મહારાષ્ટ્રમાં 12 લાખ લોકો બન્યા છે આ બીમારીનો શિકાર, જાણો શું છે મામલો?
મુંબઈ: દુનિયાભરમાં ડાયાબિટીસ એટલે કે શુગરના દર્દીઓની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. દર વર્ષે અનેક લોકો ડાયાબિટીસ અને હાયપરટેન્શનને લીધે પોતાનો જીવ પણ ગુમાવે છે. આ બંને ઘાતક બીમારી વિશે એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે. જેમાં સામે આવ્યું છે કે ભારતની આર્થિક રાજધાની મુંબઈ શહેરમાં 12 ટકા લોકોમાં સુગરનું પ્રમાણ વધેલું જોવા મળ્યું છે.
હાલમાં ડાયાબિટીસ અને હાયપરટેન્શનની તપાસ કરવા માટે બીએમસીની 26 હોસ્પિટલોમાં નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) વિભાગ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં તપાસ માટે આવેલા 2.54 લાખ મુંબઈગરાઓમાંથી 12 ટકા મુંબઈગરાઓના લોહીમાં શુગરનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું હતું. મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગમાં તપાસ માટે આવેલા કુલ લોકોમાથી 12 ટકા લોકોનું શુગર લેવલ 140 મિલિગ્રામ કરતાં વધુ જોવા મળ્યું હતું. મહાપાલિકા હોસ્પિટલના એક પ્રમુખ ડોક્ટરે જણાવ્યુ હતું કે ડાયાબિટીસથી પીડિત 50 ટકા લોકોને ખબર નથી કે તેમને લાંબા સમયથી આ બીમારી છે.
લોકો જ્યારે એનસીડી કોર્નર્સ પર હોમ સ્ક્રીનીંગ અને સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવે છે ત્યારે તેઓ ડાયાબિટીક છે જેવુ ખબર પડે છે. આ બીમારીઓનો સમય રહેતા ઈલાજ શરૂ કરવા 30 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટે નિયમિતપણે તપાસ કરાવવી જરૂરી છે . આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ મહાપાલિકાના દવાખાનામાં દર મહિને 60 થી 70 હજાર જેટલા લોકો ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની તપાસ કરવામાં માટે અહી આવે છે. અને લગભગ 50 હજાર દર્દીઓ નિયમિતપણે દવાખાનામાંથી ડાયાબિટીસની દવાઓ લે છે. 2021માં મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે શહેરના 18 થી 69 વર્ષની ઉંમરના 18 ટકા લોકોમાં ફાસ્ટિંગ સુગર લેવલ 126 મિલિગ્રામ કરતાં વધુ જોવા મળ્યું હતું.
આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો લગભગ 11.95 લાખ લોકોને તેમને ડાયાબિટીસ હોવાની જાણ થતી નથી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) પ્રોગ્રામને લીધે અનેક લોકોને ડાયાબિટીસ અને હાયપરટેન્શનની બીમારી વિશે જાણ થઈ છે. પાલિકા અધિકારી મુજબ આ બાબતે મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિમાં વધારો થયો છે.
મુંબઈ મહાનગર પાલિકાના એનસીડી પ્રોગ્રામ હેઠળ 2021 થી નવેમ્બર 2023 રાજ્યના દરેક જિલ્લાઓમાં ડાયાબિટીસની ઓળખ કરવા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 2.09 કરોડ લોકોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં લગભગ 11.95 લાખ લોકોને ડાયાબિટીસની સમસ્યા હોવાની જાણ થઈ હતી, જેમાંથી 1.04 કરોડ પુરૂષ અને 1.05 કરોડ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. આ મુજબ 5.70 ટકા પુરુષ અને 5.73 ટકા મહિલાઓ ડાયાબિટીસથી પીડિત હોવનું આ તપાસમાં સામે આવ્યું હતું.
તપાસ રિપોર્ટમાં જે આંકડા સામે આવ્યા હતા ત્યારબાદ એનસીડીના અધિકારી જણાવ્યુ હતું કે મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય, આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. સુસ્તપણું, જંક ફૂડ, અને કામના અભાવ અને તણાવને લીધે શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે. ડાયાબિટીસની તપાસ કરાવવા મોટે ભાગે મહિલાઓ આવી રહી છે. પાલિકાએ ડાયાબિટીસ અને હાયપરટેન્શન આ બંને માટે પરીક્ષણ અને સારવાર મફત આપવાનું શરૂ કર્યું છે, તેથી લોકોએ આ તપાસ કરાવવી જોઈએ.
મહિલાઓમા ડાયાબિટીસ અને હાયપરટેન્શનનું પ્રમાણ વધતાં કેઇએમ હોસ્પિટલના એક પ્રમુખ ડોક્ટરે જણાવ્યુ હતું કે શહેરની મહિલાઓ આધુનિક જીવનશૈલી જીવી રહી છે જેથી હોર્મોનલ ચેન્જની સમસ્યા જણાઈ રહી છે અને પીસીઓડીની સમસ્યાને લીધે તેમના વજનમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગર્ભાવસ્થા ન થાય ત્યારે યોગ્ય સારવાર લેવી જરૂરી છે. આ સારવાર ન લેતા ડાયાબિટીસનું જોખમ સર્જાય છે. મોટી ઉંમરે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એક ડેટા મુજબ આવનારા 10 વર્ષોમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ હશે એવું કેઇએમ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું હતું.
A મુદ્દે અન્ય એક ડોક્ટરે જણાવ્યું હતું કે ડાયાબિટીસ પીડિત લોકોએ એક કાર્ડ પર તેમનું નામ, ઉંમર, સંબંધી અને તેમના ડૉક્ટરનો નંબર, ટાઇપ 1 અથવા ટાઇપ 2 ડાયાબિટીસની માહિતી લખેલું એક કાર્ડ તેમની પાસે રાખવું જોઈએ. જેથી તેમને અચાનક કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય તો આ કાર્ડની મદદથી તમને તરતજ યોગ્ય સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવે.
ડાયાબિટીસથી પીડાતા લોકોમાં આ ખાસ પ્રકારના લક્ષણો જોવા મળે છે જેમાં વારંવાર પેશાબ લાગવી, ડિહાઈડ્રેશન એટ્લે વધુ તરસ લાગવી, ભૂખ અને વજન ઓછું થવું, થાક લાગવો અને ચક્કર આવવા, કોઈ ઇજાનો ઘા ધીરે ધીરે ભરવા, ઇન્ફેક્ષન અથવા ચામડીનો રોગ થવાના અનેક લક્ષણો જણાય છે.
ડાયાબિટીસ થયા ના બાદ અથવા તેનાથી બચાવવા રોજ પૌષ્ટિક આહાર લેવો, ટેન્શન-તણાવને ઓછું કરવા યોગા, ધ્યાન, કસરત અને સારી ઊંઘ લેવી, દરેક દવાઓ સમય પર લેવી અને નિયમિત સુગરના લેવલની તપાસ કરાવવી.