અજીબ દાસ્તાં હૈ યે… કહાં શુરુ કહાં ખતમ…

- મહેશ નાણાવટી
શું તમે એવી ઘટના સાંભળી છે કે જે ગાયન રેડિયો પર હજારો વખત વાગી ચૂક્યું હોય, જે ગાયન સંગીત રસિયાઓને બેહદ પસંદ પડી ગયું હોય અને જે ગાયનને ‘ફિલ્મફેર’ તરફથી ‘બેસ્ટ પ્લેબેક સિંગર’નો એવોર્ડ પણ મળી ગયો હોય તે જ ગીત ફિલ્મમાં કદી હતું જ નહીં?!
જી હા, આવું ‘પ્રાણ જાયે પર વચન ના જાયે’ નામની એક ખાસ નહીં ચાલેલી ફિલ્મનું બેહદ ખૂબસૂરત ગીત: ‘ચૈન સે હમ કો કભી આપ ને જીને ના દિયા…’ માટે થયું હતું! એવોર્ડ જીતનારાં ગાયિકા હતાં આશા ભોંસલે અને સંગીતકાર હતા ઓ.પી. નૈયર.
જોવાની વાત એ છે કે કોણ જાણે કેમ, પણ સંગીતકાર ઓ.પી. નૈયરના અદ્ભુત અને અમુક તો સુપરહિટ ગાયનો સાથે એવું ઘણીવાર થયું છે… જેમ કે ‘કશ્મીર કી કલી’નું ગાયન ‘બલમા ખૂલી હવા મેં, મહેકી હુઈ ફિઝા મેં…’ આશાજીનું આ ગાયન શ્રોતાઓ હજી પણ ગણગણે છે, પરંતુ ફિલ્મમાં એ હતું જ નહીં! કહે છે કે ફિલ્મની લંબાઈ વધી જતી હતી એટલે શૂટ થયાં પછી પણ એ ફિલ્મમાં લેવાયું નહોતું અને એ જ ફિલ્મનું બીજું ગીત ‘ફિર ઠેસ લગી દિલ પે’ ( ફરી આશાજી)નું રેકોર્ડિંગ થયું ખરું પણ એનું તો શૂટિંગ પણ નહોતું થયું!
ઓ.પી. નૈયર અને આશા ભોંસલેનું વધુ એક સુપરહિટ ગાયન યાદ કરો: ‘હોઠોં પે હંસી આંખો મેં નશા…’ આ મસ્ત મધુરું ગાયન ફિલ્મ ‘સાવન કી ઘટા’માં માત્ર લંબાઈ’ના કારણે કાઢી નાંખવામાં આવેલું. એ જ રીતે ઓ.પી. નૈયરની સુપરહિટ મ્યુઝિકલ ફિલ્મ ‘મેરે સનમ’ જેનાં લગભગ તમામ ગીત હિટ હતાં, તેમાંથી પણ મહંમદ રફી- આશાજીનું એક જરા અટપટી છતાં મદભરી ધૂનવાળું મત ગાયન ‘હમ ને તો દિલ કો આપ કે કદમોં પે રખ દિયા…’ન એ પણ ફિલ્મમાં એન્ટ્રી નહોતી મળી.
આવું શા માટે થતું હશે? તો એક અનુમાન એ હોઈ શકે કે એ જમાનામાં જ્યારે ફિલ્મો બનતી હતી ત્યારે ‘બાઉન્ડ સ્ક્રીપ્ટો’ તૈયાર થતી નહોતી. કહેવાનો અર્થ એ કે ફિલ્મની કાચીપાકી વારતા તૈયાર હોય ત્યારે જ શૂટિંગ શરૂ થઈ જતાં અને સેટ ઉપર જ દૃશ્યોના સંવાદો વગેરે લખાતા હતા.
ઉપરાંત, ફિલ્મનાં ગાયનો તો શૂટિંગ શરૂ થાય એ પહેલા જ રેકોર્ડ થઈ જતાં એટલે ઘણીવાર ગીતકાર અને સંગીતકારને એટલું જ કહેવામા આવે કે ‘એક રોમેન્ટિક ગાના ચાહિયે…’ પરંતુ ‘મેરે સનમ’ કે ‘કશ્મીર કી કલી’ જેવી ફિલ્મોમાં રોમેન્ટિક ગાયનો જ્યારે વધારે પડતાં થઈ જાય ત્યારે એકાદ ગાયનને પડતું મૂકવું પડે… આમ છતાં ફિલ્મ ગીતોની રેકોર્ડસના વેચાણને ધ્યાનમાં રાખીને ગાયનને આલ્બમમાં જરૂર સમાવી લેવામાં આવતા… વળી આ જ ગાયન પાછું રેડિયો ઉપર વારંવાર વાગે એટલે તે યાદગાર બની જાય…
જોકે હા, પ્રેક્ષકોને ખબર પડે ત્યારે એવું એકાદ ગાયન ‘ફિલ્મમાંથી કેમ કાઢી નાંખ્યું? અમારા તો પૈસા પડી ગયા…’ એવી ધાંધલ ભાગ્યે જ થઈ છે, પરંતુ એકાદ બે કિસ્સામાં એનાથી પણ ઊંધું થયું છે. જેમ કે ‘યાદોં કી બારાત’માં ‘ઓ મેરી સોની, મેરી તમન્ના’ ગાયનને ‘પબ્લિક ડિમાન્ડ’થી થોડાં સપ્તાહો બાદ ઉમેરવામાં આવ્યું હતું!. (જેથી ટિકિટબારીઓ વકરો ફરી ઊંચકાય.) આવું જ ‘દિલ’ ફિલ્મનું ‘ખંભે જૈસી ખડી હૈ’ ગાયનનું ગતકઢું કરવામાં આવેલું.
