આજની ટૂંકી વાર્તા : ડૂલરું | મુંબઈ સમાચાર

આજની ટૂંકી વાર્તા : ડૂલરું

શું કામ મારી જિંદગી બગાડી? તમારી ઈ સગલી વગર નો’તું જિવાતું તો શું કામ મને લાવ્યા? થઈ ગયા હોય મોટા વિજાણંદ તો લઈ આવોને મસાણમાંથી.

  • હેમંત ગોહિલ

અનિલ આગળ ચાલતો હતો. ડિસેમ્બર મહિનો હતો. જામતા શિયાળાની ઊઘડતી સવાર હતી. ઠંડી ચારે તરફ વેરાયેલી હતી. ઠંડી જેવો ફુત્કાર ક્યારેક પાછળ ચાલ્યા આવતા પ્રો. સાહેબના મુખમાંથી નીકળી જતો.

‘મફલર લીધું હોત તો ઠીક રહેત, કેમ સાહેબ?’

‘ચાલશે.’ પાછળ હાથ જોડી ચાલતા પ્રો. સાહેબે હાથ છોડ્યા. બંને હથેળીઓ ઘસી. ગરમ હથેળીનો ગરમાવો દાઢીવાળા ગાલ સાથે પણ ચોંટાડ્યો. આ ક્રિયાથી જાણે ઉષ્માનો સંચાર પોતાનામાં થયો હોય તેમ મલક્યા.

‘અને તો જ ગામડાની ખરી મઝા માણી શકાયને!’

‘એય ખરું’ અનિલ હળવું હસ્યો. તે આગળ જતી કેડી ઉપરથી આડો ફંટાયો. એક ખેતરને શેઢે ચડ્યો.

‘જરા સંભાળીને સાહેબ.’

‘કેમ?’ પ્રો. સાહેબ ઝબક્યા.

‘આ ઝાળાં- ઝાંખરાં… વીંછી, કાંટો… જરા સંભાળીને પગ મૂકવા.’

‘હા… એ ખરું’ પ્રો. સાહેબ હસ્યા. એમનું એ હાસ્ય વીંછી-કાંટાને વાગી શકે એવું ધારદાર હતું! અનિલને અત્યારે તેનો અણસાર સરખો ન આવ્યો. એ ઉતાવળા ડગ નહોતો માંડતો, પરંતુ પ્રો. સાહેબની ગતિ ધીમી થઈ ગઈ હતી તેથી બંને વચ્ચે અંતર વધ્યું હતું.

પ્રો. સાહેબ વિશાળ શેઢાને તાક્તા જાળવીને પગ માંડતા હતા. ઢીંચણ સુધી ઘાસનાં તણખલાં અથડાઈ જતાં હતાં. જવાશિયાના કાંટા સહેજ દર્દ આપી ભાંગી જતા હતા. આડા-અવળા ઊગી ગયેલા ખીજડિયા તેમનો પરિચય આછો ઉઝરડો કરીને આપતા હતા. અનિલનું ધ્યાન ન હોય ત્યારે તે ઉઝરડા ઉપર હાથ ફેરવી લેતા.

એક પછી એક શેઢા બદલાતા ગયા. ખેતરો બદલાતાં ગયાં. વાતો થતી રહી. આ પ્રદેશમાં કેવા કેવા પાક થાય, પાકનું ઉત્પાદન કેટલું થાય? પાણીની અછત, જમીનના ભાવ, ખેતરના શેઢા આટલા બધા વિશાળ રાખવા પાછળનાં કારણો વગેરે વગેરે.

અનિલ પ્રો. સાહેબને સમજાવતો રહ્યો. તેની ગામઠી છતાં વિદ્વત્તાભરી જબાન પ્રો. સાહેબની ચશ્માંની ઘેરાયેલી આંખમાં સંતોષનો ભાવ જન્માવી શકતી. ફળદ્રુપ ખેતરના જેવી પ્રો. સાહેબની વિશાળ જિજ્ઞાસાવૃત્તિ ગમે તે ઘડીએ પ્રશ્ન ઉગાડી શકે એ વાતથી તે વાકેફ હતો. તેથીસ્તો તે સતર્ક રહેતો.

