નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી મુંબઈઃ મહારાષ્ટ્રના નવી મુંબઈ રેલવે સ્ટેશન ખાતે એક ચોંકાવનારો કેસ જાણવા મળ્યો હતો. નવી મુંબઈના રેલવે સ્ટેશન પર એક સગીર બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરોની તપાસમાં બાળકી પર બળાત્કાર થયાની માહિતી જાણવા મળી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો નવી મુંબઈના એક રેલવે સ્ટેશનનો છે. અહીંથી એક ૧૨ વર્ષની બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. તેની સાથે બળાત્કાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે વાશી ગવર્નમેન્ટ રેલ્વે પોલીસે (જીઆરપી) કેસ નોંધ્યો છે અને પીડિત બાળકીના પરિવારજનોને શોધી રહી છે.
આ પણ વાંચો : શોકિંગઃ નવી મુંબઈમાં GRPના હેડ કોન્સ્ટેબલની ઘાતકીપણે હત્યા
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજેશ શિંદેએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસકર્મીઓ નવી મુંબઈના ઘણસોલી રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પ્લેટફોર્મ પર બાળકીને એકલી જોતા તેની પૂછપરછ કરી હતી. પરંતુ તે પોતાનું નામ કે તેના પરિવાર વિશે અન્ય કોઈ માહિતી આપી શકી નહોતી. તેમણે કહ્યું કે છોકરીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની સાથે બળાત્કાર થયો હતો. યુવતી આ ઘટના અંગે પણ કોઈ માહિતી આપી શકી નહોતી. આ મામલે પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. પીડિતા અને તેના પરિવારની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે આરોપીઓને પકડવાના પ્રયાસો પણ ચાલુ છે.