પ્રવાસીઓ પાસેથી નાણાં પડાવવા મામલે જીઆરપીના 13 અધિકારી સસ્પેન્ડ

મુંબઈ: મુંબઈ અને થાણેનાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને ધમકાવી નાણાં પડાવવા મામલે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા છેલ્લાં પાંચ મહિનામાં એક સિનિયર ઈન્સ્પેક્ટર સહિત 13 અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
મુંબઈ અને આસપાસનાં રેલવે સ્ટેશનો પર ખંડણી વસૂલવાનું સુનિયોજિત રૅકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓ મોટા ભાગે કીમતી મતા સાથે લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરનારાઓને ટાર્ગેટ કરતા હતા. આવા પ્રવાસીઓ પછી ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે. મુંબઈ સેન્ટ્રલ, દાદર, કુર્લા, બાન્દ્રા ટર્મિનસ, બોરીવલી, થાણે, કલ્યાણ અને પનવેલ જેવાં સ્ટેશનો પર પ્રવાસીઓ પાસેથી નાણાં પડાવવામાં આવતાં હતાં.
આરોપીઓની મોડસ ઑપરેન્ડી વિશે અધિકારીએ જણાવ્યું હતું કે લગેજ ચેકિંગ પૉઈન્ટ્સ ખાતે રોકડ કે કીમતી વસ્તુઓ લઈ જનારા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવતી. કોઈ પ્રવાસીના સામાનમાં મૂલ્યવાન વસ્તુઓ કે મોટી સંખ્યામાં રોકડ હોવાનું જણાય તો તેને સિનિયર અધિકારીને મળવાનું કહેવામાં આવતું. પછી તે પ્રવાસીને પ્લૅટફોર્મ્સ પરના જીઆરપી પરિસરમાં લઈ જવામાં આવતો, જ્યાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા ન હોય.
અધિકારી સમક્ષ પ્રવાસીને રોકડ અને દાગીના તેના જ હોવાની ખાતરી આપવાનું કહેવામાં આવતું. બાદમાં પ્રવાસીને તેની મતા જપ્ત કરી લેવાની ધમકી આપી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, એમ કહેવામાં આવતું. અમુક કેસમાં તો પ્રવાસીની મારપીટ સુધ્ધાં કરવામાં આવતી. પ્રવાસીના છુટકારાનો એક માત્ર માર્ગ રહેતો કે તેણે અધિકારીને નાણાં ચૂકવી દેવા પડતાં, એમ જીઆરપીના જ એક અધિકારીનું કહેવું છે.
ગયા મહિને આ જ રીતે રાજસ્થાનના રહેવાસીને તેની પાસેના 31 હજાર રૂપિયામાંથી 30 હજાર રૂપિયા જીઆરપીના અધિકારીને ચૂકવવાનું દબાણ કરાયું હતું. આ પ્રવાસી તેની દીકરી સાથે મુસાફરી કરતો હતો ત્યારે મુંબઈ સેન્ટ્રલ પર આરોપીઓએ તેને લૂંટી લીધો હતો. રાજસ્થાન પહોંચ્યા પછી પ્રવાસીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. એ કેસ તપાસ માટે મુંબઈ ટ્રાન્સફર કરાયો હતો.
જીઆરપીના કમિશનર રાકેશ કાલસાગરે જણાવ્યું હતું કે આ રીતે પ્રવાસીઓને લૂંટનારા 13 અધિકારીને પાંચ વર્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિશનરે નાગરિકોને અપીલ કરી હતી કે તેમના સામાનની તપાસણી સીસીટીવી કૅમેરા સામે માત્ર વરદી પહેરેલા સિનિયર અધિકારીને જ કરવા દેવી.
(પીટીઆઈ)
આ પણ વાંચો…..મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