આમ છતાં અમુક ગાયનો એવાં હતાં કે જેને કાઢી ન મુક્યાં હોત તો રીતસરનાં પ્રેક્ષકોને માથે વાગ્યાં હોત! દાખલા તરીકે ‘શોલે’ ફિલ્મમાં એક કવ્વાલી હતી, જેનું શૂટિંગ પણ થયું હતું ‘ચાંદ સા કોઈ ચહેરા ના પહેલું મેં હો’ આ કવ્વાલી આજકાલ યુ-ટ્યુબ ઉપર જોઈ શકાય છે. એના માટે ગુજરાતી ન્યૂઝ ચેનલોની ભાષામાં કહી શકાય કે ‘તમે જોઈ શકો છો કે આ ગાયન કેટલું ભંગાર અને બોરિંગ છે!’
એ જ રીતે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માંથી એક ગાયનને ‘કાઢી મૂક્વામાં’ આવેલું! એ હતું ‘કાટી ના કટે રૈના…’ એ આજે સાંભળો તો એમ થાય કે ‘હાશ! રાજ કપૂરે આપણને કેવા મોટા ત્રાસમાંથી બચાવ્યા!’ જોકે એ ગાયન તો શૂટ પણ નહોતું થયું.
એવું જ એક ‘બર્નિંગ ટ્રેન’નું ગીત હતું. (એ ફિલ્મનું નામ અમે ‘ટર્નિંગ બ્રેન’ પાડેલું!) એ ગાયન પણ દિમાગના સ્ક્રૂ હલાવી નાખે તેવું બોરિંગ હતું : ‘કિસી કે વાદે પે એતબાર કિયા…’એમ તો ખૈયામ સાહેબના એક ગીત ઉપર પણ કાતર ફરી ગયેલી. ‘જા રે બહેના જા…’ અહીં ફિલ્મ ‘ત્રિશૂલ’ની તો સ્ક્રિપ્ટ સલીમ -જાવેદની હતી, જે એ જમાનામાં ‘બ્રાઉન્ડ સ્ક્રિપ્ટ’ માટે જાણીતા હતા, છતાં ‘શોલે’ની જેમ અહીં પણ ગીતની બાદબાકી થઈ અને પ્રેક્ષકો પરથી જાણે ઘાત ગઈ!
એ જ સલીમ-જાવેદની ખૂબ જ ચૂસ્ત ગણાતી સ્ક્રિપ્ટ ‘દીવાર’માં એક ગીત હતું ‘ઈધર કા માલ ઉધર જા રહા હૈ…’ જેને કેમેરાનાં દર્શન થાય પહેલાં જ રદ કરાયું હતું!
જોકે અમુક સુંદર ગીતો એવાં છે કે જેને રૂપેરી પરદા પર જોવાનું સદ્ભાગ્ય આપણને મળ્યું જ નથી. આમાં ‘મિલન’ ફિલ્મની ગઝલ ‘આજ દિલ પે કોઈ જોર ચલતા નહીં…’ (લક્ષ્મી પ્યારે) ‘હંસતે ઝખ્મ’ની અદ્ભુત ગઝલ ‘આજ સોચા તો આંસુ ભર આયે’ (મદનમોહન)ને યાદ કરવી પડે. આ બન્ને ગીત શૂટ થયા હતાં, પરંતુ ફિલ્મમાંથી બાદ કરવામાં આવ્યાં હતાં.
આ જ રીતે એક નટખટ ગાયનને યાદ કરીએ તો ‘ચલતી કા નામ ગાડી’માંથી આ ગાયનને ચાલતી ગાડીએ ઉતારી પાડેલું! ‘ઈન હાથો સે સબકી ગાડી ચલ રહી હૈ…’ જો હોત તો આજે મોબાઈલમાં જોવાની કેવી મજા પડતી હોત !
છેલ્લે છેલ્લે એક એવા ગીતને યાદ કરીએ જેની સાથે બહુ વિચિત્ર પ્રકારનો અન્યાય થયો છે. ગીત છે સંગીતકાર જયદેવ સાહેબનું અને અવાજ છે લતાજીનો: ‘યે દિલ ઔર ઉન કી નિગાહોં કે સાયે.’ એ ગીતની સાથે શું અન્યાય થયો હતો? એજ કે કે જેના માટે આ ગીત બન્યું હતું એ ફિલ્મ ‘પ્રેમ પરબત’ કદી રિલીઝ જ થઈ શકી નહોતી!
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!: યે દુનિયા કે બદલતે રિશ્તે…