તમારી ભૂલ તમને જ ન દેખાય એનાથી મોટી ભૂલ બીજી કઈ?!

- અરવિંદ વેકરિયા
નૈરોબીને તો કુદરતે હરિયાળીની લ્હાણી કરી જ છે, મોમ્બાસાને પણ કરી છે એ અમે જોયું. હા, ત્યાં ગરમી બહુ લાગી. ત્યાં પાણીના હોજ ઠેર-ઠેર. પાણી એટલે તળિયા સુધી નજર નાખી તમે ચોખ્ખાઈ અનુભવો. ત્યાં ગ્લાસબોટની સુંદર રાઈડ હતી. તમે બોટમાં બેસો અને તળિયું પારદર્શક કાચનું. બેઠા-બેઠા કાચમાંથી તમે જાતજાતની માછલીઓ, કરચલાઓ અને બીજા જળચરો એ કાચમાંથી જોઈ શકો.
કેતકી દવેને તો બહુ મજા આવી. અમને પણ આ નવીનતા સ્પર્શી ગઈ. સિદ્ધાર્થ-જતીનને કોઈ નવાઈ નહોતી લાગી. અમારું ત્રણેયનું વિદેશમાં જવાનું અને સાથે પર્ફોર્મ કરવાનું સપનું સાકાર થયું. બાકી સપના ‘અપલોડ’ તો તરત થઈ જાય, પણ ‘ડાઉનલોડ’ કરવામાં ઘણાની જિંદગી નીકળી જતી હોય છે.
મોમ્બાસાનો શો પણ જબરજસ્ત રિસ્પોન્સ સાથે પૂરો થયો. અમુક સાથે ‘જેલિંગ’ થતું નહોતું. અમે અમારી રીતે આનંદ માણી લેતાં. કારણ વગર મજામાં રહેતાં આવડી જાય તો દુનિયામાં તમારાથી વધુ નસીબદાર કોઈ ન હોઈ શકે. અમે ત્રણેય અમને નસીબદાર માનતા હતાં.
મોમ્બાસાનો શો પતાવી ફરી નૈરોબી આવ્યા. ગ્રૂપમાં શિસ્ત હતી કે છૂપો ડર એ નક્કી નહોતું થતું. બાકી નિયમ અને શિસ્ત એવાં બે અનાથ દીકરા છે કે જેમને જન્મ આપવાવાળા ઘણાં, પણ પાલન કરવાવાળું કોઈ નથી. ખેર, આનંદની વાત એ હતી કે મસાઈમારાની વાત નીકળી.
જવાનું નક્કી કરવાની ચર્ચા શરૂ થઇ.’ ત્યાં નહીં લઈ જાય તો શો નહીં કરીએ’ એવો ખરાબ વિચાર આવી ગયો ગયેલો, કંટ્રોલ કરી લીધેલો. તમારી ભૂલ તમને જ ન દેખાય એનાથી મોટી ભૂલ કઈ હોઈ શકે? મસાઈમારાનું નામ પડતાં અમારામાં આનંદની લહેરખી પસાર થઈ ગઈ. અમે કલ્પનાનાં ઘોડા દોડાવવા માંડ્યા. કિનારે પહોંચે એટલે ઉછાળા મારે જ, પછી દરિયો હોય કે માણસ.
…પણ દિલ્હી હજી દૂર હતું. એ પહેલાં એક અઠવાડિયું દારેસલામ (તાન્ઝાનિયા)છ શો હતાં. દારેસલામમાં સ્પોન્સર્સ હોટલમાં ‘ઉતારો’ નથી આપતાં. ત્યાં હોટલમાં રહો તો પેમેન્ટ ડૉલર્સમાં કરવું પડે. બે-ત્રણ સ્પોન્સર્સ કલાકારો વહેંચી લે, ભાગલાં પડી જાય કલાકારોનાં. ત્યાં એક વાડી પણ હતી, જેમાં અમુક કલાકાર રહી શકે.
વહેંચણી સ્વાભાવિક સિદ્ધાર્થે કરી. અમે ત્રણ અને બીજા બે, અમારાં ભાગ્યમાં વાડી આવી. વાડી એટલે હોટલની ડોરમેન્ટરી રૂમ જોઈ લ્યો…પણ સાથે રહેવાનો આનંદ અનેરો હોય છે. અમારે આમ પણ આવું જ જોઈતું હતું. વાડી માટે કોઈ દલીલ નહોતી. જિંદગીમાં બે વાત સમજી લેવી એક તો ‘અપેક્ષાઓને આંખમાં રાખવી અને બીજી, મહત્ત્વાકાંક્ષાને માપમાં…’ આ ‘મંત્ર’ને કારણે અમને ક્યારેય ઓછું નહોતું આવતું.
દારેસલામ જતાં પહેલાં એક વાત કરી લઉં. ડોલર પટેલની સિરિયલ હતી, કેવડાના ડંખ લેખક હતાં પત્રકાર હરીન મહેતા અને દિગ્દર્શક હતો એમનો જ પુત્ર, કાર્તિક મહેતા. નૈરોબીનાં કાર્યક્રમને હિસાબે અમુક શુટિંગ પતાવવું ખૂબ જરૂરી હતું. આ સિરિયલમાં મારી સાથે રસિક દવે પણ હતો. અમે શુટિંગ પૂરું કરવા મંડી પાડેલા. અમારાં સીન્સ સંજય જોગ (રામાયણના ભરત, જે હયાત નથી.) સાથે હતાં.
સંજયને અમારી નૈરોબી-ટુરની ખબર હતી. અમને કહે. ‘જો તમે દારેસલામ જાવ તો મારાં મિત્રને મળજો. ક્યા’ય પણ અટકો તો હું જે નંબર આપું છું એનાં પર ફોન કરજો. એ મદદ કરશે. એ ત્યાં ‘બર્ઝરપેઈન્ટ’માં સારી પોસ્ટ પર છે. એનું નામ છે, અશોક જોગ. મારા ફાધર છે પણ એ કરતાં મિત્ર વધુ છે….’ મેં એમનો નંબર ટપકાવી લીધો. સારા કામ કરનારાં અને આંગળી ચિંધનાર બહુ ઓછા હોય છે.
સત્કર્મ એ નથી જેનું પરિણામ હંમેશાં સાચું હોય, પરંતુ સત્કર્મ એ છે કે જેનો હેતુ ક્યારેય ખોટો ન હોય. સંજય જોગે કહેવા ખાતર નહીં, ખરાં દિલથી કહેલું જેમાં લેશમાત્ર નીજી સ્વાર્થ નહોતો. નૈરોબીથી દારેસલામ બાય ફ્લાઈટ જવાનું હોય છે. એ સમયમાં ત્યાં કોઈ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. થયું કે એનો પણ લાભ લેવા મળશે.
અમે દારેસલામ પહોંચ્યા. ઈમિગ્રેશનમાં કોઈ તકલીફ ન પડી. રાજાણીના મિત્રો લેવાં આવી ગયા હતા. મોટેભાગે બધા લોહાણા જ્ઞાતિના હતા. જે વાડીમાં અમારો ઉતારો હતો એ પણ લોહાણા વાડી હતી. નૈરોબીમાં પણ પગ મૂકતા લોહાણા વાડીમાંથી સિદ્ધાર્થ અજી હાઉસ લઈ ગયેલ પણ અહીંયા…
અહીં કલાકારો વહેંચાય ગયા. કોઈ મનદુ:ખ વગર. ત્યાંની વ્યવસ્થા દરેક આવતાં નાટ્યગ્રુપો માટે આ જ રહેતી એ એમની પાસેથી જાણ્યું. અમે જે વાડીમાં રોકાયા ત્યાં અમારી દેખરેખ માટે રમણીકભાઈની નિમણૂક કરેલી. (જે હવે હયાત નથી). આખું દારેસલામ એમને ‘હે રામ’ કહીને બોલાવે. અમારી સાથે એ તરત ભળી ગયાં.
અમે ત્રણેય સાથે નાના ‘સુવેનિયર’ લઈને નીકળેલા કે ગમતી વ્યક્તિને આપીશું. ‘હે રામ’ અમને ગમી ગયા અને સુવેનિયર આપતાં એ ખુશ થઈ ગયાં. અમે એમને આ ‘હે રામ’ કહેવા પાછળનું કારણ પૂછ્યું. જવાબ એમનાં બદલે એમની સાથે કોઈ ભાઈ હતા એમણે આપ્યો. કે ‘આ રમણીકભાઈ દારેસલામમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે બધી વ્યવસ્થા કરવા, કદાચ મૃત્યુ પામેલ વ્યક્તિનાં સગા પહેલાં પહોંચી જાય.
પોતાનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય એવી નિષ્ઠાથી એ કામમાં જોતરાય જાય…’ સુખી -સંપન્ન માણસ છતાં જરા પણ દેખાડો નહીં, પરિવેશ પણ સાવ સાદો. એ જાણતાં હશે કે જો તમે ઊંચાઈ પર પહોંચી ગયા તો ધ્યાન રાખવાનું કે નીચેનાં લોકો નાના હોતાં નથી, માત્ર દેખાય છે. આવા ગમતાં માણસનો અમને સથવારો સાંપડ્યો એ ‘રામ’ની કૃપા કે અમને મળ્યા,‘હે રામ’.
એક માણસ વાત કરતો હતો, મારી આખી જિંદગી બીક લાગવામાં જ પસાર થઈ. પહેલાં મા-બાપની, પછી શિક્ષકોની, પછી બોસની, પછી ઘડપણની અને પછી મૃત્યુની…’ કોઈ બોલ્યું: પત્નીનો ઉલ્લેખ જ ન કર્યો તમે.