મુંબઈમાં આવતા અઠવાડિયે ૨૪ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાનસા તળાવમાંથી ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પુરવઠો કરનારી પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી બુધવાર, ૩ ડિસેમ્બરથી ગુરુવાર ચાર ડિસેમ્બર સુધીના ૨૪ કલાક માટે મુંબઈના કુલ ૧૪ પ્રશાસકીય વોર્ડમાં પાણીપુરવઠામાં ૧૫ ટકા પાણીકાપ લાગુ પડશે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ તાનસા બંધમાંથી ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પુરવઠો કરનારી ૨,૭૫૦ મિલીમીટર વ્યાસની તાનસા પાઈપલાઈનને બદલવાનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધું છે. જૂની પાઈપલાઈન કાઢીને નવી પાઈપલાઈન બેસાડવાનું કામ પ્રસ્તાવિત છે. તે માટે ૨૪ કલાકનો સમય આવશ્યક છે. આ કામને કારણે ભાંડુપના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં થનારા પાણી પુરવઠામાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થવાનો છે.
તેની અસર દક્ષિણ મુંબઈ અને પશ્ર્ચિમ ઉપનગરના તમામ વિસ્તારોને થશે તો પૂર્વ ઉપનગરમાં એલ વોર્ડ (કુર્લા) અને એસ વોર્ડ (ભાંડુપ-વિક્રોલી)ને થશે. આ વિસ્તારોમાં બુધવાર, ત્રણ ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર, ચાર ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી ૧૫ ટકા પાણીકાપ રહેશે.
આપણ વાંચો: ડ્રગ્સના કેસમાં ઇન્ફ્લ્યુએન્સર ઓરી પોતાનું નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયો



