ચીનથી આયાત કરાયેલો 12 લાખનો શ્ર્વાન મરી જતાં કઝિનના ઘરમાં ચોરી કરી

મુંબઈ: ચીનથી આયાત કરાયેલો 12 લાખ રૂપિયાનો શ્ર્વાન મૃત્યુ પામતાં નુકસાન સરભર કરવા યુવાને કઝિનના ઘરમાં ચોરી કરી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી.
રબાળે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કરણ રાજપુરોહિત તરીકે થઈ હતી. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિદેશથી શ્ર્વાન-બિલાડી આયાત કરી તેને વેચવાનું કામકાજ કરતો હતો. તાજેતરમાં તેણે ચીનથી શ્ર્વાન મગાવ્યો હતો, જેની કિંમત 12 લાખ રૂપિયા હતી. જોકે શ્ર્વાન મરી જવાને કારણે તેને વ્યવસાયમાં નુકસાન થયું હતું. આ નુકસાન ભરી કાઢવા તેણે કઝિન રણજિતસિંહ રાજપુરોહિતના ઘરે ચોરીની યોજના બનાવી હતી.
આ પણ વાંચો: જ્યાં શ્ર્વાનને આધારે માલિકને જજ કરાય છે!
રક્ષાબંધનને દિવસે રણજિતસિંહ પરિવાર સાથે મંદિર ગયો હતો ત્યારે તેના ઘરમાંથી 37 તોલા સોનાના દાગીના, દોઢ કિલો ચાંદી અને 7.5 લાખની રોકડની ચોરી થઈ હતી.
આ પ્રકરણે રબાળે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં પોલીસને આરોપીનું સ્કૂટર નજરે પડ્યું હતું. શંકાને આધારે પોલીસે તાબામાં લઈ પૂછપરછ કરતાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. તેની પાસેથી 34.84 લાખની મતા હસ્તગત કરાઈ હતી.