ન્યાસા દેવગણ ક્યારે કરશે ફિલ્મોમાં એન્ટ્રી?

ફોકસ -દક્ષા પટેલ
બોલીવૂડના સ્ટાર કિડ્સ પણ તેમનાં માતા-પિતાની જેમ સતત સમાચારોમાં રહેતા હોય છે. તાજેતરમાં, ઘણાં બોલીવૂડ સ્ટાર કિડ્સ નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરી ચૂક્યા છે. ત્યારે અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન બોલીવૂડમાં ક્યારે ડેબ્યુ કરશે તેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. અજય દેવગને તાજેતરમાં જ એક શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
અભિનેતાએ તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ-૮’ માં જોવા મળ્યો હતો. તેની સાથે પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ શોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ફિલ્મો અને પરિવાર વિશે ઘણી વાતો કરી. તેણે તેની પુત્રી ન્યાસા દેવગનને ટ્રોલ કરવા અને તેના અભિનયની શરૂઆત વિશે પણ માહિતી આપી છે. અજય દેવગને તેની પુત્રીને ટ્રોલ કરનારાઓ વિશે કહ્યું, ‘તેને તે પસંદ નથી, મને તે પસંદ નથી, પરંતુ એ બદલી શકાય એમ પણ નથી, એવા લોકોની હાજરી સાથે જ જીવવું પડે છે. કેટલાક લોકો તમારા વિશે વાહિયાત વાતો કરે છે એનો અર્થ એ નથી કે આખી દુનિયા તમારા વિશે એવું જ વિચારે છે. તમે લોકો વિશે સોશિયલ મીડિયામાં સરસ વાતો લખો છો, પણ એ વાંચવામાં કોઈને રસ નથી.’
શોમાં હાજર રહેલા ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે દરેકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ પછી અજય દેવગને ન્યાસાના અભિનય ડેબ્યૂ વિશે માહિતી આપી. તેણે કહ્યું હતું કે હજુ સુધી તો તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની ઇચ્છા જાહેર કરી નથી, પરંતુ જો કંઈક બદલાશે, તો તેઓ આ ઈન્ટરવ્યૂ બહાર લાવશે અને ચલાવશે. અજય દેવગનના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેતા રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે.