દસમા-બારમાની પૂરક પરીક્ષા આવતીકાલથી, વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો
મુંબઈ: રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પૂરક પરીક્ષા મંગળવારથી શરૂ થઈ રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજ્ય બોર્ડના નવ વિભાગીય મંડળો દ્વારા દસમીની પૂરક પરીક્ષા 16 જુલાઈથી 30 જુલાઈ સુધીના સમયમાં જ્યારે બારમીની પરીક્ષા 16 જુલાઈથી આઠ ઓગસ્ટના સમયગાળામાં લેવામાં આવશે.
પરીક્ષા માટે રાજ્ય મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા છાપેલા સમયપત્રકને જ માન્ય ગણવું અને અન્ય વેબસાઈટ પર ઉપલબ્ધ અથવા અન્ય યંત્રણા દ્વારા પ્રિન્ટ કરવામાં આવેલા ટાઈમટેબલને ધ્યાનમાં લેવું નહીં એવી અપીલ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું
સવારના સત્રમાં અગિયાર વાગ્યે, બપોરના સત્રમાં ત્રણ વાગ્યે પેપર આપવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચ, 2024ની પરીક્ષા મુજબ જ નિર્ધારિત સમય પછી 10 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. પૂરક પરીક્ષામાં પણ પ્રેક્ટિકલ, ઓરલ અને ઈન્ટર્નલ મુલ્યાંકન, ગ્રેડ પરીક્ષાના માર્ક ઓનલાઈન ભરી નાખવામાં આવશે, એમ રાજ્ય બોર્ડના સચિવ અનુરાધા ઓકે જણાવ્યું હતું.
આ વખતે દસમી માટે 28,976 અને બારમી માટે 56,845 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. ગયા વર્ષે દસમી માટે 49,468 અને બારમી માટે 70,462 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માટે બેઠા હતા. તેની સરખામણીએ આ વખતે સંખ્યા ઘણી ઓછી છે.