આમ તો ઘણા સમયથી પ્રો. સાહેબ અનિલના ગામડે આવવાનું કહેતા. ગામડાની હવાનો આનંદ માણવા એમનું મન ઉત્સુક રહેતું, પરંતુ દરેક વખતે કોઈ ને કોઈ અવરોધ તેમને અહીં આવતાં અટકાવી દેતો.

ગયા શિયાળામાં તો ખુદ અનિલ જ સામેથી પ્રો. સાહેબને તેડવા ગયો હતો,

પરંતુ-

પરંતુ તે બારણું ખોલ્યા વગર જ છેક પ્રો. સાહેબના ઘરેથી પાછો વળી ગયેલો.

અંદર શીલાબહેન તાડૂકતાં હતાં- ‘તમે મને સાવ મૂરખી નહીં માનતા, સમજ્યા?’

‘સાચું થોડું કોઈને કહેવાય?’ પ્રો. સાહેબે કટાક્ષ કર્યો.

‘ન જ કહેવાયને.’ બોલી નાખ્યા પછી કાંઈક ભૂલ કરી હોય એવું ભાન થતાં શીલાબહેન પાછાં બરાડ્યાં:

‘હેં! શું કીધું? સાંભળી લ્યો, આ બધાં તમારાં કાગળિયાં બાળી દઈશ, સમજ્યા?’

‘તે બાળી દેને, હવે શું બાકી છે?’ પ્રો. સાહેબની હતાશા સાફ સંભળાતી હતી.

શીલાબહેનનો રુદનમાં ફેરવાઈ જતો અવાજ હજી આવતો હતો. ‘શું કામ મારી જિંદગી બગાડી? તમારી ઈ સગલી વગર નો’તું જિવાતું તો શું કામ મને લાવ્યા? થઈ ગયા હોય મોટા વિજાણંદ તો લઈ આવોને મસાણમાંથી.’

‘શીલા’ પ્રો. સાહેબનો પડછંદી અવાજ બારણા બહાર ઊભેલા અનિલને પણ ધ્રુજાવી ગયેલો. કોલેજનું આખું કંપાઉન્ડ પ્રો. સાહેબના એક હાંકોટાથી શાંતિમાં ફેરવાઈ જતું તે તેને યાદ આવેલું.

તેને કોલેજનો ત્રીજો દિવસ પણ યાદ આવી ગયેલો.

વિશ્રાંતિનો સમય પૂરો થઈ ગયો હતો. વિદ્યાર્થીઓ હજી પણ આમતેમ ટહેલતા હતા. જોર જોરથી શોરબકોર થઈ રહ્યો હતો. સીટી… બૂમ… વાતો… અટ્ટહાસ્ય… મશ્કરી…

‘સંભળાતું નથી?’ એક જોરદાર હાંકોટો સંભળાયો. સિંહની ત્રાડ સાંભળીને શિયાળ- સસલાં જેમ ઝાડી-ઝાંખરામાં ભરાઈ જાય તેમ વિદ્યાર્થીઓ વર્ગમાં ઘૂસી ગયા.

એક મિનિટ પહેલાંના શોરબકોરથી છલોછલ કંપાઉન્ડમાં શાંતિ રેલાઈ ગઈ.

આ પરિસ્થિતિથી સાવ અજાણ અનિલ ધીમા પગલે વર્ગખંડ ભણી વળ્યો.

‘ભણવા આવ્યા છો? કુંવર!’ હાકોટો કરનાર માણસે કરડાકીથી પૂછ્યું.

‘જી. પણ ગામડેથી આવું છું. આજે ત્રીજો જ દિવસ છે. અહીં મને અતડું લાગે છે,’ ડરી ગયેલો અનિલ સળંગ બોલી ગયો.

અનિલની આંખમાં આવેલી સચ્ચાઈ પ્રો. સાહેબથી વંચાઈ ગઈ હોય કે પછી ગમે તે પણ તેમનો ગુસ્સો ઠંડો થઈ ગયો.

તેમણે નામઠામ પૂછ્યાં. તેમને અનિલમાં રસ પડ્યો. અનિલની ગામઠી ભાષામાં રસ પડ્યો. અનિલની ભાષામાં માટીની મીઠી સુગંધનો અહેસાસ થયો.

