થોભો, આ ‘ધ ઍન્ડ’ નથી! | મુંબઈ સમાચાર

થોભો, આ ‘ધ ઍન્ડ’ નથી!

ફિલ્મોના અજબ ઍન્ડ બદલવાની ગજબ કહાણી…

  • મહેશ નાણાવટી

થોડા દિવસ પહેલાં ‘હાઉસફૂલ-5’ નામની એક ફિલ્મ આવી ગઈ. – એમણે બે એન્ડ (અંત) બનાવ્યા હતા. એટલે ફિલ્મોનાં નામ સાથે A અને Bએમ આ ટિકિટ ઉપર પ્રિન્ટ થતાં હતાં! ‘હાઉસફૂલ-5- A ‘હાઉસફૂલ-5- B’!

પ્રોડ્યુસરોને કદાચ એમ હશે કે બન્ને ફિલ્મો જોઈને પ્રેક્ષકો નીકળશે ત્યારે એકબીજાને પૂછશે કે ‘તમારી ફિલ્મનો શું એન્ડ હતો? અમારીવાળીમાં તો આવું થયું!’ અને પછી ‘હાય હાય, તમે લઈ ગયા, અમે રહી ગયા…’ એમ વિચારીને લોકો પેલી છેલ્લી પાંચ-દસ મિનિટ જોવા માટે ફરી ટિકિટ લઈને આખેઆખી ફિલ્મ નવેસરથી (સહન કરતાં કરતાં) જોશે!

આવો જ કંઈક કિસ્સો આનંદ એલ. રાયે બનાવેલી ‘રાંઝણા’ ફિલ્મનો છે. સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે ફિલ્મના કો-પ્રોડ્યુસર ‘ઈરોસ ઈન્ટરનેશનલ’એ AIની મદદ લઈને ઓરીજિનલ ફિલ્મનો કરુણ એન્ડ બદલીને હેપ્પી એન્ડ કરી નાખ્યો છે! હવે એને થિયેટરોમાં રિ-રિલીઝ કરવાના છે!

આનંદ એલ.રાયે એનો વિરોધ કર્યો છે, પરંતુ ‘ઈરોસ’ વાળાને આમાં કદાચ કમાણી દેખાતી હશે કે લોકો કદાચ આ ‘કોન્ટ્રોવર્સી’ના કારણે થિયેટરોની ટિકિટો ખરીદશે. જોકે ધનૂષને ફરી ‘જીવતો’ જોવામાં કેટલાને રસ પડશે તે તો ટિકિટબારી જ કહેશે કે ધનૂષનું ‘બાણ’ નિશાન પર લાગ્યું છે કે નહીં!

આપણે સૌ જાણીએ છીએ કે આજથી 50 વરસ પહેલાં આવેલી ફિલ્મ ‘શોલે’ રિલીઝ થઈ એ અગાઉ એનો એન્ડ બદલવો પડ્યો હતો એ પણ સેન્સર બોર્ડના આગ્રહને કારણે! ઓરીજિનલ એન્ડ તો હવે યુટ્યૂબ ઉપર લાખો લોકોએ જોઈ લીધો છે, જેમાં ઠાકુર ગબ્બરને લોખંડી ખીલાવાળી મોજડીઓ વડે છૂંદી નાખે છે.

થોડા દિવસ પહેલાં આ ઓરીજિનલ વર્ઝનવાળું ‘શોલે’ કોઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયું હતું. એ જોઈને હોલિવૂડના પ્રોડ્યુસરો કદાચ કહેતા હશે કે ‘ધત્તેરેકી! ગબ્બરને જીવતો રાખ્યો હોત તો ‘શોલે’ની સિકવલ બનાવવાનો મસ્ત ચાન્સ હોત!’

