મેટિનીસ્પેશિયલ ફિચર્સ

‘વિશેષ : રાવણ’એ અર્જુનને ઉગાર્યો…!

-હેમા શાસ્ત્રી

નસબ: રોહિત શેટ્ટીની ફિલ્મમાં ભજવેલા નેગેટિવ રોલથી પુનર્જન્મ થયો અને ખલનાયકએ નાયકને જીવતદાન આપ્યું હોવાનું બોની કપૂરનો આ પુત્ર અર્જુન માને છે.

લેખ : હિન્દી ફિલ્મની મોટાભાગની કથામાં વિનાશકારી વિલનનો તો અંતે ખાત્મો જ બોલતો હોય છે. ગમે એવી પ્રસિદ્ધિ, પૈસો કે પાવર અંતે શૂન્ય થઈ જાય છે. ઠાઠથી ઠાઠડી તરફ વળી જવાય છે. અલબત્ત, રીલ લાઈફ અને રિયલ લાઈફ (પડદા પરની કથા અને વાસ્તવિક જીવન) વચ્ચે ક્યારેક વિરોધાભાસ હોય છે. એ વિરોધાભાસ અકળાવનારો હોઈ શકે છે તો આનંદ આપનારો સુધ્ધાં હોઈ શકે છે.

૧૨ વર્ષ પહેલાં ‘ઇશકઝાદે’ ફિલ્મથી હિન્દી ચિત્રપટ સૃષ્ટિમાં ધૂંઆધાર પદાર્પણ કરનારા અર્જુન કપૂર વ્યવસાયિક સ્તરે પાતાળલોકમાં પહોંચી ગયો હતો. જીવનમાં વિષમતાઓ કેડો નહોતી મૂકી રહી. મધદરિયે તરફડિયાં મારવાં જેવી સ્થિતિમાં અર્જુન કપૂર હતો ત્યારે ‘સિંઘમ અગેન’ રિલીઝ થઈ. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અર્જુન ખલનાયક (ડેન્જર રાવણ) છે. ફિલ્મ હિટ સાબિત થઈ છે. અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના એક્શન પેક્ડ સારું કામ કરતા હીરો અવતારોના ઝુમખા વચ્ચે નઠારું કામ કરતા રાવણના આધુનિક સ્વરૂપને પસંદ કરવામાં આવ્યું છે.

ટૂંકમાં ખલનાયકના રોલથી ગાડી ફરી પાટે ચડી જશે એવી ઉમ્મીદ જાગી છે. રાવણએ અર્જુનને ઉગારવાનું- એનામાં ઉત્સાહનો સંચાર કરવાનું કામ કર્યું છે. અત્યાર સુધી હીરો તરીકે જોવા મળેલા અર્જુન કપૂરેપહેલી જ વાર વિલન જેવો રોલ કરી વાહ વાહ મેળવી છે.

‘લોકોને મારું કામ પસંદ પડ્યું એનો રાજીપો છે. મારી કરિયરનું આ નવું સ્ટાર્ટિંગ પોઇન્ટ છે. મારો પુનર્જન્મ થયો છે- કપરા કાળમાંથી મુક્તિ મળી છે … જે વ્યાખ્યા કરવી હોય એ કરી શકો છો.’ રોહિત શેટ્ટીની ફિલ્મમાં ‘ડેન્જર લંકા’નું પાત્ર ભજવનારા અર્જુન કપૂરના શબ્દે – શબ્દે, અક્ષરે – અક્ષરે હરખ વ્યક્ત થાય છે, જે સ્વાભાવિક છે. રોહિત શેટ્ટી આજકા અર્જુન માટે સારથિ સાબિત થયા છે.

જાણીતાં ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપડાને આપેલા ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું કે ‘મેં રોહિત શેટ્ટીની ફિલ્મ સાઈન કરી ત્યારે મારા જીવનનો સૌથી કપરો કાળ ચાલી રહ્યો હતો. અંગત જીવનમાં પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ હતા. (અર્જુને ફોડ ન પાડ્યો, પણ મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ થયું હતું, ફિલ્મોનો દુકાળ હતો અને જે જૂજ મળી હતી એ એક પછી એક સુપરફ્લોપ સાબિત થઈ હતી). મગજ એવું બહેર મારી ગયું હતું કે હું હતાશામાં ઘેરાઈ ગયો છું કે નહીં એ સુધ્ધાં નહોતો જાણતો. નસીબ સાથ નહોતું દઈ રહ્યું. નિર્ણય લેવામાં પણ ટાળાટાળ કરી રહ્યો હતો. હું ફિલ્મોની દુનિયાનો માણસ. એ વાતાવરણમાં જ મારો ઉછેર. ફિલ્મો જોવી, એની ચર્ચા કરવી એ મારો શોખ – મારા જીવનનું અભિન્ન અંગ. પણ તમે માનશો? ફિલ્મો જોવાનો ઉત્સાહ જ ઓસરી ગયો. મારી બીજી કોઈ હોબી પણ નથી. ફિલ્મો એ જ મારું જીવન અને એમાંથી રસ ઊડી જાય તો કેવી હાલત થાય એ વિચારી જુઓ…. ચારે તરફ જાણે કે શૂન્યાવકાશ હોય એવું મેહસૂસ કરતો હતો. અને હું રીતસરનો તૂટી ગયો- ભાંગી પડ્યો. દુષ્યંત કુમારની કવિતાની બે પંક્તિ મને બેહદ પસંદ છે:

