મેટિની

આ અભિનેત્રીને હવે જાસૂસીમાં કોઈ દિલચસ્પી નથી…

હિન્દી ફિલ્મઉદ્યોગમાં સ્પાય થ્રિલર અને હોરર કોમેડી માટે મોટી ભરતી આવી છે. સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ લેનારી તાપસી પન્નુ ‘પિન્ક’ સહિત કેટલીક ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ રોલ કરવા માટે જાણીતી છે.

જોકે, સ્પાય થ્રિલરની સંખ્યામાં અચાનક આવેલો ઉછાળો અભિનેત્રીને ખટક્યો છે. સ્પાય થ્રિલરમાં કામ કરવા વિશે એને પૂછવામાં આવે એ સ્વાભાવિક છે.. કેટલાક વર્ષ પહેલા ‘બેબી’ અને ‘નામ શબાના’ જેવી સ્પાય થ્રિલરમાં પોતાનું કૌશલ દેખાડી ચુકેલી તાપસી આ સવાલ સાંભળી નાકનું ટેરવું ચડાવે છે. આ સવાલ એને પસંદ નથી પડ્યો એ એના ચહેરા પરના હાવભાવથી સ્પષ્ટ સમજાઈ જાય છે.

‘મેં જ્યારે સ્પાય ફિલ્મોમાં કામ કર્યું ત્યારે એ પ્રકારના ચિત્રપટમાં કામ કરવાની ફેશન નહોતી,’ તાપસી ખુલાસો કરે છે, ‘પણ આજકાલ તો બધાને સ્પાય થ્રિલરમાં કામ કરવું છે. મેં નવ-દશ વર્ષ પહેલાં કામ કર્યું હતું. લગભગ દસકા પછી જો હું ફરી એવી ફિલ્મ કરું તો એ વિચિત્ર લાગે. મારે રિપીટેશન નથી કરવું. આ પ્રકારની ફિલ્મોમાં મે ઘણું સારું કામ કર્યું છે એટલે હવે એવી ફિલ્મો ફરી નથી કરવી.’ સીધી ને સટ વાત.

શાહરુખ ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે તાપસીનું કહેવું છે કે ‘મોટા- નામી સ્ટાર હોય એવી ફિલ્મોમાં કામ હું નહીં કરું એમ ધારી મારો સંપર્ક નથી કરવામાં આવતો. સાચું કહું તો ક્યારેક ફાલતુ નહીં, પણ ઓછું મહત્ત્વ ધરાવતી ભૂમિકા કરવાની પણ મજા આવે. રાજકુમાર હિરાણીની ’ડંકી’નું જ ઉદાહરણ જુઓ. ડિરેક્ટર અને હીરો, બંને મોટા નામ.

આવા નામી લોકો સાથે કામ કરવું એ કારની પાછળની સીટમાં બેસી મુસાફરીનો આનંદ લેવા જેવી વાત છે. કારને હેમખેમ ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાનું ટેન્શન તો આગલી સીટમાં બેઠેલા મોટા માથા પર જ રહેવાનું. મારા પર કોઈ પ્રેશર નહોતું.

બીજી એક મહત્ત્વની વાત પર મારે ધ્યાન દોરવું છે કે ‘ડંકી’માં કામ કરવાથી પૈસા કંઈ બહુ ઝાઝા નથી મળ્યા, પણ શાહરુખ અને હિરાણી સર પાસેથી ઘણું શીખવા મળ્યું. શાહરૂખનું વાંચન વિશાળ છે, એ જ્ઞાનનો ભંડાર છે અને કોઈ પણ ટોપિક પર ઊંડાણથી ચર્ચા કરી શકે છે. એક કલાકાર તરીકે હું વધુ સમૃદ્ધ બની અને જે શીખી છું એ મને જ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થવાનું છે.’ આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘ફિર આયી હસીન દિલરુબા’ (૨૦૨૧માં ઓટીટી પર રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરુબા’ની સિક્વલ) સંદર્ભે તાપસીએ એક મહત્ત્વની વાત કરી.

‘રાની કશ્યપ સક્સેનાનું પાત્ર ઓડિયન્સને એ હદે પસંદ પડ્યું હતું કે નિર્માતાને સિક્વલ બનાવવાની તાલાવેલી લાગી,’ તાપસી કહે છે, ‘જાણવા જેવી વાત એ છે કે અમુક કલાકારોએ એ રોલ નકાર્યો હતો, કારણ કે કેટલાક દોષ ધરાવતા પાત્રની ભજવણીમાં એમને રસ નહોતો. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે ઘણી વાર આપણું જીવન ‘દેવી’ અને ‘ડાકણ’ વચ્ચે ઝોલા ખાતું હોય છે.

