આમચી મુંબઈ

કલ્યાણમાં 12 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી: મુખ્ય આરોપી બુલઢાણામાં પકડાયો

આરોપીની ત્રીજી પત્ની સહિત બે પકડાયાં: નાગરિકોનો રોષ ભભૂક્યો: રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન

થાણે: કલ્યાણમાં ઘરની બહારથી ગુમ થયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીકથી મળી આવ્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અપહરણ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે કથિત મુખ્ય આરોપીની બુલઢાણાથી ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીની ત્રીજી પત્ની સહિત બે જણની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો, જેને પગલે રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલસેવાડી પોલીસે ધરપકડ કરેલા ‘મુખ્ય આરોપી’ની ઓળખ વિશાલ ગવળી તરીકે થઈ હતી.

કલ્યાણના કોલસેવાડી પરિસરમાં રહેતા ગવળી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે બાળકી સોમવારે કોલસેવાડી ખાતેના ઘર બહાર રમી રહી હતી ત્યારે સાંજે ચાર વાગ્યાની આસપાસ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં બીજી સવારે મંગળવારે 10 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ ભિવંડી નજીકના બાપગાંવ ખાતે કબ્રસ્તાનની દીવાલ પાસેથી મળી આવ્યો હતો. હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નહોતો.

પોલીસ બાળકીના શબરના પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમના અહેવાલમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું જાણવા મળશે તો આરોપી વિરુદ્ધના કેસમાં બળાત્કારની કલમો પણ ઉમેરવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે આ કેસના મુખ્ય આરોપી તરકે ગવળીને ઓળખી કાઢ્યો હતો. ફરાર ગવળી બુલઢાણાના શેગાંવમાં હોવાની માહિતી મળતાં બુધવારની સવારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી રિક્ષા પણ હસ્તગત કરી હોવાનું ડીસીપી ઝેંડેએ જણાવ્યું હતું.

Also read: કલ્યાણમાં ચોપરના ઘા ઝીંકી યુવાનની હત્યા: ચાર પકડાયા…

પોલીસે આ કેસમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ માટે વિવિધ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ચકાસી રહી છે. આરોપી ગવળીએ ત્રીજી વાર લગ્ન કર્યાં હોવાનું જણાયું હતું. તેના મગજમાં વિકૃતિ ઘર કરી ગઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે, એવું અધિકારીનું કહેવું છે. કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક કદમે જણાવ્યું હતું કે બાળકી ગુમ થયા પછી તેના વડીલોએ સોમવારની સાંજે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધ હાથ ધરી હતી. બાળકીનો મૃતદેહ મળ્યા પછી આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. (PTI)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button