કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી છે? - તો ઘડિયાળ જોયા વગર મહેનત કરો! | મુંબઈ સમાચાર
મેટિની

કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી છે? – તો ઘડિયાળ જોયા વગર મહેનત કરો!

અરવિંદ વેકરિયા

ડી. એસ. મહેતા -જાણીતા કલાકાર – લેખક

ગુજરાતને ‘ધમરોળવાનું’ સપનું, મુંબઈ-મહારાષ્ટ્રમાં ખૂબ સરસ રીતે સાકાર થયું. એક પણ ‘સોલ્ડ-આઉટ’ શો વગર અવિરત રફતાર સાથે જયારે 200 શોનો આંકડો પાર કર્યો ત્યારે ઘણાનાં મનમાં જાતજાતનાં વિચારો સાથે મીઠી ઈર્ષ્યા પણ જન્મી ગઈ હોય તો નવાઈ નહીં!

‘માણસ માત્ર લફરાને પાત્ર’ (મા.મા.લ.પા.)ના નિર્માતા ડોલર પટેલના સાઢુભાઈ, નામ જમન પટેલ, જે દહીસરની ‘ગીતાંજલિ’ નામની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતાં હતાં. ‘ધૂપછાંવ’, અને ‘કેવડાના ડંખ’ સિરિયલો જયારે ડોલરે બનાવી ત્યારે સાઢુભાઈને નાતે તેઓ સેટ પર આવતા-જતા રહેતા. આ બંને સિરિયલ આપણાં ગુજરાતી નાટક ઉપરથી બનેલી અને નાટકનાં લેખક અને પત્રકાર હરીન મહેતા ત્યારે હયાત નહોતા. ધંધાદારી કાર્યવાહી બધી હરીનભાઈનાં પત્ની મીરા ભાભી અને પુત્ર કાર્તિક મહેતા કરતાં. કાર્તિક એક કાબેલ દિગ્દર્શક તો હતો સાથે કલમનો પણ બાપની જેમ કમાલનો કારીગર હતો. ‘નસીબની બલિહારી’ ફિલ્મ ઉપરાંત ઘણી સિરિયલો પણ ડિરેક્ટ કરેલી. જાણીતા કલાકાર-સંગીતકાર હિમેશ રેશમિયાના પિતાશ્રી વિપિન રેશમિયાની સિરિયલ પણ ડિરેક્ટ કરી જેમાં મને પણ કામ કરવાની તક મળેલી.

સેટ પર આવતાં જમન પટેલનું કાર્તિક સાથે બહુ સારું ટ્યુનિંગ થઈ ગયેલું. કાર્તિકના લગ્ન આશા નામની યુવતી સાથે થયેલાં ત્યારે જમન પટેલ પણ આગળ પડતા હતાં. આ કાર્તિક મહેતા પાસે આવો જ એટલે કે માણસ માત્ર…જેવો બોલ્ડ વિષય હતો. મા.મા.લ.પા.ની આંખ ફાટી જાય એવી સફળતા જોઇને જમનભાઈને પણ નાટક બનાવવાનો ‘કીડો’ સળવળવા લાગ્યો અને મને ડિરેક્ટ કરવા કહ્યું.

મારી એક નબળાઈ છે કે હું કોઈને ‘ના’ પાડી નથી શકતો. હોશિયાર અને સમજદારમાં ઘણો ફરક છે. હોશિયાર રસ્તા પરનાં કાંટાથી બચીને નીકળી જાય, જયારે સમજદાર રસ્તા પરનાં કાંટાને વીણી લે. મેં જમનભાઈને પ્રોજેક્ટ માટે હા પાડી. નાટક લખવાની વાત કરું તો કાર્તિક મહેતા સરસ લખે…પણ મૂળ એ ‘રીલ’નો માણસ. નાટકનું લખાણ જરા અલગ હોય. જમનભાઈએ મને કહ્યું. મેં એમને સમજાવ્યું, ‘અહીં ડિવિઝન ઓફ લેબર હોય, લેખન, સંગીત, સંગીત સંચાલન, લાઈટ.. બધાં પોતપોતાનાં કામ કરે. આપણે નાટક કોઈની પાસે લખાવવું પડે.’ જમનભાઈએ લેખક શોધવાની જવાબદારી પણ મને સોંપી.

હું ‘ના’ ન પાડી શક્યો. જવાબદારી બધી મારા પર આવતી ગઈ. સમજણ વિનાનું સમર્પણ અને વિવેક વિનાનો વિરોધ બંને ભયાનક હોય છે એની અનુભૂતિ આ પ્રોજેક્ટમાં આગળ વધતાં થવા લાગી. ડોલર સાથેના સંબંધોએ મને ‘હા’ પાડવા મજબૂર કરી દીધો, ખેર!

એક સમયનાં જબરજસ્ત કલાકાર ડી.એસ.મહેતા, જેમણે પ્રવીણ જોશી સાથે આઈ.એન.ટી. જેવી માતબર સંસ્થામાં કામ કરેલું. એમનો લખેલો એક ‘પ્લે’ મેં ટી.વી. ઉપર ડિરેક્ટ કરેલો. મને એ ગમેલો. ત્યારે મયંક મહેતાને નાટક કરવું હતું. મેં એમને ડી.એસ.નાં નાટકની વાત કરી. એ નાટકનું મંચન ‘અમે તો હરખપદુડા’નાં નામે કર્યું. અમિતા ચોકસી, હરેશ પંચાલ વગેરે કલાકાર હતાં. અમિતા ચોકસીને તમે ઘણી હિન્દી સિરિયલ્સમાં પણ જોઈ હશે.

એ નાટકને કારણે લેખક માટે મને ડી.એસ. મહેતા યાદ આવ્યા. આમ પણ રોજ સવારે ‘કેમ છો, કાકા? જય શ્રી કૃષ્ણ.’ કહી થોડો વાર્તાલાપ રોજ કરવાનો વણથંભ્યો નિયમ બની ગયેલો.

મેં એમને નક્કી કરી નાખ્યાં. કાર્તિક સ્ક્રીન-પ્લે લખે અને એના પરથી નાટકની બાંધણી ડી.એસ.મહેતાએ કરવાની. જૂના સંબધ ગણો કે સંસ્કાર, એમણે મારી સાથે બહુ સારું વર્તન દાખવ્યું. વર્તનથી પણ એક વાર્તા લખી શકાય છે. દરેક લખાણ માટે ‘પેન’ની જરૂર નથી.

આ પણ વાંચો…ખરાબ સમય ઝાઝો ટકતો નથી… હા, આપણે પકડી રાખીએ એ જુદી વાત છે!

પછી તો રોજ સાંજે મળવાનું. કાર્તિક ‘પીવાનો’ શોખીન…વધુ પડતો શોખીન. બોરીવલીની સામે જ એક બાર છે. હું, ડી.એસ.. અને કાર્તિક ત્યાં ડીસ્કસ કરીએ. કાર્તિક સ્ક્રીન-પ્લે લખીને લાવે. વિચારોનું આદાન-પ્રદાન થાય અને બીજે દિવસે ડી.એસ. મેહતા એને નાટ્યરૂપ આપી લખીને લઈ આવે.

આમ સ્ક્રિપ્ટ પૂરી લખાય ગઈ કે તરત મહારાષ્ટ્ર-ગુજરાત માટે સેન્સર બોર્ડને મોકલી આપવી એવું નક્કી થયું. આ વખતે પ્રમાણપત્ર નિર્માતાના નામે જ લેવું એવું પણ નક્કી થયું.

નાટકનાં રિહર્સલ પણ શરૂ થઈ ગયાં. તુષાર કાપડિયા, હિતેશ સંપટ, વિજેતા, જયદેવી અને સતીશ નામનો મરાઠી કલાકાર પણ હતો. રજૂઆત કરવા થિયેટરની દોડા-દોડી ડોલર અને જમનભાઈ સાથે કરતા. આમ પણ ડોલર પટેલનું નામ ‘મા.મા.લ.પા.’ ને કારણે ચર્ચામાં તો હતું એટલે થિયેટર મેનેજરો પાસે માન જળવાતું. જમનભાઈ નોકરીયાત માણસ, એટલે પૈસાની કિંમત એને ખબર હતી. કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો ઘડિયાળ જોયા વગર મહેનત કરવી પડે, જમનભાઈ દિલથી મહેનત કરતાં, નોકરી સાચવીને.

એક ખૂબ જ જાણીતા સાહિત્યકારની એક રચના વાંચી. મેં એના પરથી નાટકનું ટાઈટલ રાખવાનું નક્કી કર્યું. એમનો પંક્તિમાં સંદર્ભ જુદો હતો પણ મેં નાટકનાં બોલ્ડ વિષયને અનુરૂપ બનાવ્યો.

એ ટાઈટલ નક્કી કરી એક જાણીતાં અખબારમાં જા.ખ. આપું, એ એકવાર છપાય જાય અને પછી પોતાનાં સિદ્ધાંતોને લઈ જે અવલ્લ છે અને જે લોકપ્રિય અને સૌથી જૂનું અખબાર છે એવું ‘મુંબઈ સમાચાર’ જો એ શીર્ષક સાથે જા.ખ, લેવાની ‘ના’ પાડે તો પેલા અખબારમાં આપેલી જા.ખ. તો ફોગટ જાય. અને ‘મુંબઈ સમાચાર’નો દબદબો એવો કે જો એમાં જા.ખ. ન આવે તો નાટક ચાલે જ નહીં. નાટકનું બુકિંગ ‘મુંબઈ સમાચાર’માં આવતી જા.ખ. ને લીધે જ થતું.

ત્યારે હું અને દીપક સોમૈયા એડ.નાં વ્યવસાયમાં સાથે હતાં. દીપક મને કહે આપણે શ્રી કામાશેઠની સલાહ લઈએ અને…

‘ફાંદ’ એટલે શું?
‘તમારી માલિકીના પ્લોટ બહારનું ગેર-કાયદેસર બંધકામ…’

આ પણ વાંચો…લક્ષ વગરની દોડ એ ગતિ ને લક્ષ સાથેની દોડ એ પ્રગતિ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button