માણસ માત્ર ભૂલ કરતો હોય છે. કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું. રાની પોતાની ભૂલ કબૂલ કરે છે એટલે જ આદર મેળવે છે. વળી એ સજા ભોગવવા પણ તૈયાર છે. ફિલ્મની લેખિકા કનિકા ઢિલ્લોંએ પાત્રને અલગ તરીકે નિખાર્યું છે અને એટલે જ લોકોના હૈયામાં કોતરાઈ ગયું.’

કનિકા સાથે તાપસી વધુ એક ફિલ્મ કરી રહી છે. નામ છે : ‘ગાંધારી’, જેમાં માતા અને બાળકના સ્નેહની વાત વણી લેવામાં આવી છે.

રોલ સાથે અખતરા કરવામાં માનતી તાપસીની ‘વો લડકી હૈ કહાં’નું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મમાં તાપસી મુક્ત વિચારસરણી ધરાવતી મહિલા પોલીસના રોલમાં છે. ફિલ્મનું કથાનક દિલચસ્પ છે. અભિમાની અને ખૂબ જ બડબડિયા યુવાન (પ્રતીક ગાંધી)ના જેની સાથે લગ્ન થવાના હોય છે એ કન્યા મંડપમાંથી ભાગી જાય છે.

પોલીસ અને પેલો યુવાન કન્યાની શોધમાં નીકળે છે. આ સફર દરમિયાન બંને વચ્ચે થતી દલીલબાજી, લડાઈ – ઝઘડા અને એક બીજા પર હાવી થવાની કોશિશ ફિલ્મને થ્રિલર અને કોમિક પણ બનાવે છે.

તાપસીની અક્ષય કુમાર સાથે સારી જોડી જામી છે. બંનેની ચોથી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ આ વર્ષે રિલીઝ થઈ હતી. પહેલી ત્રણ ‘બેબી’ (૨૦૧૫), ‘નામ શબાના’ (૨૦૧૭- અક્ષય કુમાર સ્પેશિયલ અપીયરન્સ) અને ‘મિશન મંગલ’ (૨૦૧૯)ને બોક્સ ઓફિસ પર સારો આવકાર મળ્યો હતો.

આ ફિલ્મોએ તાપસીની સફળ ફિલ્મોની યાદી લાંબી બનાવી હતી. જોકે, ‘ખેલ ખેલ મેં’નો કમાણીમાં ખેલ ખતમ થઈ ગયો. અક્ષય સર સાથે કામ કરવાની મજા આવે છે અને એ સિનિયર હોવાનો ભાર સાથી કલાકારને નથી લાગવા દેતા એવું તાપસીનું કહેવું છે.

એક્ટિંગ કરવાની સાથે સાથે તાપસી ફિલ્મનું નિર્માણ સુધ્ધાં કરે છે. જોકે, સ્વતંત્ર ફિલ્મ પ્રોડ્યુસર માટે ચઢાણ બહુ કપરાં હોય છે એવું તાપસીનું કહેવું છે. ફિલ્મ મેકિંગના દરેક તબક્કે – બજેટ તૈયાર કરવાથી માંડીને ફિલ્મમાં કોને લેવા અને કોને નહીં એ પ્રક્રિયા પાર પાડવામાં આવતા વિઘ્નો ખૂબ જ થકવી નાખનારા હોય છે એવી એની દલીલ છે.
ગયા વર્ષે ‘ધક ધક’ તાપસીએ અન્ય પ્રોડ્યુસરો સાથે મળી રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા અને સંજના સાંધીને લઈ એક મહિલાલક્ષી ફિલ્મ ‘ધક ધક’ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. જોકે, ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી સાથી નિર્માતાઓએ પૂરતો સહકાર ન આપ્યો એવી ફરિયાદ તાપસીએ કરી હતી.

બિગ બજેટ નહીં ધરાવતી ફિલ્મોના સમીકરણ પર તાપસીએ પ્રકાશ પાડી તેણે સમજાવ્યું કે ‘મોટું નાણાકીય પીઠબળ નહીં ધરાવતી ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ સ્ટુડિયો રોકાણ કરેલા પૈસા મેળવી લેતા હોય છે. પૈસા જમા થઈ ગયા પછી ફિલ્મને છૂટીછવાઈ રિલીઝ કરે. વધુ પ્રિન્ટ માટે કે પ્રમોશન – એડવર્ટાઈઝિંગ માટે ખર્ચો ન કરે. એક્ઝિબીટરો પણ મસાલા મૂવી ન હોવાને કારણે થિયેટર રિલીઝ અંગે બહુ ઉત્સાહી નથી હોતા. પરિણામે ફિલ્મ રિલીઝ તો થાય, પણ અચાનક ગાયબ સુધ્ધાં થઈ જાય. પરિણામે મારી જેવા નિર્માતા હતાશ થઈ જાય…’

મિસ તાપસી, આ જ તો આપણા ફિલ્મઉદ્યોગની બેઢંગી રફતાર છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button