કવર સ્ટોરીઃ ચિલ્ડ્રન્સ ફિલ્મો માટે કેમ ઘોર ઉદાસીનતા?

હેમા શાસ્ત્રી
આજે બાળ દિન-ચિલ્ડ્રન્સ ડે છે. ચિલ્ડ્રન્સ ફિલ્મોનું હોલિવૂડ-કેલેન્ડર દમદાર છે. આ વર્ષના બાકીના દોઢ મહિનામાં ચાર ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને આવતા વર્ષે પંદરેક રિલીઝ થવાની ગણતરી છે. Paw Patrol, Minions, Toy Story જેવી સિક્વલ ફિલ્મો છે તો સાથે સાથે Arco, Ted and the Magic Lamp, The Cat in the Hat જેવી એનિમેટેડ ફિલ્મો પણ છે.
આ હોલિવૂડની સરખામણીએ બાળકો માટેની હિન્દી ફિલ્મો?
દીવો તો જવા દો, ફલડ લાઈટ લઈને શોધવા નીકળીએ તો પણ ચારે તરફ કાળું ડિબાંગ જ છે… સરેરાશ ભારતીય બાળકના જે હાલ છે એ જ હાલ બાળ ફિલ્મના છે. એકંદરે આપણે ત્યાં બાળ ફિલ્મો દીન અવસ્થામાં છે.
સવાલ 10 કરોડ કા એ છે કે બાળકોને ધ્યાનમાં રાખીને નિયમિતપણે ફિલ્મો કેમ નથી બનતી?
એનો વ્યવહારુ જવાબ એ હોઈ શકે કે ફિલ્મ એક પ્રોડક્ટ છે અને એ વેચી પૈસા રળવા એ નિર્માતાનો એકમાત્ર હેતુ હોઈ શકે છે. બાળકોને કેન્દ્રમાં રાખી બનાવેલી ફિલ્મોથી કમાણી થવાની વાત તો દૂર રહી, આર્થિક ફટકો પડશે એવી માન્યતા ઘર કરી ગઈ હોવાથી નિર્માણ માટે ઉત્સુકતા-ઉત્સાહનો અભાવ છે. ચિલ્ડ્રન્સ ફિલ્મનું લેબલ લાગ્યું હોય એ ફિલ્મ મુખ્ય પ્રવાહની નથી ગણવામાં આવતી અને ડિસ્ટ્રિબ્યુટર સારું વળતર આપી એ લેવા તૈયાર નથી થતા.
આવું કેમ થાય છે? બાળ ફિલ્મ માટે આ હદે ઉદાસીનતા કેમ?
બાળકોને ફિલ્મોમાં કામ કરવા દેવા કે એમને ફિલ્મો જોવા દેવી એનો નિર્ણય બાળકો નથી લેતા, પેરેન્ટ્સ લે છે. આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરેલી ‘થોડા પ્યાર થોડા મેજીક’ ફિલ્મ પરથી ચિત્ર થોડું સ્પષ્ટ થાય છે. હૃદયસ્પર્શી વાર્તા, બાળકોનો બેહતરીન અભિનય, કેટલાક જાદુના ખેલ અને કર્ણપ્રિય ગીત-સંગીત ફિલ્મને સફળ બનાવનારા રસાયણો એમાં હતા તેમ છતાં બાળકો જ ફિલ્મ જોવા ન આવ્યા. કેમ? પેરન્ટ્સની ચોખ્ખી ના હતી કે આ ફિલ્મ નથી જોવાની, કેમ કે ફિલ્મમાં અમિષા પટેલનો એક બિકીની ડાન્સ આવે છે. આવું બાળકોને થોડું જોવા દેવાય? એવો નિર્ણય સાગમટે લેવામાં આવ્યો અને બાળકો થિયેટર સુધી પહોંચ્યા જ નહીં. ફિલ્મ ફ્લોપ થઈ.
1996માં ‘ખામોશી: ધ મ્યુઝિકલ’ ફિલ્મથી સ્વતંત્ર ડિરેક્ટર બનેલા સંજય લીલા ભણસાલીએ કેટલીક ઈન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મો બનાવ્યા પછી રૂડયાર્ડ કિપલિંગના પુસ્તક ‘ધ જંગલ બુક’ પર આધારિત બાળકો માટેની ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવા લેખકોને કામે લગાડવામાં આવ્યા હતા. સાઉથ અમેરિકાના એમેઝોન વિસ્તારમાં એનું શૂટિંગ કરવાનું પ્લાનિંગ હતું. ગ્રાફિક્સ, એનિમેશન અને સ્પેશ્યલ ઈફેક્ટ્સ માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.
જોકે, આ ફિલ્મ વિચારથી આગળ વધી ન શકી. એનું બાળ-મરણ થઈ ગયું, કારણ કે ચિલ્ડ્રન્સ ફિલ્મ માટે પૈસાની કોથળીઓ ખોલવા કોઈ આગળ ન આવ્યું …ટૂંકમાં ‘ચિલ્ડ્રન્સ ફિલ્મ શું કામ બનાવવાની’ એ માનસિકતા આપણે ત્યાં છે. આપણે ત્યાં ભૂતકાળમાં બાળકોને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ ફિલ્મો બની છે પણ એ બધી ફિલ્મોને ચિલ્ડ્રન્સ ફિલ્મનું લેબલ નહોતું લગાડવામાં આવ્યું.
1950-60ના દાયકામાં ‘જાગૃતિ’ (’આઓ બચ્ચો તુમ્હેં દિખાયે ઝાંકી હિન્દુસ્તાન કી, ઈસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી), ‘હમ પંછી એક ડાલ કે’ (ટાઈટલ સોંગ ’હમ પંછી એક ડાલ કે) તેમજ ‘તૂફાન ઔર દિયા’ (ટાઈટલ સોંગ ‘નિર્બલ કી લડાઈ બલવાન સે, યે કહાની હૈ દિયે કી ઔર તુફાન કી’) વગેરે ખૂબ જ સુંદર બાળ ફિલ્મો બની હતી, પણ આ ફિલ્મો રિલીઝ કરતી વખતે ‘ચિલ્ડ્રન્સ ફિલ્મ’ તરીકે રજૂ નહોતી કરવામાં આવી.
આમિર ખાનની ‘તારે ઝમીં પર’, ’આઈ એમ કલામ’ કે પછી વિશાલ ભારદ્વાજની ’મકડી’ એ ત્રણેય ફિલ્મ બાળ ફિલ્મના લેબલ વિના રિલીઝ કરવામાં આવી હતી અને ત્રણે ત્રણ ફિલ્મ રોકડા રળવામાં સફળ રહી હતી.
આ સંદર્ભમાં બાળકો માટે લગનથી ટીવી સિરીઝ, ડોક્યુમેન્ટરી ફિલ્મો અને ફિચર ફિલ્મો બનાવનારા વિનોદ ગણાત્રાએ કેટલાંક વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં મહત્ત્વની વાત કરી હતી કે ’આપણે ત્યાં જ ચિલ્ડ્રન્સ ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરવાની પદ્ધતિ છે. વિદેશમાં તો આવા ચિત્રપટ ફેમિલી ફિલ્મ તરીકે જ ઓળખવામાં આવે છે. હોલિવૂડ સ્ટાર રોબર્ટ ડી નીરોએ મારી ફિલ્મ ‘હારુન-અરુણ’ શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જોયા પછી એને ફેમિલી ફિલ્મ ગણાવી હતી.’
ચિલ્ડ્રન્સ ફિલ્મો કેવળ બાળકો માટે નથી હોતી, વડીલોએ પણ એ જોવાની અને એ જોઈ દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. ‘સ્ટેનલી કા ડબ્બા’ અથવા ’ચિલ્લર પાર્ટી’માં બાળકો અને બાળપણ સાથે ગરીબી, બદમાશી, સહાનુભૂતિ વગેરે બાબત બાળકો સમજી શકે એ રીતે વ્યક્ત કરવામાં આવી છે. ‘આઈ એમ કલામ’માં સામાજિક ભેદભાવ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. હા, કેટલાંક વર્ષોથી બાળકોની એનિમેશન ફિલ્મો સારી ચાલે છે. કૃષ્ણ ભગવાન, ભીમ, હનુમાન સહિત કેટલાક પૌરાણિક પાત્રો પરથી બાળકો માટે એનિમેશન ફિલ્મો બની છે અને અમુકને સારી વ્યાવસાયિક સફળતા પણ મળી છે.
જોકે, આપણે ત્યાં ‘બેબીઝ ડે આઉટ’, ‘હોમ અલોન’ કે પછી ‘ચિટી ચિટી બેંગ બેંગ’ જેવી ફિલ્મો નથી બનતી એ હકીકત છે. 70 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવેલી ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી (સીએફએસઆઈ) પાસે એવી ફિલ્મો બનાવવા ભંડોળ પણ નહીં હોય. 2022માં સોસાયટીને એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં ભેળવી દેવામાં આવી હતી. 1955માં શરૂ કરવામાં આવેલા ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 2017 પછી થયું જ નથી. ટૂંકમાં આ પ્રશ્ને ઉકેલવા માટે કોઈ ગંભીર નથી. આવી ઉદાસીનતા જ બાળ ફિલ્મો માટે આજે ઘાતક પૂરવાર થઈ રહી છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: શાહરુખને સલાહ: સપનાનો રાજકુમાર ને લાડલો દીકરો



