મેટિની

તું રૂપ કી રાની મૈં ચોરો કા રાજા!

બે સેકસી અભિનેત્રી અને એક આશિક અપરાધી વચ્ચે તિહાર જેલ અને જાહેરમાં આકાર લેતી આ ફિલ્મી સ્ટાઈલની ક્રાઈમ-કથાની રોમાંચક ‘સિઝન-ટુ’ શરૂ થઈ ગઈ છે…!

ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી

નોરા ફતેહી ,સુકેશ-જેકલિન

કોઈ પણ હિન્દી ફિલ્મના દર્શકોને બોકસ ઑફિસ સુધી ખેંચી લાવે એવું આ લોભાવનારું ટાઈટલ છે. સ્ટોરીલાઈન – કથાવસ્તુ પણ રહસ્ય-રોમાંચથી કમ નથી. જો કે આ માત્ર ફિલ્મી કથા નથી-એક નક્કર હકીકત છે, કારણ કે અહીં જે રાનીની વાત છે એ મદહોશ કરી નાખે એવી બોલીવૂડની બે એકટ્રેસ છે. આ બન્ને સેકસી અભિનેત્રી સાથે જેનું નામ ગાજે છે એ પણ કુછ્ કમ નહીં… રૂપિયા ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગના અપરાધમાં અટવાઈને એ ‘ચોરો કા રાજા’ અત્યારે દિલ્હીની તિહાર જેલમાં ખરા અર્થમાં આરામ ફરમાવી રહ્યો છે.

આવો ચોર અને બે રૂપાળી લલના વચ્ચે ફિલ્મી ભાષામાં વાત કરીએ તો આ વર્ષના આરંભથી એક દિલચશ્પ ‘ઢિશુમ…ઢિશુમ’ ચાલી રહ્યું છે અને અત્યારે વેબ સિરીઝની ભાષામાં કહીએ તો એ કથાની ‘સિઝન -ટુ’ પણ શરૂ થઈ ગઈ છે..!

વાત થોડી અલપ-ઝલપ સાથે ફ્લેશબેકથી કરીએ તો પેલી બે રાણીનો આપણે જે ઉલ્લખ કર્યો એમાંથી એક છે મૂળ શ્રીલંકાની જેકલિન ફર્નાન્ડિસ અને બીજી છે કુશળ ડાન્સર- અભિનેત્રી એવી મૂળ કેનેડાની નોરા ફતેહી,જ્યારે એ બન્નેને પોતાના પ્રેમમાં પાડનારો છેએક અઠંગ અપરાધી સુકેશ ચન્દ્રશેખર …

સુકેશ ચન્દ્રશેખરની ક્રાઈમ કૂંડળી બડી જમાવટવાળી છે. જો એની ગુનાખોરીની મોડસ ઑપરેન્ડી (કાર્ય પદ્ધતિ) જાણવી હોય તો પોલીસ ચોપડે નોંધાયેલી એની અપરાધકથાઓ જરૂર જાણી લેવા જેવી છે…

આમ તો સુકેશ દેખાવે રાબેતા મુજબ કોઈ સાઉથ ઈન્ડિયન લાગે. દક્ષિણ ભારતીય જેવો જ ઘટ્ટ ઘઉંવર્ણો વાન. હા, એની જબાનમાં એવો જાદુ છે કે વાત શરૂ થાય તે ત્યાંથી લઈને વાત પૂરી થાય ત્યાં સુધી એ તમને એની વાતથી ઝકડી રાખે એવો વાક્ચાતુર્યમાં એ એક્કો છે.

કાળાં નાણાંની હેરાફેરી કરી એને કોઈ રીતે પણ કાયદેસર બનાવવાની પ્રક્રિયા ‘મની લોન્ડરિંગ’ તરીકે ઓળખાય છે. આવા ગેરકાયદે સોદામાં તમારે પહેલી વારમાં જ શિકારને લપેટમાં લઈ લેવો પડે. સુકેશ ચન્દ્રશેખરે આવા ૯૦થી વધુ કેસમાં સંડોવાયો હતો અને હજુ પણ છે અને એ બધા એની મીઠી જબાનના શિકાર છે.

મૂળ બેગ્લુરુનો આ ૩૩ વર્ષી સુકેશ બહુરૂપિયો છે.પોતાની આઈડેન્ટિટી- ઓળખ બદલવામાં પાવરધો છે. જેવો શિકાર એ મુજબનો એ શ્ર્વાંગ સજે. મોટેભાગે પોતાની ઓળખ એક સફળ બિઝનેસમેન તરીકે આપતો. પોતે મોટા રાજકારણીઓથી માંડીને જાણીતા ફિલ્મ કલાકારો તેમજ સમાજના નામી લોકો સાથે અચ્છો ઘરોબો ધરાવે છે એવી વાતથી સામાવાળાને પ્રભાવિત કરી લેતો. એ જરૂર પડે ત્યારે પોતાની ઓળખ તમિળનાડુના પૂર્વ મુખ્ય મંત્રી કરુણાનિધિના પુત્ર તરીકેથી માંડીને આન્ધ્રના સદગત મુખ્ય મંત્રી વાયએસઆર રેડ્ડી- કરુણાકરણ અને પોતાને રાજકારણી જયલલિતાના ભાણેજ તરીકે પણ ઓળખાવતો!

જો કે સુકેશ બીજા ચાલબાજ જેવો સાવ ફેંકું પણ ન હતો. એ અમુક સાથે ખરેખર સારા સંબંધ પણ ધરાવતો એની કેરિયરનો સર્વપ્રથમ તગડો શિકાર તમિળનાડુના વરિષ્ઠ નેતા ટીટીવી દિનાકરણ હતા. ‘પોતે ચૂંટણી કમિશ્ર્નર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે,જે દિનાકરણના પક્ષને આગામી ચૂંટણી જીતાડવામાં મદદરૂપ બનશે ’ એવું એમના દિમાગમાં ઠસાવીને સુકેશે ‘ખર્ચ’ પેઠે બે-ત્રણ ટુકડામાં રૂપિયા ૫૦ કરોડની જંગી રક્મ સરકાવી લીધી હતી! જો કે, પાછળથી એ ઝડપાયો ને તિહાર જેલમાં ધકેલાઈ ગયો. ત્યાં પણ સુકેશે એવી જમાવટ કરી હતી કે જેલમાંથી એ જાતભાતના ચક્કર ચલાવીને તગડી ખંડણી વસૂલ કરતો!

જેની કિંમત કુલ રૂપિયા ૨૮ કરોડની ગણાય એવી નવેક વૈભવી કારનો કાફલો ધરાવતો સુકેશ આડેધડ ખર્ચ કરવાનો વિલાસી શોખીન હતો. તિહાર જેલમાં હતો
ત્યારથી એ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસના પ્રેમમાં પડી ગયો હતો. જેલમાંથી જેકલિનનો સંપર્ક કરવામાં સફળતા ન મળી ત્યારે આડકતરી રીતે પોતાની ઓળખ સાઉથના વિખ્યાત ટીવી ચેનલ ‘સન’ના માલિક પરિવારના વારસ તરીકે આપીને એણે ટૂંક સમયમાંજ જેકલિનને પટાવી લીધી.ક્રમશ: એની સાથે વધુ નિકટ આવ્યા પછી સુકેશ જેલમાંથી જેકલિન પર કેવી કેવી લાખો-કરોડોની મોંઘી ભેટ-સોગાદ ન્યોછાવર કરતો હતો એની વાત પણ જાહેરમાં જોરશોરથી ચર્ચાવાની શરૂ થઈ ગઈ..

એ પછી આ કહાની મેં ટિવસ્ટ’ એ આવ્યો કે જેકલિન – સુકેશના કહેવાતા હુંફાળા સંબંધમાં અચાનક સેક્સી ડાન્સર- અભિનેત્રી નોરા ફતેહીનું નામ ઉછળ્યું. એની સિનિયર કહેવાય એવી જેકલિને અનેક ફિલ્મોમાં હિરોઈને તરીકે ભૂમિકા ભજવી છે. (‘રામસેતુ’ – ‘ભૂત પોલીસ’ ઉપરાંત કિક – રેસ – હાઉસફૂલ- ડ્રાઈવ, ,વગેરે…) એની સરખામણીએ નોરાના નામે અભિનેત્રી તરીકે ઓછી ફિલ્મો છે,પણ હોટ ડાન્સર અને પરફોર્મર તરીકે વધુ જાણીતી છે. (‘સાકી સાકી’ – ‘દિલબર’ (રીમિક્સ) અને ‘નાચ મેરી રાની’ સુપર હીટ ગણાય છે) દિલફેંક સુકેશએ ડાન્સર નોરાને પણ અનેક મોંઘી ભેટ પહોંચાડી ત્યાર પછી નોરા સાથે પણ સુકેશ હૂંફાળા સંબંધ ધરાવે છે એવી વાતો પણ વહેતી થઈ ગઈ…

જેકલિન બે- અઢી વર્ષથી સુકેશના ગાઢ પરિચયમાં હતી ત્યારે એણે જાહેરમાં કહ્યું છે કે ‘મને મારા સપનાનો રાજકુમાર મળી ગયો!’ પાછળથી સુકેશના કહેવાતા અપરાધ વિશે જાણતી થઈ અને જે રીતે એ પણ કાયદાની ચુંગાલમાં સંડોવાઈ ગઈ પછી જેકલિન કહે છે કે સુકેશને લીધે મારી કરિયર રોળાઈ ગઈ છે! બીજી બાજુ, નોરા કહે છે : ‘હું સુકેશને કયારેય રૂબરૂ મળી નથી. એક એજન્ટના કહેવાથી સુકેશની સંસ્થાના ચેરિટી શોમાં મેં ડાન્સ કર્યો હતો. આ કારણે સુકેશના પરિચયમાં આવી અને બે – ચાર વાર વોટ્સ ઍપ કોલ પર અમારે વાત થઈ હતી ધેટ્સ ઓલ..!’

આવું જાહેર કરનારી નોરા આપણને એનો ફોડ નથી પાડતી કે સુકેશ એના પર શા માટે એવો ફિદા થઈ ગયો કે એણે મોરોક્કોમાં બંગલો લેવાથી માંડીને ‘બીએમડબ્લ્યુ’ જેવી વૈભવી કાર સહિત નોરાને કરોડો રૂપિયાની ભેટ આપી,જેને નોરાએ એ હોશે હોશે સ્વીકારી પણ લીધી હતી! આમ વારાફરતી જેકલિન અને નોરા સાથેનાં હૂંફાળા સંબંધ (લફરાં વાચો!)ની ‘ખાનગી’ વાત ખલ્લેઆમ જાહેરમાં ચર્ચાતી રહી છે. એ બન્નેને આ આશિક અપરાધીએ લાખો રૂપિયાની કિમતી ભેટ તેમજ કડકડતી કરન્સીમાં રોકડ રકમ આપી હોવાની વાતની વાત પણ કોઈથી છાની નહોતી એટલે નોરા અને જેકલિનને કાળાં નાણાંની હેરાફેરી -આર્થિક ભ્રષ્ટાચાર, ઈત્યાદિની તપાસ માટે ‘ઈડી’ (ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ તપાસ આદરી.. કેટલાય દિવસો સુધી કલાકોના કલાકો સુધી એ બન્ને લલનાઓની સીધી-ઊલટી તપાસ થઈ, જેમાં સુકેશ તરફથી એમને મળેલી મોંઘી ભેટની વાત પણ બન્નેએ સ્વીકારી લીધી આ ઘટનાક્રમ પછી આશિક અપરાધી સુકેશ ચન્દ્રશેખરે જ જાતે જબરો ધડાકો કરતાં સ્વીકારી લીધું છે કે એ અને જેકલિન બન્ને ખરેખર પ્રેમમાં હતા,પણ એની બીજી ફ્રેન્ડ નોરાને એના જેકલિન સાથેના મધુર સંબંધની ઈર્ષા આવતી હતી એટલે નોરા વારંવાર સુકેશને ફોન કરીને જેકલિન સાથેના પ્રેમ સંબંધ તોડી નાખવા ઉશ્કેરતી રહેતી…

આ બધા વચ્ચે જેકલિન- સુકેશના ખરા અર્થમાં હોટ – ઉત્તેજક કહી શકાય એવી ફાઈવ સ્ટારના માહોલમાં ઝડપેલી ઢગલાબંધ તસવીરો સોશિયલ મીડિયા અને અખબારોમાં પ્રગટ થવા માંડી ત્યારે સુકેશ તો તિહાર જેલમાં હતો તો એ તસવીરો ક્યાં અને કયારે શૂટ થઈ અને જે રીતે જેલમાંથી જેકલિન અને નોરા સાથે સુકેશ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતો એ સગવડ એને કેવી રીતે મળતી હતી એ બધી વાતના ખુલાસા પણ જેલવાળાએ પણ હજુ સુધી કર્યા નથી…!

બીજી તરફ, સુકેશ જેવા અપરાધી સાથે પોતાનું નામ ખોટી રીતે ઉછાળવા માટે નોરાએ સુકેશની કહેવાતી પ્રેમિકા જેકલિન પર રૂપિયા ૨૦૦ કરોડનો બદનક્ષી દાવો ફટકાર્યો છે. આમ એક ગુનેગારને લઈને આ બન્ને બૈરા જાહેરમાં બાધ્યાં પણ છે..!

આવી રોમાંચક કથામાં હવે ફરીથી એક જબરો ટ્વિસ્ટ આવ્યો છે,જેને ટીવીની ભાષામાં કહીએ તો આ ત્રણ નમૂનેદાર પાત્રોની ‘વેબ’ સિરીઝની ‘સિઝન-ટુ ’ પણ હમણાં શરૂ થઈ ગઈ છે…

સુકેશ ચન્દ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં જેનું નામ પણ ઉછળ્યું છે અને ‘ઈડી’ના ઊલટતપાસ પછી જેને જામીન મળેલી એ જેકલિન ફર્નાન્ડિસે થોડા દિવસ પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે કે સુકેશે એને મની લોન્ડરિંગના કેસમાં ખોટી રીતે સંડોવી દીધી છે માટે પોતાની સામેના આ કેસ પડતો મૂકવામાં આવે…

આ વાત બહાર આવતા જ તિહાર જેલમાં બેઠેલો આરોપી-અપરાધી સુકેશ ચન્દ્રશેખર એવો ગિન્નાયો કે પોતાને ડેવિલ -‘રાક્ષસ’ ગણાવીને પોતાની કહેવાતી પ્રેયસી જેકલિનને ગયે અઠવાડિયે એક પત્ર લખીને જાહેરમાં ધમકી આપી છે કે ‘હવે તારા ઢોંગ આ બધા ઢોંગ બંધ કર…અત્યાર સુધી તારા બચાવ માટે હું ચૂપ રહ્યો,પણ હવે આપણા સંબંધની બધી જ ખરી વિગતો હું પ્રગટ કરી દઈશ…તારા ફોરેન કનેકશન્સ’ (એટલે કે જેકલિને વિદેશમાં કરેલી બે-નંબરી કમાણી અને નાણાંની લેતી-દેતી !) પણ જાહેરમાં ખુલ્લા પાડી પાડીશ..!’

આ ધમકીની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી જેકલિને આપી નથી, પણ ‘ઈડી’વાળા જો સુકેશના અક્ષેપોને ગંભીરતાથી લઈને સુકેશને વધુ ‘ખોદે’ તો જે નવી માહિતી મળશે એનાથી જેકલિન કાયદાની ચુંગાલમાં વધુ ફસાઈ જવાની…

બીજા શબ્દોમાં કહીએ તો જેકલિન-સુકેશ-નોરાની જેવાં આ ત્રણ ભેદી પાત્રોની કહાણીની રોમાંચક ‘સિઝન-ટુ’
સુપરહીટ જરૂર પુરવાર થશે એ નક્કી….! (સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button