દરમિયાન ઈ – ચલણમાં 420 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 978 કરોડ રૂપિયાની થયેલી આ ચુકવણી 2016થી અત્યાર સુધીમાં કુલ બાકી ચલણના 50%ની વસુલાત જેટલી છે.’
ટ્રાફિક પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે દંડની વસૂલાતમાં લોક અદાલતની કાર્યવાહી અસરકારક રહી છે, પણ કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે. દંડની વસૂલાતનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં શિસ્ત લાગુ કરવાનો છે અને શિસ્ત આવશે તો શહેરમાં ટ્રાફિકની સારી સ્થિતિ બહતર બનશે અને માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદ કરશે.