રિલીઝ થયા પછી અને ખાસ તો ફિલ્મ હિટ ગઈ હોય એ પછી પણ એન્ડ બદલવો પડ્યો હોય એવું 1981માં આવેલી ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ માટે થયું હતું. ફિલ્મમાં હીરો – હીરોઈન બન્ને એક પહાડી પરથી દરિયામાં છલાંગ લગાવીને આત્મહત્યા કરે છે, પરંતુ અમુક સામાજિક સંસ્થાઓને લાગ્યું કે ફિલ્મને કારણે આવાં પ્રેમી પંખીડાઓની આત્મહત્યામાં વધારો થઈ રહ્યો છે. એમણે કોર્ટ કેસ દ્વારા પ્રોડ્યુસરો ઉપર દબાણ વધાર્યું હતું. છેવટે એમની માગણી સામે ‘નમતું જોખીને ફિલ્મનાં ત્રાજ્યાં બદલીને એટલે કે અંતને સુખદ બનાવીને એટલો ભાગ કેટલાક થિયેટરમાં ચાલતી પ્રિન્ટોમાં જોડવામાં આવ્યો હતો! જોકે, પ્રેક્ષકોએ આખી વાતને નકારી કાઢીને સાવ નબળો પ્રતિસાદ આપ્યો હતો, જેથી કરીને ફરી પેલો કરુણ અંત જ ચાલુ રખાયો હતો.

સેન્સર બોર્ડની જીદ તો નહીં, પણ આગ્રહને કારણે જાણીતા નિર્માતા બી.આર. ચોપરાએ પણ ‘પતિ પત્ની ઔર વો’નો અંત બદલ્યો હતો. જોકે ફિલ્મ કોમેડી હતી છતાં સેન્સર બોર્ડે કહ્યું હતું કે આમાં પતિ પોતાની પત્નીને છેતરીને પોતાની સેક્રેટરી સાથે લગ્નેતર સંબંધો રાખે છે એની ‘સમાજ ઉપર ખરાબ અસર પડશે.’ અને છતાં જો તમે એન્ડ ન બદલવા માગતા હો તો અમે ‘એ’ સર્ટિફિકેટ આપીશું.

બી.આર. ચોપરાએ નવા વર્ઝનમાં પતિનો ભાંડો ફૂટી જાય, એ પસ્તાય અને પત્નીની માફી માગે એવું તો રાખ્યું જ, પરંતુ છેલ્લાં દૃશ્યમાં ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ એવું બતાડવા માટે સંજીવકુમાર પોતાની નવી સેક્રેટરીને એ જ જૂની ટ્રિક દ્વારા બાટલામાં ઉતારવાની તૈયારી કરી રહ્યો છે એવું બતાડીને ‘કોમેડી તો બરકરાર જ રાખી હતી!’

રાજ કપૂરે પ્રોડ્યુસ કરેલી 1953ની ફિલ્મ ‘આહ’ ઉપર કોઈ સેન્સર બોર્ડનું દબાણ નહોતું, પરંતુ રાજ કપૂરની નજીકના લોકોની ‘લાગણી’ જવાબદાર હતી. ફિલ્મમાં ધનવાન ઘરના પુત્ર રાજ કપૂરને ટીબીની (એ વખતની અસાધ્ય) બીમારી થઈ જાય છે. તે પોતાની પ્રેમિકા નરગિસને પોતાનાથી દૂર કરવા માટે જાતજાતના પ્રયત્નો કરે છે. આમાં ઓરોજિનલ અંત તો ખૂબ જ કલાત્મક હતો, જેમાં આખરી દૃશ્ય એવું હતું કે એક તરફ નરગિસની લગ્નની ડોલી જઈ રહી છે અને બીજી તરફ રાજની અંતિમયાત્રા પસાર થઈ રહી છે.

પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને લાગ્યું કે ‘અરેરે, આટલો બધો દુ:ખદ અંત? લોકો સહન નહીં કરી શકે…’ એટલે એન્ડ બદલવામાં આવ્યો, જેમાં નરગિસ અને રાજનાં લગ્ન થાય છે અને નરગિસની પ્રેમભરી સારવારથી ચમત્કારિક રીતે રાજની બીમારી દૂર થઈ જાય છે.

