કિસમેં કિતના હૈ દમ!
સિનેમાશોખીનો માટે આ વર્ષ મનોરંજનના રસથાળ જેવું રહેશે. બોલિવૂડ ઉપરાંત ટોલિવૂડ અને હોલિવૂડના જોરદાર વિકલ્પો માણવા મળશે.
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
ક્રિકેટ અને ફિલ્મ ભારતીય પ્રજા માટે એન્ટરટેઈન્મેન્ટના ફેવરિટ વિકલ્પો વર્ષોથી રહ્યા છે. સ્ટેડિયમનો દરેક પ્રેક્ષક અને થિયેટરનો દરેક દર્શક (મોટા ભાગનો) કેવળ અને કેવળ મનોરંજન મેળવવા માટે આવતો હોય છે. ક્રિકેટમાં ટ્રાય સિરીઝ કૉન્ટેસ્ટ – ત્રિપાંખિયા મુકાબલામાં યજમાન ટીમ ઉપરાંત બે મહેમાન ટીમ સુધ્ધાં હોય છે. આ ટ્રાયંગલ મુકાબલામાં ત્રણ ટીમ હોવાથી મનોરંજનનું ક્ષેત્રફળ મોટું બને છે.
બીજી તરફ, છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ચિત્રપટ જોતા સિનેમા શોખીનો માટે હિન્દી ફિલ્મ ઉપરાંત સાઉથની (તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ) અને હોલિવૂડની ફિલ્મો જોવાના અનેક વિકલ્પો ઉપલબ્ધ રહે છે. સાઉથની કે અંગ્રેજી ભાષાનો એક શબ્દ પણ ન સમજાતો હોવા છતાં આ ફિલ્મો હિન્દીમાં ડબ કરવામાં આવી હોવાથી રસિકો એને એન્જોય કરી શકે છે.
2024નાં ઉદાહરણ જોઈએ. આધારભૂત બૉક્સ ઑફિસ આંકડાકીય માહિતી અનુસાર 2024માં બૉક્સ ઑફિસ પર સફળ થયેલી ટોપ ટેન ફિલ્મમાં હિન્દીમાં બનેલી ફિલ્મોની સંખ્યા છે ચાર (‘સ્ત્રી-2’, ‘ભુલભુલૈયા-3’, ‘સિંઘમ અગેન’ અને ‘ફાઈટર’). અન્ય છ ફિલ્મ તમિલ-તેલુગુમાં બની છે અને ડબ કરવામાં આવી છે. દરેકનો વકરો 300 કરોડથી વધારે છે. હિન્દીમાં ડબ કરવામાં આવેલી હોલિવૂડની ફિલ્મો પણ સફળ રહી છે. જોકે, હિન્દી અને હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મોની સરખામણીએ એનું કલેક્શન વામણું લાગે એવું છે. એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે આ વિદેશી ફિલ્મો દેશી ફિલ્મોની કમાણીમાં ભાગ પડાવી જાય છે. હિન્દીમાં ડબ થયેલી સફળ હોલિવૂડ ફિલ્મોમાં Mufasa: The Lion King, Deadpool and Wolverine, Godzilla x Cong: The New Empire મોખરે છે અને પ્રત્યેકનો વકરો 100 કરોડથી વધારે છે.
આ નવા વર્ષ -2025માં ત્રિપાંખિયો જંગ વધુ તીવ્ર – વધુ રસાકસીપૂર્ણ બની રહેવાનાં એંધાણ છે. 2024માં ત્રણ ફિલ્મમાં સારી સફળતા મેળવનાર નિર્માતા દિનેશ વિજનનું તો માનવું છે કે ‘હિન્દી સિનેમા બહુ જલદી શીખી લેતી ઈન્ડસ્ટ્રી છે અને નવું વર્ષ હિન્દી ફિલ્મમેકરો માટે જબરદસ્ત રહેવાનું છે.’ ‘તમારાં મોંમાં ઘી સાકર, દિનેશભાઈ!’ એવું ઈન્ડસ્ટ્રીએ સાગમટે એમને કહ્યું હશે.
દિનેશ વિજનના વિઝન (દૂરદર્શિતા) એવા ભવિષ્ય કથનમાં વિશ્વાસ રાખી શકાય, કારણ કે 2024માં એમની ત્રણ ફિલ્મ (સ્ત્રી-2, મુંજ્યા અને તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા) બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી. પોતાના કથનના સંદર્ભમાં આ નિર્માતા આગળ જણાવે છે કે ‘આ વર્ષે યશરાજ પ્રોડક્શન્સ, ધર્મા પ્રોડક્શન્સ અને ટી સિરીઝ સહિતની કેટલીક રોમાંચક ફિલ્મ રિલીઝ થવાની છે.’
2025ની મહત્ત્વની હિન્દી ફિલ્મો છે ‘સ્કાય ફોર્સ’ (અક્ષય કુમાર), ‘લાહોર 1947’ (સની દેઓલ – રાજકુમાર સંતોષી), ‘ઇમરજન્સી’ (કંગના રનૌટ), ‘છાવા’ (વિકી કૌશલ), ‘સિકંદર’ (સલમાન ખાન), ‘જોલી એલએલબી-3’ (અક્ષય કુમાર), ‘રેડ-2’ (અજય દેવગન), ‘હાઉસફૂલ-5’ (ફ્રેન્ચાઈઝી), ‘વોર-2’ (રિતિક રોશન), ‘બાગી-4’ (ટાઈગર શ્રોફ), ‘દે દે પ્યાર દે 2’ (ટી સિરીઝ), ‘આલ્ફા’ (યશરાજ) વત્તા ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ વગેરે.
અહીં વિષય અને મેકરમાં વૈવિધ્ય છે. કોને કેવો અને કેટલો આવકાર મળે છે એ અને નિર્માતા દિનેશ વિજયનની વાણી સાચી ઠરે છે કે નહીં એ તો પ્રેક્ષક માઈબાપ નક્કી કરશે. હિન્દી ફિલ્મોને ટક્કર આપવા સાઉથની હિન્દીમાં ડબ થઈ આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મો ધ્યાન ખેંચે એવી છે. જોકે, દરેકને ‘પુષ્પા-2’ જેવી સફળતા મળે એ જરૂરી નથી. સાચું પૂછો તો સાઉથમાં પણ અણઘડ ફિલ્મો બને છે અને સુપરફ્લોપ જાય છે. કઈ ફિલ્મના નસીબમાં કેટલી કમાણી લખી છે એનો અંદાજ નિર્માતા કે પછી દિગ્દર્શકને પણ નથી હોતો. હિન્દી ફિલ્મ જોતા દર્શકોને આકર્ષવા આવી રહેલી હિન્દીમાં ડબ થનારી પહેલી ફિલ્મ છે રામ ચરણ અભિનીત ‘ગેમ ચેન્જર’. આ ફિલ્મમાં ‘આરઆરઆર’નો હીરો આઈએએસ ઑફિસરના રોલમાં છે અને હીરોઈન છે કિયારા અડવાણી. બીજી છે સત્યઘટના પર આધારિત નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ‘ઠંડેલ’. ત્રીજી છે મણિરત્નમ – કમલ હસનની ‘ઠગ લાઈફ.’ 38 વર્ષ પછી મોટું નામ ધરાવતા ડિરેક્ટર – એક્ટર સાથે થયા હોવાથી કુતૂહલનો પાયો તો નખાઈ જ ગયો છે.
આ ઉપરાંત , છે રજનીકાંતની ‘કુલી’. જોકે, એમની અમિતજી સાથેની છેલ્લી ફિલ્મ (વેટ્ટેયન) ફ્લોપ થઈ હતી. ‘કેજીએફ ચેપ્ટર 1-2’ના હીરો યશની ‘ટોક્સિક: આ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ વિશે પણ ઉત્સુકતા રહેવાની. કુતૂહલ જન્માવી શકે એવી અન્ય ફિલ્મ છે ‘કાંતારા: ચેપ્ટર-1’. રિષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રિક્વલ માટે પણ દર્શકોમાં આતુરતા હોવાની સંભાવના નકારી ન શકાય.
હવે હોલિવૂડ પર નજર નાખીએ.આ વર્ષે રિલીઝ થનારી હોલિવૂડ ફિલ્મોની યાદી પર નજર નાખવા જેવી છે.Avatar: Fire and Ash, Mission: Impossible – The Final Reckoning, Captain America: Brave New World, Karate Kid: Legends, Jurassic World Rebirth, Superman, The Fantastic Four: First Steps and The Conjuring: Last Rites
આ ફિલ્મોનાં નામ પરથી ખ્યાલ આવે છે કે મોટાં માથાં (સ્ટીવન સ્પીલબર્ગ, જેમ્સ કેમરુન, ટોમ ક્રુઝ વગેરે) સંકળાયેલા છે અને મુવીમાં સિક્વલ અથવા સ્પિન – ઑફની ભરમાર છે.
હિન્દી ફિલ્મના અભ્યાસુની દલીલ ધ્યાનમાં લેવા જેવી અને સમજવા જેવી છે. લેખકનું કહેવું છે કે ‘ભારતની પ્રાંતીય ભાષાઓમાં ફિલ્મ ડબ કરવાનું મહત્ત્વ હોલિવૂડના સ્ટુડિયો સમજી ગયા છે. આ ડબ કરેલી ફિલ્મોથી સ્ટુડિયોને આવક તો થાય જ છે, સાથે સાથે ભારતમાં હોલિવૂડની ફિલ્મોના દર્શકોનો વિસ્તાર પણ થાય છે. અંતે એમાં હિત તો વિદેશી ફિલ્મોનું જ જળવાય છે.’
2024ના ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ‘મુફસા: ધ લાયન કિંગ’ એનું તાજું ઉદાહરણ છે. 5 ડિસેમ્બર સુધીમાં આ ફિલ્મ ભારતમાં 131 કરોડનું કલેક્શન મેળવી શકી હતી, જેમાં હિન્દીમાં ડબ થયેલા વર્ઝનને ફાળે 44 કરોડ આવ્યા હતા જ્યારે મૂળ અંગ્રેજી ફિલ્મનો વકરો હતો 42 કરોડ રૂપિયા!