ને ત્યારથી જ પ્રો. સાહેબ સાથેનો વ્યક્તિગત પરિચય થયેલો અને ત્યાર બાદ મિત્રતામાં ફેરવાયો હતો.

અંદર વાસણ અફળાવાના અવાજ સાથે બારણે ઊભેલો અનિલ પાછો સજાગ બની ગયેલો.

શીલાબહેન હજી તાડૂકતાં હતાં.

‘શી ખબર મરી ગઈ છે કે મારી નાખી છે.’

‘શીલા…’ પ્રો. સાહેબનો ફાટી ગયેલો અવાજ આખા ઓરડાને ધ્રુજાવી ગયો. એક જોરદાર થપાટનો અવાજ અને શીલાબહેનનો રાગડો. અનિલ પરિસ્થિતિ પામી ગયો અને ત્યાંથી જ પાછો વળી ગયેલો.

‘આ આપણું ખેતર’ ઘઉંથી લહેરાતા લીલાછમ વિશાળ ખેતર પાસે અનિલ ઊભો રહ્યો.

પ્રો. સાહેબ ખેતર સામે તાકતા ઊભા. ચાસમાં અંકુરિત ઘઉંના ડૂંડાં કતારમાં ઊભેલા. શિસ્તપ્રિય વિદ્યાર્થી જેવાં લાગ્યાં. હવાની હળવી પીંછી પ્રત્યેક ડૂંડાંને તડકાના રંગથી ભરી દેતી હતી. પગથી શરૂ થઈને દૂર દૂર સામા શેઢે જતા ચાસ તો કેવળ લીલાશમાં ફેરવાઈ જતા લાગતા. ચારે તરફ લીલાશનું ઘોડાપુર ઊમટ્યું હતું. કદીયે ન અનુભવ્યો હોય એવો સીમમાંથી આવતી સુગંધનો રોમાંચ પ્રો. સાહેબ માણી રહ્યા.

‘અને આ?’ એક ખાલી ચાસ જોઈ જતાં પ્રો. સાહેબને નવાઈ લાગી. આ શેઢેથી છેક સામેના શેઢા સુધી સાવ ખાલી હતો.

‘એ ડૂલરું છે,’ અનિલે સાવ સહજતાથી કહ્યું.

‘એટલે?’

‘એટલે કે વાવણી વખતે દંતાળના એકાદ ડાંડવામાં કચરો ભરાઈ જાય અને તેમાં બિયારણ ન પડે અને ચાસ ખાલી પડે.’

ખાલી ચાસ… ડૂલરું… પ્રો. સાહેબને એ શબ્દો હૃદય સાથે અથડાતા લાગ્યા. તેમની આંખમાં ભૂતકાળ ઊગી નીકળ્યો- ઘઉંના ડૂંડાની જેમ.

આમ તો પ્રો. સાહેબ કોઈને ત્યાં ટ્યુશન ન કરતા, પરંતુ તે સ્મૃતિને ના ન પાડી શક્યા.

‘તમને વાંધો શો છે?’ સ્મૃતિએ પિરિયડ પૂરો કરીને જતા પ્રો. સાહેબને પૂછેલું.

‘વાંધો?’ ચશ્માંની દાંડી વ્યવસ્થિત કરતાં તેમનાથી આમ જ ઉચ્ચારાયું.

‘તો મારા પપ્પાએ કહ્યું છે કે તમે જ મારા ઘરે આવી ટ્યુશન આપો’ સ્મૃતિ એક જ શ્વાસે બોલી ગઈ.

‘બટ…’

‘બટ… બટ કાંઈ નહીં’ને સ્મૃતિ ચાલી ગઈ. પોતાની આટલી સજ્જડ ધાક વચ્ચે સાવ સહજતાથી વાત કરીને પીઠ ફેરવી ગયેલી સ્મૃતિને પ્રો. સાહેબ જોતા રહ્યા.

ત્રીજા દિવસથી તે સ્મૃતિના ઘરે જવા લાગ્યા. સ્મૃતિના ઘરનો માયાળુ સ્વભાવ તેમને સ્પર્શી ગયો.

આટલી નાની ઉંમરમાં સ્મૃતિની સાહિત્ય વિશેની ઊંડી સૂઝ પ્રો. સાહેબને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દેતી. સ્મૃતિના ફટાફટ બોલી નાખવાના સ્વભાવમાં તેમને ભારોભાર ભોળપણ દેખાતું. સાવ સહજતાથી વેરાતા શબ્દો તેમને કોમળતાના પર્યાય લાગતા.
બોલતી સ્મૃતિને તે જોયા કરતા. સ્મૃતિ બોલવાનું શરૂ કરે અને તે ચૂપ થઈ જાય. સ્મૃતિ સામે મીટ માંડી શકાય કે તેના હોઠની ઝાકળ જેવી ભીનાશ દેખી શકાય, ગમે તે હોય પણ સ્મૃતિ બોલવાનું શરૂ કરે એટલે તે ચૂપ.

‘શું જોયા કરો છો?’ એક દિવસ સ્મૃતિએ પૂછી નાખ્યું.

‘તને.’

‘મને?’

અચાનક પ્રો. સાહેબને પોતાના સ્ટેટસનો ખ્યાલ આવતાં સુધારી લીધું: ‘તને, તારી બોલવાની છટાને. તું દરેક બાબતના કેટલી સરળતાથી જવાબ આપી શકે છે!’ તેમનું પોલાદી હૃદય શી ખબર કેમ ગભરાટ અનુભવવા માંડ્યું.

હવે દિવસે દિવસે સ્મૃતિ વધારે સુંદર લાગતી. કાંઈ પણ કામ વગર પ્રો. સાહેબ તેની સાથે વાત કરવા ઉત્સુક રહેતા. ઓફિસમાં બોલાવતા. વિદ્યાર્થીઓમાં પણ અંદરોઅંદર ચણભણાટ શરૂ થઈ ગયેલો, પણ પ્રો. સાહેબની લોખંડી ધાક સામે સૌ છૂપું હસી લેતા.
ને એક દિવસ તો એ ચણભણાટ વેરાઈ ગયો કંપાઉન્ડમાં તાળીઓનો ગડગડાટ બનીને.

પ્રો. સાહેબે સ્મૃતિ સાથે લગ્ન કરી નાખ્યાં.

દિવસો વર્ષો બનીને ડૂબી ગયા ઉંમરના સરવાળામાં. સ્મૃતિએ ત્રીજે વરસે અંકુરને જન્મ આપ્યો. નખશિખ પ્રો. સાહેબ જેવો, આંખો કેવળ સ્મૃતિ જેવી.

આઠ દિવસ પછી હોસ્પિટલથી ઘરે આવી ગયા. સ્મૃતિ તથા અંકુરની તબિયત સારી હતી. ડૉક્ટરે ઘેર જવા રજા આપી હતી. કાંઈ ચિંતા જેવું નથી તેવી ખાતરી પણ આપી હતી, પણ પ્રો. સાહેબના વર્તનમાં આવી ગયેલું પરિવર્તન સ્મૃતિ પામી ગઈ.

આખો દિવસ સૂનમૂન રહે છે. કોલેજથી આવી ગયા બાદ બારી પાસે ખુરશી નાખી બહારની દુનિયામાં કાંઈક ખોવાઈ ગયું હોય તેમ જોયા કરે છે. ક્યારેક સ્મૃતિની આંખમાં આંખ પરોવીને એવી રીતે જોયા કરે છે કે જાણે હમણાં જ તે આંખોની દૃષ્ટિ પી જશે. એક દિવસ તો સ્મૃતિએ પૂછી નાખ્યું:

‘તબિયત સારી નથી?’

‘એવું બધું.’

‘એટલે?’

‘જવા દે, સ્મૃતિ.’

‘ડૉક્ટરને બતાવીએ.’

‘ડૉક્ટરનું તું નામ પણ નહીં લઈશ, સ્મૃતિ…’ પ્રો. સાહેબને પરસેવો વળી ગયો.

ડૉક્ટર પ્રત્યે આમ અચાનક આવી ગયેલી નફરતથી સ્મૃતિ ચમકી. તેને કાંઈક યાદ આવી ગયું. પણ એવું ન પણ હોઈ શકે એમ માની તેણે પ્રો. સાહેબને ફરી પૂછ્યું:

‘કોલેજમાં તો કોઈ પ્રશ્ન નથીને?’

‘ના.’

‘તો પછી?’

‘સ્મૃતિ…’ પ્રો. સાહેબ અટકી પડ્યા. દરરોજ એમ જ અંત પુનરાવર્તિત થતો. સ્મૃતિ એ રસ્તાનો અંત હોય અને તેના પછી તરત જ ઊંડી ખીણ આવી જતી હોય તેમ પ્રો. સાહેબ આગળ બોલતાં અટકી જતા. આગળ બોલતાં એમની જીભ લોચો થઈ જતી.

‘સ્મૃતિ…’ ચા પીતાં પીતાં આજે તો શરૂઆત જ પ્રો. સાહેબે આ રીતે કરી.

‘શું સ્મૃતિ સ્મૃતિ કરો છો? મને ખબર છે મને કેન્સર છે,’ સ્મૃતિએ ધડાકો કરી નાખ્યો. સાવ સહજતાથી બોલાયેલા તેના શબ્દો પ્રો. સાહેબના હૃદયમાં તેટલી જ કઠોરતાથી ઘૂસી ગયા. આજે પહેલી વાર સ્મૃતિનો ફટાફટ બોલી નાખવાનો સ્વભાવ તેમને લાગણીશૂન્ય કઠોરતાનું રૂપ લાગ્યો. તેમની આંખમાંથી ધારા છૂટી ગઈ. કેટલાય દિવસથી ખાળી રાખેલું ડૂસકું હાથમાંથી છૂટી ગયેલા કપની જેમ છૂટી ગયું.

‘અંકુરના જન્મ વખતે ડૉક્ટરે કરેલી વાતચીત મેં સાંભળી છે. કોઈ માણસ ક્યાં અમરપટો લઈને આવ્યો છે?’ કહેતી સ્મૃતિ તૂટી ગયેલા કપની કરચો ભેગી કરવા લાગી ગઈ સાવ સહજતાથી.

પ્રો. સાહેબ આંખો લૂછતા ઊભા થઈ ગયા. પડદો ખસેડી બારી બહાર જોવા લાગ્યા. બહારની આખી સૃષ્ટિ પોતાના પર હલ્લો કરતી લાગી. બારી બંધ કરી દીધી. બાજુના ઓરડામાં રડતા અંકુર તરફ વળી ગયા.

આ વાતના ઓગણચાલીસમા દિવસે જ સ્મૃતિની કેવળ સ્મૃતિ રહી ગઈ. સ્મૃતિનો દેહ અગ્નિમાં વિલીન થઈ ગયો. નાનકડા અંકુરની નિર્દોષ આંખો કશું જ ન અનુભવી શકી.

જે અનુભવ્યું તે પ્રો. સાહેબે જ.

દિવસો સુધી તે મૂગા રહ્યા. અંકુરનું રુદન તેમને અકળાવી મૂકતું. સ્મૃતિની યાદ રડાવી જતી.

અંકુરની યાચક નજરને લીધે કે પછી અંતરનો ખાલીપો થોડો ઘણો પૂરવા, ગમે તે હોય પણ તેમણે થોડો સમય બાદ શીલા સાથે બીજું લગ્ન કરી નાખ્યું.

શીલા ખરેખ શિલા જ નીકળી!

સાહિત્યથી સાવ વિમુખ શીલાને અભરાઈ પર ગોઠવેલ ચોપડા પસ્તી લાગતા. વાચનને સમયનો બગાડ સમજતી. લેખન એ બિનઉત્પાદક ખોટનો અને નવરાનો ધંધો છે તેમ વ્યાખ્યા કરતી.

ને તેમાંય જ્યારે ઘરે આવેલ કોઈ આંગતુકની સાથે થતી પ્રો. સાહેબની ચર્ચામાં સાંભળવા મળતું કે આ વાર્તામાં ખરેખર તો સ્મૃતિ તરફની પોતાની લાગણી જ ઠાલવી છે ત્યારે તે સમસમી જતી.

‘સાહેબ,’ અનિલ બોલ્યો. પ્રો. સાહેબ ઝબક્યા. ઝળઝળિયું બનીને આંખમાં આવી ગયેલી સ્મૃતિને ચશ્માં કાઢી લૂછી નાખી. તેમણે એક ચાસમાં પોતાની જાતને અમળાતી જોઈ. પડખેના ડૂલરાવાળા ચાસમાં સ્મૃતિ ખાલીપાની ચાદર ઓઢીને સૂતી હોય તેવું ભાસ્યું.

પ્રો. સાહેબને ડૂલરામાં રસ પડ્યો છે એવું લાગતાં અનિલે આગળ ચલાવ્યું:

‘આવડા મોટા ખેતરમાં એકાદ ચાસમાં ડૂલરું પડી પણ જાય, સ્વાભાવિક છે. ઘણી વાર એવું બન્યું હોય ખેતરમાં એકાદ ડૂલરું હોય અને સીઝન લેવાઈ ગઈ હોય. આ વખતની સીઝન પણ લેવાઈ જશે. આવતે વરસે ધ્યાન રાખીશું. અને એ વરસે પડે તો એ વરસે પણ સીઝન…’

‘પણ એનો કોઈ ઈલાજ?’ પ્રો. સાહેબના અવાજમાંથી ડૂલરા પ્રત્યેનો અણગમો સ્પષ્ટ હતો.

‘બસ, એને ફરીથી પૂરવું એ જ.’

‘તો કેમ પૂરતા નથી?’

‘આખા ખેતરમાં આવું એકાદ ડૂલરું હોય તેના તરફ કોણ ધ્યાન આપે?’ અને અચાનક કાંઈક યાદ આવ્યું હોય તેમ અનિલે ઉમેર્યું:

‘અને પાછળથી પૂરો એમાં કાંઈ દમ પણ ન હોય. એ બધું મન મનાવવા જેવું જ.’

પ્રો. સાહેબને ડૂલરામાં શીલાનો ચહેરો દેખાયો. ‘ખરેખર મન મનાવવા જેવું જ’ તે મનોમન બબડ્યા. અનાયાસે જ તેમના પગમાં ગતિ ફૂટી નીકળી. વળતી વખતે ઘણાના ખેતરમાં પડેલાં ડૂલરાં અનિલે બતાવ્યાં.

આપણ વાંચો:  થોભો, આ ‘ધ ઍન્ડ’ નથી!

પ્રો. સાહેબ બબડ્યા: આવતા વરસે પણ વાવણી થશે. ડૂલરાં પડશે… સીઝન લેવાઈ જશે, પછી પાછી વાવણી… ડૂલરાં… સીઝન… ઘટમાળ ચાલ્યા કરશે.

અનિલને ખ્યાલ આવી ગયો હતો કે પ્રો. સાહેબને ડૂલરા શબ્દમાં રસ પડ્યો છે. ખેતરે વિચાર સમાધિમાં ડૂબી ગયા હતા ત્યારથી જ તેને લાગ્યું હતું કે પ્રો. સાહેબ નક્કી વાર્તાનો પ્લોટ વિચારતા હશે. તેથીસ્તો તેણે ફળિયામાં પહોંચતાં કહી નાખ્યું: ‘ડૂલરા ઉપર એકાદ વાર્તા લખોને!’

‘લખાણ ચૂકી છે.’

‘ક્યાં છે?’

ત્યાં જ ધારેથી અવાજ સંભળાયો: ‘હવે ક્યાં સુધી આ ધૂળમાં આળોટવાનું છે? ગામડું એટલું બધું ગમતું હોય તો નોકરીમાં મૂકી ધ્યો દિવાસળી ને લઈ લ્યો બે બળદ ને મંડી પડો ખેતર ખેડવા. છોકરોય બાપ ઉપર ગયો છે. એય નીકળવાનું નામ નથી લેતો,’ શીલાબહેન ગુસ્સાથી લાલચોળ હતાં. બરાડતાં હતાં. અનિલના સ્વજનો આ વર્તનથી અવાક થઈ ગયા.

કશું જ ન બન્યું હોય તેમ પ્રો. સાહેબે અનિલના ખભે હાથ મૂક્યો. બોલ્યા: ‘વાર્તાને? વાર્તા લખાઈ તો ગઈ છે પણ પ્રગટ નથી કરી એટલું જ.’

પ્રો. સાહેબ એવું હસ્યા કે તેમાંથી નર્યો ડૂલરાનો ખાલીપો ખર્યો!
(સમાપ્ત)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button