મનોરંજનનું મેઘધનુષઃ વિજય દેવરકોંડા સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર પણ હિન્દી ફિલ્મોમાં સફળતાથી જોજન દૂર

- ઉમેશ ત્રિવેદી
સાઉથની ફિલ્મોમાં ‘સુપરસ્ટાર’ તરીકે નામના ધરાવનારા વિજય દેવરકોંડાની અત્યારે ચારેબાજુ ચર્ચા છે અને તેનું કારણ છે ‘નેશનલ ક્રશ’ સાબિત થયેલી સાઉથની ફૂટડી એવી અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે 36 વર્ષનો વિજય દેવરકોંડા 29 વર્ષની રશ્મિકા મંદાના સાથે 2026ના એટલે કે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનના કોઈ ભવ્ય મહેલમાં ધામધૂમથી પરણવાનો છે.
બીજાં બધા પ્રેમ પ્રકરણની જેમ જ આ પ્રેમ પ્રકરણ પત્રકારોએ બહાર પાડ્યું ત્યારે ‘આ તો માત્ર ગોસિપ જ છે’ એમ કહી વિજય દેવરકોંડા અને રશ્મિકાએ વાત ઉડાવી દીધી હતી. પણ પછી ઑક્ટોબર-2025માં તેમણે સગાઈ કરી અને હવે ફેબ્રુઆરીમાં પરણવાના છે એ વાતની બંને કલાકારોએ પુષ્ટિ કરી છે.
વિજય દેવરકોંડાએ સાઉથમાં સારી નામના મેળવી છે, પણ બોલિવૂડમાં તેની ફિલ્મ ચાલી નથી. મોટાભાગે તેલુગુ ફિલ્મોમાં દેખાયેલાં વિજય દેવરકોંડાની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોને જોઈએ એવો પ્રતિસાદ આજસુધી મળ્યો નથી. તે કૌટુંબિક વાર્તા ધરાવતી ફિલ્મોમાં વધારે દેખાયો છે, પણ જ્યારે તેણે એકશન ફિલ્મો પર હાથ અજમાવ્યો છે ત્યારે પણ તેને નિષ્ફળતા જ મળી છે.
2011થી તેલુગુ ફિલ્મોમાં અભિનય કરી રહેલા વિજય દેવરકોંડાનો જન્મ 9 મે 1989ના આંધ પ્રદેશના હૈદરાબાદમાં થયો છે. તે અભિનેતા સાથે જ કેટલીક ફિલ્મોનો નિર્માતા પણ રહ્યો છે. તેનો ભાઈ આનંદ દેવરકોંડા પણ અભિનેતા છે. 2016માં આવેલી ‘પેલ્લી ચોપુલુ ’ અને 2017માં ‘અર્જૂન રેડ્ડી’ ફિલ્મે દેવરકોંડાને જબરી સફળતા અપાવી અને ત્યારથી જ તે સુપરસ્ટાર ગણાવા લાગ્યો.
જોકે, વિજય માટે 2016, 2017 અને 2018નાં વર્ષ ખૂબ જ મહત્ત્વના સાબિત થયા. ‘પેલ્લી ચોપુલુ’ માં તેને પહેલીજ વાર મુખ્ય હીરોની ભૂમિકા મળી હતી. આ ફિલ્મ કમર્શિયલી ખૂબ જ હીટ થઈ અને આ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો સાથે જ નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. 2017માં તેણે પૂર્ણપણે મસાલા ફિલ્મ કહી શકાય એવી ‘દ્વારકા’ ફિલ્મમાં અભિનય કર્યો અને પછી તે જ વર્ષે આવી ‘અર્જૂન રેડ્ડી’ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની એ ફિલ્મ ખૂબ જ વખણાઈ અને વિજય દેવરકોંડાને આ ફિલ્મે સુપરસ્ટાર બનાવી દીધો. આ જ ફિલ્મ પરથી શાહિદ કપૂર અભિનીત ફિલ્મ ‘કબીર સિંહ’ બની હતી. એ પણ બહુ ચર્ચિત રહેવાની સાથે ખૂબ જ હીટ થઈ હતી.
2018માં વિજય દેવરકોંડાએ પહેલી જ રશ્મિકા મંદાના સાથે ‘ગીત ગોવિંદમ’માં કામ કર્યું અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ ગજાવી હતી. આ ફિલ્મ વખતે જ બંને એકબીજાને પ્રેમમાં પડ્યા હતા,જે હવે બહાર આવ્યું છે.
જોકે, 2018થી અત્યાર સુધીની વિજય દેવરકોંડાની મોટા ભાગની ફિલ્મોને જોઈએ એવી સફળતા મળી નથી. 2022માં તેની ખૂબ જ ગાજેલી ફિલ્મ ‘લાઈગર’ હિન્દીમાં પણ રજૂ થઈ હતી, પણ તે ફલોપ સાબિત થઈ હતી. ત્યાર પછી ‘ખુશી’, ‘ધ ફેમિલી સ્ટાર’ ફિલ્મે બોક્સ ઓફિસ ગજાવી પણ 2025માં આવેલી ‘કિંગ્ડમ’માં તેને ફરી નિષ્ફળતા જોવા મળી હતી.
હવે આ વર્ષે તો રશ્મિકા મંદાના સાથેના પ્રેમ સંબંધને કારણે એ વધુ સમાચારોમાં છે.
OTTનું હોટસ્પોટ
15 નવેમ્બરથી 21 નવેમ્બર
અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શનકુમાર અને શાશ્વત ચેટરજી જેવાં દિગ્ગજ કલાકારોવાળી વિવેક અગ્નિહોત્રીની વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ બેંગાલ ફાઈલ્સ’ આવતાં શુક્રવારે એટલે કે 21 નવેમ્બરે ઝી-ફાઈવ પર પહેલી વાર રજૂ થવાની છે. બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હવે તે ઓટીટી દ્વારા દેશભરના લોકોના ઘર સુધી પહોંચી જશે.
એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવતા શુક્રવાર એટલે કે 21 નવેમ્બરથી જ મનોજ બાજપાઈની ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સિઝનની શરૂઆત થઈ રહી છે. અગાઉની બે સિઝનને દર્શકોનો ભરપૂર સાથ મળ્યો હતો એટલે ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જાસૂસી અને એકશનથી ભરપૂર આ ત્રીજી સિઝનમાં મનોજ બાજપાઈની સાથે જયદીપ અહલાવત, નિમ્રત કૌર, શાહિદ હાશ્મી, પ્રિયામણી, અશ્ર્લેષા ઠાકુર, ગુલ પનાગ, વેદાંત સિંહા જેવાં કલાકારો દેખાશે.
21 નવેમ્બરે જ નેટફિલક્સ પર ખૂબ ગાજેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ રજૂ થશે. ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જહાન્વી કપૂર અભિનીત આ ફિલ્મના દિગ્દર્શક નીરજ ગ્યાવન છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સહિત વિદેશની અનેક ફિલ્મ સમારોહમાં આ ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી છે. 26 સપ્ટેમ્બર-2025નાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે તે સદંતર ફલોપ સાબિત થઈ હતી.
આપણ વાંચો: શો-શરાબાઃ વિરોધ-સિનેમાનો કેવો છે આ વાયરો?



