અધૂરી થીગડાં મારેલી ફિલ્મો!

- મહેશ નાણાવટી
વાત 1979ની છે. એનઆઈડીની એક ટીમ મુંબઈની આઈઆઈટી ઉપર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટે મુંબઈમાં આવી છે. એક સાંજે પવઈના આઈઆઈટી કેમ્પસમાં શૂટિંગ વહેલું પતી ગયું હોવાથી એમણે એકાદ ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.
ટેક્સી લઈને ટીમવાળા એક થિયેટર પાસે પહોંચે છે અને ટીમમાં આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા એનઆઈડીના સ્ટુડન્ટને પૈસા આપીને કહે છે, ‘આ ફિલ્મની ચાર ટિકિટો લઈ લો!’
સ્ટુડન્ટ ગુંચવાયો છે. ‘સર, આ ફિલ્મ? આ તો બહુ વાહિયાત પિકચર લાગે છે!’ હાસ્તો? વાત જરાય ખોટી નહોતી. ફિલ્મનું નામ હતું ‘સરકારી મહેમાન’ (તમે પણ નથી સાંભળ્યું ને, આ નામ?) થિયેટર ઉપર જે બેનર લાગ્યું હતું એ જોઈને જ લાગતું હતું કે આ કોઈ ફાલતુ ટાઈપનું પિકચર છે.
એ ફિલ્મમાં વિનોદ ખન્ના અને અમજદ ખાન હતા એ સાચું, પણ એ સમયે વિનોદ ખન્ના પેલા પ્રખ્યાત ગુરુ રજનીશજીના પ્રભાવમાં આવીને, ‘સંન્યાસી’ બનવા માટે અમેરિકાના ઓરેગન રાઉન ખાતે આવેલા ભવ્ય આશ્રમમાં જતા રહ્યા હતા!
એટલું જ નહીં, હિન્દી ફિલ્મો જોનારા જાણતા હતા કે વિનોદ ખન્ના અચાનક એ રીતે ‘ગુડબાય’ કરીને જતો રહ્યો હતો કે અમુક ફિલ્મોનાં શૂટિંગો રઝળી પડ્યાં હતાં. આ ‘સરકારી મહેમાન’ એમાંની જ એક ‘રઝળેલી’ ફિલ્મ હતી!
‘સર, આ મુવી શા માટે જોવી છે?’ એવા સવાલના જવાબમાં એમઆઈડીનો બે ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે ‘આમાં ‘એડિટિંગ’નું કામ જોવાનું છે!’
જી હા, જે ફિલ્મનો હીરો જ વચ્ચેથી ગાયબ થઈ ગયો હોય તેવી અડધી પડધી ફિલ્મને ‘સાંધા જોડીને’ જોવાલાયક શી રીતે બનાવવી? એ કરામત એ સમયના જાણીતા એડિટર ‘આઈ એમ કુન્નુ’ની હતી!
બેશક ફિલ્મમાં લોચા-લાપસી હતા… છતાં વિનોદ ખન્નાની ‘પીઠ’ બતાડીને
(યાને કે ડુપ્લિકેટ એક્ટરનો ઉપયોગ કરીને) અથવા વારંવાર વિનોદ ખન્ના ‘સાંભળી
રહ્યો છે’ એવો ક્લોઝ-અપ વચ્ચે વચ્ચે મૂકીને આખી સ્ટોરી (જેમ તેમ કરીને) પૂરી તો
કરી હતી!
જ્યારે કોઈ મુખ્ય કલાકાર આ રીતે ગાયબ થઈ જાય અથવા મૃત્યુ પામે ત્યારે બિચારો પ્રોડ્યુસર બહુ ખરાબ રીતે ફસાઈ જતો હોય છે. ન તો એ ફિલ્મને પૂરી કરી શકે કે ન તો બીજા એક્ટરને લઈને બધું એકડે એકથી શૂટિંગ કરી શકે. આવે વખતે આઈ એમ કુન્નુ જેવા એડિટરોનો કસબ કામમાં આવે, જેથી બિચારો પ્રોડ્યુસર પોતાના થોડા ઘણાં પૈસા પાછા કાઢી શકે.
1986માં રિલીઝ થયેલી ‘લવ એન્ડ ગોડ’ ફિલ્મનો તો કિસ્સો બહુ જ અટપટો છે. જેમણે ‘મુગલ-એ-આઝમ’ બનાવી હતી તે દિગ્દર્શક કે. આસિફ લૈલા- મજનુંની કહાણી ઉપરથી ભવ્ય ફિલ્મનું નિર્માણ કરવા માગતા હતા. એમણે છેક 1963માં ગુરુ દત્ત અને નિમ્મીને લઈને શૂટિંગ શરૂ કરેલું, પરંતુ 1964માં ગુરુ દત્તનું અચાનક અવસાન થઈ ગયું. ફિલ્મ અટકી પડી. એના છ વરસ પછી સંજીવ કુમારને લઈને 1970માં એકડે એકથી ‘લવ એન્ડ ગોડ’ બનાવવાની શરૂ કરી, પરંતુ 9 માર્ચ 1971માં ખુદ કે.
આસિફનું મૃત્યુ થયું. આમ તો આ ફિલ્મને પૂરી કરવી હોય તો કોઈ બીજા દિગ્દર્શકને કામ સોંપવું જોઈએ, પરંતુ સંજોગોવશાત એવું થઈ શક્યું નહીં.
આખરે 15 વરસ પછી કે.સી. બોકાડિયા, જે પોતે ડિસ્ટ્રિબ્યુટર પણ હતા, એમણે બીડું ઝડપ્યું. ત્રણ ત્રણ અલગ સ્ટુડિયોમાં પડેલી નેગેટિવો ભેગી કરીને એમાંથી ઉપયોગમાં લઈ શકાય એવી સામગ્રીને ‘કટિંગ-પેસ્ટિંગ’ કરીને, અમુક દૃશ્યો બનાવી શકાયાં. ત્યાર બાદ થોડું નવું શૂટિંગ ઉમેરીને કે.સી. બોકાડિયાએ 1986માં રિલીઝ કરી હતી!
આ ફિલ્મે બે કારણસર થોડી હવા જમાવી હતી. એક તો, કે. આસિફ ‘લવ એન્ડ ગોડ’ બહુ ભવ્ય રીતે બનાવી રહ્યા હતા એ વાત તો સિનેમાપ્રેમીઓ જાણતા જ હતા, ઉપરથી 1985માં સંજીવ કુમારનું મૃત્યુ થયું. આ બે વાતનો ફાયદો મળવાને કારણે જે કુતૂહલ પેદા થયેલું તેથી પ્રેક્ષકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ગયા હતા, પણ સરવાળે નિરાશ થયા કેમ કે ફિલ્મમાં રીતસર ‘થીગડાં’ જ હતાં!
જોકે થીગડું ચાલાકીપૂર્વક મારવામાં આવે તો કમસે કમ ફિલ્મ ‘જોઈ શકાય’ એવી તો બને છે. આનો એક નમૂનો સંજીવકુમારની જ એક ફિલ્મ ‘પ્રોફેસર કે પડોસન’નો છે.
એનું શૂટિંગ તો 1980થી
શરૂ થયેલું પણ કોઈ કારણસર
વચમાં લટકી પડેલું, જ્યારે 1985માં સંજીવકુમાર ગુજરી ગયા ત્યારે પ્રોડ્યુસર પાસે લગભગ 75 ટકા જેટલું મટિરિયલ તૈયાર
હતું. એ પછી શું થયું? એ વાત મજેદાર છે….
એ પછી ફિલ્મની ‘સ્ટોરી’માં ફેરફાર કરવામાં આવ્યા. સંજીવકુમારના પાત્રને ‘અદૃશ્ય’બનાવી દેવામાં આવ્યું! માત્ર અવાજ સંભળાય, પણ દેખાય નહીં! (કોમેડી હતીને? ચાલી જાય!) રસપ્રદ વાત એ પણ ખરી કે સંજીવકુમારના અવાજનું ડબિંગ ખ્યાતનામ સુદેશ ભોંસલેએ કર્યું હતું.!
જો નવી ફિલ્મોની વાત કરીએ તો ‘હેરાફેરી,’ જેને આજે લોકો ‘કલ્ટ કોમેડી’ કહે છે તે ‘અધૂરી’ બની હતી! મામલો એવો હતો કે કોઈ અણબનાવને કારણે કે પછી કોન્ટ્રાક્ટની શરત હશે, પણ દિગ્દર્શક પ્રિયદર્શને ફિલ્મ તો આખી બનાવીને આપી દીધી પણ એમાં ગાયનો જ નહોતાં!
આપણ વાંચો: ખરાબ સમય ઝાઝો ટકતો નથી… હા, આપણે પકડી રાખીએ એ જુદી વાત છે!
એ વખતે થોડી ખબર હતી કે આ તો સુપરહિટ થવાની છે? એટલે પ્રોડ્યુસર અં.જી. નડિયાદવાલાએ એમાં છ ગાયન નવેસરથી બનાવડાવીને ઉમેર્યાં હતાં! પછી તો સૌ જાણે છે એમ ‘દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે…’ વાળી આ માત્ર સાડા સાત કરોડમાં બનેલી ફિલ્મે ત્રણ ગણો વકરો કર્યો હતો!
બાકી, ગમે તેમ થાગડ-થીગડ કરીને રિલીઝ થયેલી ફિલ્મનો લેટેસ્ટ નમૂનો હતી
‘લેડી કિલર’! અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર પોતાનું મોં પણ ન બતાડી શકે એટલી
હદે અધૂરી, સાંધા જોડેલી અને વેરવિખેર ફિલ્મ 2023માં આવી હતી. એનો
માત્ર 38000 રૂપિયાનો વકરો એટલા માટે થયો હતો કે છેતરાઈ ગયેલા
ટિકિટ ખરીદનારાઓએ કદાચ સોશિયલ મીડિયામાં એના રિવ્યૂ વિશે કશું જાણતા જ નહોતા!