જંગલમાં 11 વર્ષના છોકરાએ દીપડા સાથે બાથભીડવાનું સાહસ કર્યું: સ્કૂલ બેગે જીવ બચાવ્યો

પાલઘર: પાલઘર જિલ્લાના જંગલમાં દીપડા સાથે બાથ ભીડવાનં સાહસ 11 વર્ષના છોકરાએ કર્યું હતું. તેણે મિત્રો સાથે મળીને દીપડાને પથ્થર માર્યા હતા અને બાદમાં બૂમાબૂમ કરી મૂકી હતી, જેને કારણે દીપડો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યો હતો.
માલા પાડવીપાડા વિસ્તાર નજીક શુક્રવારે સાંજે દીપડાએ મયંક કુવારા નામના સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કર્યો ત્યારે તેની સ્કૂલ બેગ તેનું રક્ષાકવચ બની હતી.
પાંચમા ધોરણમાં ભણતો મયંક સ્કૂલમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. મયંક અને તેના મિત્રએ હિંમત કરીને બૂમાબૂમ કરી મૂકી હતી અને બાદમાં દીપડા તરફ પથ્થરો ફેંક્યા હતા.
દરમિયાન બાળકોની બૂમાબૂમ અને સમયસૂચકતાને કારણે આસપાસના રહેવાસીઓ સતર્ક બન્યા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા, જેને પગલે દીપડો જંગલમાં ભાગી ગયો હતો. દીપડાએ પંજાથી કરેલા હુમલામાં મયંકના હાથમાં ઇજા થઇ હતી. મયંકને વિક્રમગડ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેના હાથમાં ટાંકા આવ્યા હતા.
વન અધિકારી કાંચડ, સ્વપ્નીલ મોહિતેએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં વન અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મયંકને હોસ્પિટલમાં લઇ ગયા હતા.
વનવિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને અનેક પ્રતિબંધાત્મક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વનવિભાગે સ્કૂલને પણ દીપડાની અવરજવર હોય તે વિસ્તારમાં સ્કૂલ સાંજે ચાર વાગ્યા સુધી બંધ કરી દેવાની વિનંતી કરી છે.
મોહિતેએ જણાવ્યું હતું કે દીપડાની અવરજવરનું પગેરુ મેળવવા માટે એઆઇ-અનેબલ્ડ કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે ગામવાસીઓને પારંપરિક દવંડી (જાહેર ઘોષણાઓ)થકી સતર્ક કરવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)
આપણ વાંચો: દહિસરમાં મંદિરની ત્રણ દાનપેટીમાંથી રોકડ ચોરનારો યુવક પકડાયો



