પડદા પાછળ શું રંધાયું? ‘વર્ષા’ પર મોડી રાતે 3 કલાક શિંદે અને અજિત પવાર વચ્ચે ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે પડદા પાછળની હિલચાલ વેગ પકડી છે. રાજકારણમાં પડદા પાછળ ઘણું બધું થતું હોય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ મહાયુતિમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? તેના પર બધાની નજર છે ત્યારે દરેક પક્ષ અલગ-અલગ સીટો પર દાવો કરી રહ્યો છે. શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીએ પહેલેથી જ જાહેરમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ કેટલી સીટો પર ચૂંટણી લડવા ઈચ્છે છે.
શિવસેના 100 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે જ્યારે એનસીપી 80 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. બીજી તરફ ભાજપ પાર્ટી 125 સીટો માટે તૈયારી કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે સૂત્રોએ માહિતી આપી છે કે તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી
સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મધરાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે 3 કલાકની બેઠક યોજાઈ હતી. સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે આ બેઠક એકનાથ શિંદેના ‘વર્ષા’ બંગલોમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપેલી ફોર્મ્યુલાનો અમલ કેવી રીતે કરવો? એના પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે આગામી ચૂંટણીને લઈને સાવચેત રહેવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે એવી પણ ચર્ચા થઈ હતી કે જે બેઠકો જીતવાની ખાતરી છે તે બેઠકો વહેલી તકે ફાળવવામાં આવે. રસપ્રદ વાત એ છે કે સુત્રોએ માહિતી આપી છે કે શિંદે જૂથ અને અજિત પવાર જૂથ કઈ બેઠકો પર સામસામે આવી શકે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં શિવસેનાના પ્રધાન દાદા ભુસે અને પ્રધાન ઉદય સામંત પણ હાજર હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
લોકસભાની ચૂંટણીમાં મહાયુતિમાં બેઠકની વહેંચણીનો વિવાદ છેક સુધી ઉકેલાયો ન હતો. જેના કારણે મહાયુતિના ત્રણેય પક્ષોને મોટો ફટકો પડ્યો હતો. હવે ફરી આવો ફટકો ન પડે તે માટે મહાયુતિ કામે લાગી ગઈ છે. મહાયુતિ રાજ્યની તમામ 288 બેઠકોની સમીક્ષા કરી રહી છે. તેમજ મહાયુતિ સીટ ફાળવણીનો તાકીદે નિર્ણય કરીને કામ શરૂ કરવા મક્કમ છે.