મુંબઈમાં 10 મહિનામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના 142 કેસઃ રુ. 114 કરોડની છેતરપિંડી…

મુંબઈ: દેશભરમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. જાન્યુઆરીથી ઓક્ટોબરના અંત સુધીમાં મુંબઈમાં 142 કેસ નોંધાયા છે, જેના દ્વારા 114 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. તેથી, હવે મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોમાં જાગૃતિ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
“ડિજિટલ અરેસ્ટ” જેવી કોઈ પદ્ધતિ દેશમાં તો શું, જગતમાં પણ ઉપલબ્ધ નથી. કોઈ પણ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. તેથી, અજાણ્યા વીડિયો કૉલ્સ ન ઉપાડવા અથવા જાણતા-અજાણતા એવા કૉલ્સ ઉપાડ્યા હોય તો પણ પૈસાની માંગણી પૂરી ન કરવી, આ દ્વારા કથિત ‘ડિજિટલ અરેસ્ટ’થી બચી શકાશે. સાઇબર ક્રાઈમ વિભાગની એક ટીમ ઘરે ઘરે જઈને આ બાબતે જાગૃતિ ફેલાવી રહી છે.
મુંબઈમાં સાયબર ગુનાના વધતા જતા પડકારનો સામનો કરવા માટે પ્રશિક્ષિત અધિકારીઓનો એક સ્વતંત્ર વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. મુખ્યત્વે વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ઉચ્ચ શિક્ષિત લોકો પણ આમાં ફસાઈ રહ્યા છે. તેથી, માત્ર જનજાગૃતિ ફેલાવવી એ જ એક વિકલ્પ હોવાનું ધ્યાનમાં લઈને પોલીસે ઘેર-ઘેર જઈને અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.
આ છેતરપિંડી અટકાવવા માટે શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે એક પુસ્તિકા ઘરે ઘરે આપવામાં આવી હતી અને આવી પરિસ્થિતિમાં, તેમને ૧૯૩૦ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.



