Good News: મધદરિયે ફસાયેલા 14 ક્રૂ મેમ્બરનો કરાયો આબાદ બચાવ
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ તટથી અરબી સમુદ્રમાં વહી ગયેલી ટગબોટના તમામ 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જેએસડબ્લ્યુ ગ્રુપ દ્વારા સંચાલિત નાના વિમાનથી ક્રૂનું બચાવ કાર્ય કોસ્ટ ગાર્ડ (તટ રક્ષક દળ)ની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર સવારે 9 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ કામગીરીમાં રોકાયેલું હતું અને ટગબોટના તમામ 14 ક્રૂ મેમ્બર્સને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એમ રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ઘાર્ગેએ જણાવ્યું હતું. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે ટગબોટમાંથી ક્રૂના સભ્યોને ઉગારી લીધા હતા અને તેમને સલામત રીતે અલીબાગ બીચ પર પહોંચાડી દીધા હતા.
જેએસડબ્લ્યુ ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘જેએસડબ્લ્યુ દ્વારા સંચાલિત એક નાનું કેરિયર જહાજ આજે જયગઢ અને સાલાવ વચ્ચે તોફાની હવામાનમાં ભારે પવન ફૂંકાવાને કારણે તેમજ આગળનું બધું સ્પષ્ટ ન દેખાતું હોવાથી ફસાઈ ગયું હતું.’
પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે અલીબાગના દરિયાકાંઠા વિસ્તારમાં કોલાબા કિલ્લા નજીક એન્જિને કામ કરતું બંધ થયા પછી ટગબોટ અટવાઈ ગઈ હતી. રાયગઢ પોલીસ, કોસ્ટ ગાર્ડ અને મહેસૂલ અધિકારીઓ ફસાયેલી બોટ માટે બચાવ કામગીરી શરૂ કરવા માટે સાબદા હતા, પરંતુ ભારે વરસાદ, ભારે ભરતી અને ભારે પવનને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો એમ ઘાર્ગેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)