OMG!જળગાંવમાં પોલીસ નાકાબંધી દરમિયાન ‘આટલા’ કરોડની રોકડ મળી..
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પોલીસ પ્રશાસન સુરક્ષા અને આચારસંહિતાના અમલ માટે સજ્જ બન્યું છે. પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે અને વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જળગાંવ જિલ્લામાં પણ પોલીસ પ્રશાસન વિવિધ સ્થળોએ નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરી રહ્યું છે. દરમિયાન જળગાંવના કાસોડા પાસે એક વાહનમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જલગાંવ જિલ્લાના એરંડોલ-પારોલા મતવિસ્તારના કાસોડા ગામમાં સાંજે 6 વાગ્યાની આસપાસ પોલીસની એક ટીમ નાકાબંધી માટે તૈનાત હતી. નાકાબંધી દરમિયાન એક ક્રેટા કારમાંથી દોઢ કરોડની રોકડ જપ્ત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હાલમાં તો મળી આવેલી આ રોકડ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. આ રોકડ કોણ અને કયા હેતુથી લાવ્યું હતું એ જાણી શકાયું નથી, પરંતુ એવી પણ જોરદાર ચર્ચા છે કે આ કારમાં રહેલી રોકડ કોઈ મોટા રાજકીય નેતાની છે.
આ ઉપરાંત જળગાંવના અમલનેર તાલુકાના ચોપડાઈ ચેકપોસ્ટ પર પોલીસ તપાસ દરમિયાન એક વાહનમાંથી 16 લાખ 38 હજારની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે આ રકમ જપ્ત કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારબાદ પોલીસ આવા ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના ખેડ શિવપુર વિસ્તારમાં એક ખાનગી વાહનમાંથી મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી રકમ 4 થી 5 કરોડ રૂપિયા હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું હતું. આ કાર પુણેથી કોલ્હાપુર જઈ રહી હતી. આ કાર પણ કોઇ રાજકીય નેતાની જ હોવાનું જાણવા મળ્યું હતું.