બોલો, 1.70 લાખ મુંબઈગરાએ પાણીનું બિલ ભર્યું નથી, અભય યોજનાનું શું છે હાલ જાણો?
મુંબઈ: કોરોનાનો દોર ચાલતો હતો ત્યારે મુંબઈગરાઓને રાહત મળે એના માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ‘અભય યોજના’ને મુંબઈગરાઓનો ઠંડો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ફક્ત 1,70,363 લોકોએ જ અભય યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ ઉપરથી જણાયું છે.
ઉપલબ્ધ આંકડાઓ મુજબ હજી પાણીના બિલની 975 કરોડ રૂપિયાની ચૂકવણી હજી સુધી મુંબઈગરાઓએ કરી નથી. પાલિકાના નિયમ અનુસાર બિલની ચુકવણી ન કરવા પર દર મહિને બાકી રકમના બે ટકાનો દંડ ફટકારવામાં આવે છે અને દંડની રકમ લાગુ કર્યા બાદ બિલ વસૂલવામાં આવે છે.
જોકે, વધારાની રકમ ભરવી નહીં પડે એના માટે 2020ની સાલમાં પાલિકાએ અભય યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત બાકી રકમથી થોડી ઓછી અથવા તો આશરે રકમ ભરવા ઉપર મુંબઈગરાઓને ઉપરની દંડની રકમ ભરવાથી મુક્તિ આપવામાં આવતી હતી.
પાલિકાએ બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખ જેટલા મુંબઈગરાઓએ પોતાનું પાણીનું બિલ ચુકવ્યું નથી. તેમાં સૌથી વધુ સંખ્યા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યા મુજબ મુંબઈગરાઓને સમયસર પાણીનું બિલ મોકલવામાં આવે છે અને જો તે ન ભરવામાં આવે તો તેમના પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવે છે.
પાણીનું બિલ ન ભરવાની સમસ્યા રહેવાસી વિસ્તારમાં નથી હોતી, કારણ કે બિલ ના ભરાય તો આખા બિલ્ડિંગનું પાણીનું જોડાણ કાપી નાંખવામાં આવે છે. જોકે, મુંબઈ પાલિકાના અધિકારીએ જણાવ્યા મુજબ મુંબઈની અડધા કરતાં વધુ લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અથવા તો કાચા મકાનોમાં રહે છે. તેમની પાસેથી બિલની રકમ ઉઘરાવવી સૌથી મોટી સમસ્યા છે. મહિલા બચત ગટની મદદ લઇને પાણીના બિલની રકમની વસૂલી કરવાની યોજના પણ પાલિકા બનાવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું