ફિલ્મનામા -નરેશ શાહ
પ્રેમમાં કેવી તાકાત હોય છે? એ કોઈ માટે બરબાદ થઈ જવાનું ઝનૂન છલકાવી દે છે તો કોઈને તબાહ કરી દેવાનું ખુન્નસ પણ ખોંખારો ખાઈને ઊભું કરાવી દઈ શકે છે, પણ વાસ્તવિકતા એ છે કે મહોબ્બત મલ્ટિકલર હોય છે. આકર્ષણ, લગાવ, અધિકારભાવ, ખેંચાણ, ખોફ, ખુન્નસ, ત્યાગ… મહોબ્બત મેઘધનુષી હોય છે. તમે કોઈને ચાહો તો એ સમસ્યા હોય છે, પણ કોઈ તમને ચાહે તો આફત બની શકે છે અને જો ચાહતનો એ ત્રીજો ખૂણો શક્તિમાન હોય તો મહામુસીબત માટે તૈયાર રહેવાનું ફરજિયાત બની જાય છે…
‘યે કાલી કાલી આંખે’ સિરીઝ આ વાત નીચે ઘેરી લાલ લાઈન દોરી આપે છે. ટાઈટલ પરથી રોમાન્ટિક હોવાની છાપ છોડતી ‘નેટફલિક્સ’ની વેબ સિરિઝ ‘યે કાલી કાલી આંખે’ ખરેખર તો લોહિયાળ લાગણીઓના રસ્તેથી પસાર થતી થ્રિલર રાઈડ છે, જેમાં રોમાન્સ યા પ્રેમનું ટોપિંગ ભભરાવેલું છે.
Also read: આવો, યાદ કરીએ હૃદયસ્પર્શી સ્વરાંકનના સર્જક સલિલ ચૌધરીને…
એન્જિનિયરિંગ કરીને ભિલાઈના સ્ટીલ પ્લાન્ટમાં નોકરી મળી ગયાના જોબ લેટરની રાહ જોતો વિક્રાંત એની દોસ્ત શીખાને પ્રેમ કરે છે અને એની સાથે એક નવી દુનિયા બનાવવાનું ખ્વાબ જુએ છે, કારણ કે એને પોતાના એકાઉન્ટન્ટ પિતાજીની ચાકરી જેવી નોકરી અને પૂજારી જેવી મેન્ટાલિટી સામે ચીડ છે. વિક્રાંતના પિતા ઉત્તર પ્રદેશના ‘પાવર સેન્ટર’ ગણાતા પોલિટિશ્યન અખિરાજ અવસ્થીને પૂરી આસ્થાથી ‘ભગવાન’ બરાબર ગણે છે, પણ…
માણસનો ભૂતકાળ જ એનો વર્તમાન ઘડતો હોય છે એ ન્યાયે વિક્રાંત માટે સોફટ કોર્નર ધરાવતી પૂર્વાની એન્ટ્રી થાય છે અને એ આફત પૂરવાર થાય છે કેમ કે પૂર્વા પેલા રાજકારણી અખિરાજ અવસ્થીની એકમાત્ર લાડકી દીકરી છે, પણ નાનપણમાં પોતાના ફ્રેન્ડ બનવાની ના પાડનાર વિક્રાંત આ પૂર્વાના ઈગો, દિલ અને દિમાગને ચોંટી ગયો છે. બસ, પછી તો એવું બને છે કે વિક્રાંતે અનિચ્છાએ પોતાની ગર્લફ્રેન્ડ શીખાને છોડીને પૂર્વા સાથે લગ્ન કરવા પડે છે. હવે શીખાને પામવા માટે એક જ રસ્તો છે પૂર્વા યાને અખિરાજ અવસ્થીની પુત્રી અને પોતાની પત્નીનું મર્ડર.
હમ્મ, યે બાત કુછ અલગ હૈ. ઓનર કિલિંગ કે પાગલભર્યા પ્રેમ (ડર’)ની અનેક ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ, પણ ‘યે કાલી કાલી આંખે’ એ ફિલ્મોથી અલગ પડતી વેબસિરીઝ છે. એક તો તેમાં પ્રેમના ટાયલાવેડા નથી કે ઈરેટેટ કરતાં રોનાધોના કે ઈરોટિક દૃશ્યો પણ નથી. પાંચ કલાક અને પચ્ચીસ મિનિટની લેન્થ ધરાવતી ‘યે કાલી કાલી આંખે’ની’ પહેલી સિઝનમાં પ્રથમ એપિસોડથી એક કૂતૂહલ સતત આળસ મરડી બેઠું થતું રહે છે કે વિક્રાંત હવે કરશે શું? એની સાથે થશે શું? સરપ્રાઈઝ એ છે કે દરેક વખતે તેમાં દર્શકની ધારણાથી અલગ જ ટર્ન એન્ડ ટવિસ્ટ આવે છે અને આ કમાલ ડિરેક્ટર સિધ્ધાર્થ સેનગુપ્તા અને સ્ટોરી રાઈટર અનાહત મેનન તથા રાઈટર- આસિસ્ટન્ટ ડિરેકટર વરૂણ બડોલીની છે. અમુક ફની સિકવન્સમાં પણ તાજગી છે. પૂર્વા જ લગ્નની ના પાડી દે એ માટે વિક્રાંત ગે હોવાથી લઈને સેક્સસંબંધ સુધીના પ્રયાસો કરે છે અને પૂર્વાની હત્યા થઈ જાય પછી કઈ રીતે પતિ તરીકે સાચુકલું રૂદન કેમ કરવું એ શીખવાનાં દ્રશ્યો…
અગાઉ ‘અલ્ટ બાલાજી’ માટે ‘અપહરણ( સબ કા કટેગા)’ જેવી રોમાંચક વેબસિરીઝ બનાવી ચૂકેલા સિદ્ધાર્થ સેનગુપ્તા અને (રાઈટર) વરૂણ બડોલાએ ‘યે કાલી કાલી આંખે’નો અંત બેશક એવા ટ્વિસ્ટર પર છોડાયો છે. એપિસોડ્સ પણ એકદમ દિલફરેબ બન્યાં છે. પૂર્વાની હત્યા માટે થયેલા બ્લાસ્ટ પર પૂરી થતી પ્રથમ સિઝનના અંતથી જ શરૂ થતી બીજી સિઝનમાં ખબર પડે છે કે ભાડૂતી હત્યારાએ જ રેન્સમ માટે પૂર્વાને કિડનેપ કરી છે અને સો કરોડની માગણી કરી છે.
વિક્રાંત હવે બે કારણોસર ફસાયો છે. એક તો પૂર્વાથી છુટકારો મળ્યો નથી અને પોતે ઘડેલું કાવતરું અખિરાજ અવસ્થી પાસે ઉઘાડું પડી જવાની શક્યતા સ્ટ્રોંગ થઈ ગઈ છે. જે શીખાને પામવા કે પરણવા કાજે આ ‘યે કાલી કાલી આંખે’ વેબ સિરીઝનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેની બીજી સિઝનનું થ્રીલ પહેલી સિઝન કરતાં વધુ તગડું અને ગતિશીલ છે. સતત બદલાતી પરિસ્થિતિ અને ભેદ ઉઘાડો પડી જવાની શક્યતા અને છતાં પણ સતત બનતી અણધારી ઘટનાઓ અને તેની પાછળ ઘૂંટાતી આતુરતાં ‘યે કાલી કાલી આંખે’ ની સૌથી મોટી સફળતા છે.
Also read: સ્ટાર-યાર-કલાકાર : વિચાર ને વિદ્રોહના મજબૂત છતાં મજેદાર શાયર કૈફી આઝમી
વિક્રાંત તરીકે તાહિર રાજ ભસીનમાં તમને બાઝિગર, ડરના શાહરૂખ ખાનનો પડછાયો દેખાશે પણ એ એકદમ પરફેક્ટ કાસ્ટિંગ છે એમાં શંકા નથી. શ્ર્વેતા ત્રિપાઠી (શીખા) ના હિસ્સે જોકે પૂર્વા (અચલ સિંઘ) જેવા શેડ નથી આવ્યા છતાં બન્ને યથાયોગ્ય જ છે. ખરી કમાલ તો સૌરભ શુકલા (અખિરાજ અવસ્થી) એ કરી છે અને એ કોઈ નવી વાત નથી. એવું લાગે કે દીકરીને અનહદ ચાહતા પિતા અને દબંગ-તેમજ હિંસક આગેવાન તેમજ પ્રભાશાળી રાજકરણી તરીકે સૌરભ શુકલા ન હોય તો ‘યે કાલી કાલી આંખે’ને અપાતા સ્ટાર અડધા થઈ જાય. વિક્રાંતના પિતા અને અખિરાજના એક અકાઉન્ટન્ટ તરીકે બિજેન્દ્ર કાલા પણ સિરીઝનો એક પ્લસ પોઈન્ટ છે અને હા, બીજી સિઝન પણ એ અંદેશો આપતી જાય છે કે ત્રીજી સિઝન બનવાના પૂરા ચાન્સ છે, પણ પર્સનલ એડવાઈઝ તો એ કે ‘યે કાલી કાલી આંખે’નો કેફ ચડાવવા જેવો ખરો..