‘હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ’ પણ મારી અંદરની એ આગ ઠરીરહી હતી, કશુંક કરી દેખાડવાની ઈચ્છાનીબાદબાકી થઈ રહી હતી. મન સાથ નહોતું આપી રહ્યું. એ જાણે ઓછું હોય એમ શારીરિક તકલીફ પણ સમસ્યામાં પોતાનું યોગદાન આપવા હાજર થઈ ગઈ. મને ‘હશિમોટો થાઈરોઈડ’ની તકલીફ છે. થાઈરોઈડની સમસ્યાનો આ આગળનો તબક્કો છે. સ્ટ્રેસ થાય ત્યારે વજન અચાનક વધી જાય. સ્ટ્રેસ થાય ત્યારે શરીરના એન્ટિબોડીઝ (રોગ પ્રતિકાર વ્યવસ્થાનો એક હિસ્સો) કાર્યશીલ થતા હોય છે એટલે હું રિલેક્સ્ડ રહું તો સ્વસ્થ રહી શકું. જોકે, આ વ્યવસાયમાં રિલેક્સ્ડ નથી રહી શકાતું.’

અર્જુન કપૂરની કારકિર્દીમાં બાર વર્ષે આજે બાવો (ફરી) બોલ્યો એવી પરિસ્થિતિ છે. ‘ઈશકઝાદે’ (૨૦૧૨) પછી ‘ગુંડે’ અને ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મોએ આ કપૂરમાં પણ કૌવત છે એ સિદ્ધ કર્યું હતું. ‘યશરાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ ત્રણ ફિલ્મમાં કામ કરી શરૂઆત કરવાની તક બહુ ઓછા અભિનેતાઓને મળતી હોય છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં આશુતોષ ગોવારીકરની ‘પાનીપત’ સહિત સાતેક ફિલ્મ એવી ઊંધે માથે પટકાઈ કે વાત ના પૂછો. એમાં મલાઈકા અરોરા સાથેના અફેરની વિષમતાથી વાત વધુ વણસી ગઈ. પડતાને પાટુ મારે એમ ગયા વર્ષે રિલીઝ થયેલી અર્જુનની ‘ધ લેડી કિલર’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક બ્લોકબસ્ટર ફ્લોપ સાબિત થઈ. ૪૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મનો વકરો માંડ એક લાખ રૂપિયા હતો, બોલો…. !

આ પરિસ્થિતિમાં રોહિત શેટ્ટીની ફિલ્મ મધદરિયે તરફડતા અર્જુન માટે લાઈફગાર્ડ સાબિત થઈ છે. એ ડૂબી જતા તો બચી જ ગયો છે, પણ ફરી તરવાની હિંમત આવી ગઈ છે. ‘સિંઘમ અગેન’ વિશે અર્જુન કહે છે કે ‘ફિલ્મનો’ પ્લોટ જાણ્યો ત્યારે જ ખબર હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. લોકો થિયેટર સુધી દોડતા આવશે એની ખાતરી હતી. મોટા બજેટની અને મોટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મનાફાયદા અને ગેરફાયદા બંને હોય છે. તમને યાદ હશે કે અજય દેવગન સર ‘ખાકી’ ફિલ્મ કરી હતી. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર એમાં હતા અને અજય સરે એમાં વિલનનો રોલ કર્યો હતો. વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’માં સૈફ અલી ખાને લંગડા ત્યાગીની ભૂમિકા કરી હતી અને ગયા વર્ષે આવેલી ‘એનિમલ’માં બોબી દેઓલે અબ્રાર હકનો ખૂંખાર રોલ સાકાર કર્યો હતો. આજે ઓડિયન્સ બદલાયું છે. એને નઠારા પાત્ર પણ ગમે છે.’

અર્જુન કપૂરની વાત સાચી છે. ‘મહાભારત’ના અર્જુનને માત્ર માછલીની આંખ દેખાતી હતી, બીજું કશું એને દેખાતું જ નહોતું. કપૂર અટક ધરાવતા અર્જુને ‘મહાભારત’ના અર્જુનનું આ લક્ષણ હવે અપનાવવાની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button