શો-શરાબાઃ હીરો-હીરોઈનની હવે આ તે કેવી હેરાફેરી? પૅન-ઇન્ડિયા ફિલ્મ્સ માટે કાસ્ટિંગના મજેદાર પ્રયોગ

દિવ્યકાંત પંડ્યા
પહેલાં બોલિવૂડના એક્ટર્સ ફક્ત હિન્દી ફિલ્મ્સમાં કામ કરતા. દક્ષિણના સ્ટાર્સ એમની જ ભાષાની ફિલ્મ્સ કરીને પણ મેગાસ્ટાર ગણાતા, પણ હિન્દી દર્શકો માટે એટલા લોકપ્રિય ન રહેતા. હવે એ સમય પલટાયો છે. હવે ફિલ્મમેકર્સના ધ્યાને આવ્યું છે કે જો ભારતભરમાં એવી મોટી હિટ પેદા કરવી હોય કે જે દક્ષિણના પ્રેક્ષકો પણ જુએ, ઉત્તર ભારતના પણ અને પૂર્વ-પશ્ચિમના પણ…. તો સ્ટારકાસ્ટથી લઈને સ્ટોરીટેલિંગ સુધી પાન-ઇન્ડિયા પ્લાન હોવો જ જોઈએ. એના માટે જરૂરી છે કે બોલિવૂડના એક્ટર્સ દક્ષિણના દર્શકોનું પણ ધ્યાન ખેંચે અને દક્ષિણના એક્ટર્સ હિન્દી દર્શકો માટે પણ પરિચિત બને.
અત્યારે આપણે જોઈ રહ્યાં છીએ કે અજય દેવગણ, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર જેવા એક્ટર્સ દક્ષિણ ફિલ્મ્સ સાથે જોડાઈ રહ્યાં છે તો પ્રભાસ, નાગાર્જુન વગેરે દક્ષિણના સ્ટાર્સ પણ હિન્દી ફિલ્મ્સમાં દેખાવા લાગ્યા છે. તમે ‘RRR’ ફિલ્મ જ જુઓ. તેમાં હિન્દી ફિલ્મ્સના અજય દેવગણ અને આલિયા ભટ્ટ જેવા એક્ટર્સ પણ હતાં કે જ્યાં નાયક તરીકે દક્ષિણના જુનિયર એનટીઆર અને રામ ચરણ હતા.
ફિલ્મે દેશભરમાં ધમાલ મચાવી અને એ સાબિત કરી દીધું કે ભાષાની હદ તોડીને સ્ટોરી અને પ્રેઝન્ટેશન હોય તો લોકો જરૂર જોવા ઉત્સુક હોય છે. હવે એ જ જુનિયર એનટીઆર ‘વોર 2’ જેવી હાઈ-પ્રોફાઇલ ‘યશરાજ’ની ફિલ્મમાં હિન્દી ઓડિયન્સ માટે એન્ટી-હીરો તરીકે જોવા મળશે, જેની પાન-ઇન્ડિયા અપીલ નક્કી છે.
અત્યારની પાન-ઇન્ડિયા ફિલ્મ્સના સમીકરણમાં મ્યુઝિક, ડબિંગ, રિલીઝ, કાસ્ટિંગ, માર્કેટિંગ વગેરે ફેક્ટર્સ આવે છે. આ કાસ્ટિંગ તેમાંનો એક મહત્ત્વનો ભાગ છે. અને એટલે જ દરેક પ્રાંત અને ભાષાના મેકર્સ આ વસ્તુને સમજીને વધુ દર્શકો માટે આ વ્યવસ્થા કરે છે. અક્ષય કુમાર દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત સાથે ‘2.0’માં જોવા મળ્યો હતો. આમ તો એ ફિલ્મ તમિલ ભાષાની હતી પણ એટલી મોટી હતી કે તેને હિન્દી સહિત અનેક ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી.
આ પણ વાંચો…શો-શરાબા : કટઘરે મેં કન્ટેટ હાજિર હો…!
અક્ષયનો વિલનવાળો રોલ પણ નવા અંદાજ સાથે લોકોના મનમાં રહ્યો. આવી ફિલ્મ્સથી સાબિત થાય છે કે હવે કોઈ પણ એક્ટર ફક્ત પોતાની ભાષાની ઓડિઅન્સ માટે નહીં, પણ આખા દેશમાં પોતે જોવાય તેમ ઈચ્છે છે. સલમાન ખાન પણ ચિરંજીવી સાથે ‘ગોડફાદર’ જેવી પાન-ઇન્ડિયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. ડિરેક્ટર્સ સાથેના ક્રોસ કોલાબ્રેશનની તો હજુ આપણે વાત જ નથી કરતા, નહીં તો સલમાનની વર્ષો પહેલાની તેલુગુ રિમેક ‘વોન્ટેડ’ હોય કે લેટેસ્ટ ‘સિકંદર’, પ્રભુદેવા અને મુરુગાદોસ જેવા દક્ષિણના ડિરેક્ટર્સના નામ એમાં જોવા મળે છે.
અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ દાયકાઓ પહેલાં ‘હમ’ અને ‘અંધા કાનૂન’ જેવી ફિલ્મ્સમાં સાથે આવ્યા હતા. રજનીકાંતની દક્ષિણની ફિલ્મ્સમાં સોનાક્ષી સિંહા કે દીપિકા પાદુકોણની હાજરી પણ આપણને જોવા મળે છે. એ જ રીતે દક્ષિણની એક્ટ્રેસીસ નયનતારા કે પ્રિયામણીને પણ હિન્દી ફિલ્મ્સમાં દર્શકો નિહાળે છે.
રજનીકાંતની તો વાત જ આગવી છે. એમનું ફેનડમ એટલું જબરું છે કે એમની કોઈ પણ ફિલ્મ ભલે તે તમિલમાં હોય, પણ દેશભરમાં રિલીઝ થાય છે. રજની સર બહુ ઓછી હિન્દી ફિલ્મ્સ કરે છે, પણ એમની દરેક ફિલ્મ હિન્દીમાં ડબ જરૂર થાય છે, કારણ કે દર્શકો એ જોવા ઈચ્છે છે. રજનીકાંતની જ આવનારી ફિલ્મ ‘કૂલી’માં એક્ટર્સનો મેળો જોવા મળશે. હમણાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં રજનીકાંત ઉપરાંત ઉપેન્દ્ર, શ્રુતિ હસન, આમિર ખાન અને નાગાર્જુનની હાજરી છે.
નાગાર્જુને તો ‘જખ્મ’ અને ‘ખુદા ગવાહ’ જેવી હિન્દી ફિલ્મ્સ વર્ષો પહેલાં કરી બતાવી હતી. તાજેતરમાં પણ એ ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળ્યો હતો, જે હિન્દી, તમિળ, તેલુગુ એમ ત્રણેય ભાષાઓમાં રિલીઝ થઈ હતી.પૃથ્વીરાજ સુકુમારન પણ આ દિશામાં મજબૂત પગલાં ભરી ચૂક્યો છે. રાની મુખર્જી સાથે વર્ષો પહેલાં ‘ઐયા’ પછી અર્જુન કપૂર સાથેની ‘ઔરંગઝેબ’ અને લેટેસ્ટ રિલીઝ ‘સરઝમીન’ પૃથ્વીરાજના મજબૂત હિન્દી એન્ટરટેઇન્મેન્ટ સાથેના જોડાણને દર્શાવે છે.
વિજય સેતુપતિની વાત કરીએ તો આજે તે બોલિવૂડમાં એટલો જ લોકપ્રિય છે જેટલો તમિળ સિનેમામાં. એણે તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં ખાસ રોલ ભજવ્યો. એ સિવાય ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ અને વેબ શો ‘ફર્ઝી’માં પણ હિન્દી બોલીને ખૂબ જ પાવરફુલ રોલ ભજવ્યા અને દર્શાવ્યું કે દક્ષિણના એક્ટર હવે માત્ર ડબિંગ પર આધાર રાખતા નથી.
આ બધું જોઈને એક વાત ચોક્કસ કહી શકાય કે પાન-ઇન્ડિયા ફિલ્મ બનાવવી છે તો ફક્ત ચાર ભાષામાં ડબિંગ કરાવવું એ પૂરતું નથી. એવી સ્ટારકાસ્ટ લાવવી પડે કે જે દરેકને પોતાની લાગે. હવે દર્શકોએ પણ આ નવી રીત સ્વીકારી લીધી છે. એ બધા દક્ષિણના સ્ટાર્સને પણ એટલી જ ઉત્સુકતાથી જુએ છે, જેટલા હિન્દી સ્ટાર્સને. અને એ કારણે હવે ફિલ્મમેકર્સ માટે સૌથી મોટું ટાર્ગેટ છે એક એવું સ્ટોરીટેલિંગ જે દેશભરના લોકોને એકસાથે સ્પર્શી શકે.
આ ક્રોસ કોલાબ્રેશન્સ વધશે એ સાથે જ વધુને વધુ ફિલ્મ્સ હવે ફક્ત ભાષાઓની નહીં, પણ ભારતની હશે અને સાચા અર્થમાં પાન-ઇન્ડિયા ફિલ્મ્સ હશે! લાસ્ટ શોટ રજનીકાંતે 2011ની શાહરુખ ખાનની ‘રા.વન’માં પોતાના રોબોટ કેરેક્ટર તરીકે કેમિયો કર્યો હતો. એક્ટર્સ ઉપરાંત આ પ્રકારના મજેદાર કેરેકટર્સ કોલાબ્રેશન્સ પણ જોવા મળે છે.
આ પણ વાંચો…શો-શરાબા – મધ્યાંતર પછી હવે શું?