ઋષિકેશ મુખર્જીએ બનાવેલી ‘નમકહરામ’નો કિસ્સો જરા અલગ છે. આમાં ન તો સેન્સર બોર્ડનું પ્રેશર હતું, ન તો કોઈ સામાજિક સંસ્થાએ ટાંગ અડાડી હતી કે ન તો કોઈ ડિસ્ટ્રીબ્યુટરોને કોઈ તકલીફ હતી…વાત એમ હતી કે તે સમયના સુપર સ્ટાર રાજેશ ખન્ના ફિલ્મમાં ‘મરી જવા’ માગતા હતા!

જીહા, ‘નમકહરામ’ની વાર્તા તો મૂળ પ્રખ્યાત બ્રિટિશ ઐતિહાસિક નાટક ‘બેકેટ’ (ઓનર ઓફ ગોડ) ઉપર આધારિત હતી. એ જ નાટક ઉપરથી 1964માં ‘બેકેટ’ નામની બ્રિટીશ ફિલ્મ પણ આવી ગઈ હતી. બન્ને કૃતિઓમાં બે ગાઢ દોસ્તોની વાત છે જેમાં એક અતિશય ધનિક અને પાવરફૂલ બાપનો પુત્ર છે અને બીજો સામાન્ય મધ્યવર્ગીય યુવાન છે. બન્ને કૃતિમાં અંતમાં પેલા ધનિક પુત્રનું મોત થાય છે, જેના કારણે શોષણખોર બાપની આંખો ઉઘડે છે… વગેરે.

પરંતુ ફિલ્મ બની રહી હતી એ દરમિયાન રાજેશ ખન્નાની જીદ હતી કે ‘મરીશ તો હું જ!’ આના કારણે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જોકે ફિલ્મ બની રહી હતી ત્યારે અમિતાભ બચ્ચન એટલા મોટા સ્ટાર બન્યા નહોતા એટલે રાજેશ ખન્નાની જીદ સામે ‘પોતે મરવાની’ જીદ કરી શકયા નહોતા.

આપણ વાંચો:  ગેરસમજ પર પૂર્ણવિરામ મૂકી દેવાની આવડત એટલે પરિપક્વતા…

જ્યારે મરવાની વાત ચાલી રહી છે તો ફિલ્મ ‘રંગ દે બસંતી’માં મરવાની રીત માટે અંતને બદલવામાં આવ્યો હતો. ફિલ્મ બની રહી હતી તે દરમિયાન એન્ડ એવો નક્કી હતો કે ફિલ્મના ત્રણ યુવક મુખ્ય પાત્ર કેન્દ્રિય મંત્રીની હત્યા કર્યા પછી ભાગવા જતાં એક પછી એક માર્યા જાય છે. શૂટિંગ વખતે કહે છે કે, આમિર ખાને દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાને સવાલ કર્યો હતો કે જો આ યુવાનો શહીદ ભગતસિંહને પોતાનો આદર્શ માને છે તો એ ભાગે શા માટે? ખુદ ભગતસિંહ પાર્લામેન્ટમાં બોમ્બ ફેંકયા પછી ભાગ્યા નહોતા.

આ દલીલ કામ કરી ગઈ, ત્યાર બાદ કહેવાય છે કે આમિર ખાન પાસે એક વાર્તા હતી જેમાં ક્રાંતિકારી યુવાનો ટીવી સ્ટેશન પર કબજો કરી લે છે અને પોતાનો આખરી સંદેશ જનતા સુધી પહોંચાડે છે. બસ, પછી એમાં ટીવીને બદલે રેડિયો સ્ટેશન કરી દેવાયું!

હવે માત્ર એટલી આશા રાખવાની કે જ્યારે ‘રંગ દે બસંતી’ ફરી રિલીઝ થાય તો AI દ્વારા એનો અંત બદલી ન નાખ્યો હોય!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button