મેટિની

માપી માપીને સંબંધ રાખનારાનાં ત્રાજવા હંમેશાં ખાલી હોય છે…

  • અરવિંદ વેકરિયા

ગયા લેખમાં મેં વિદેશી સફરની વાત માંડી. ખુશી જો હોય તો એક જ હતી કે હું, સનત વ્યાસ અને પ્રતાપ સચદેવ સાથે જઈ રહ્યાં હતાં. અમારી દોસ્તીની વાત ઘડી ઘડી માંડવી ખોટી, એ અમાપ છે અને રહેશે. બાકી માપી માપીને સંબંધ રાખનારાનાં ત્રાજવા હંમેશાં ખાલી હોય છે.

ટૂંકમાં હવે શફીભાઈનાં રિહર્સલ છોડી હું આ પરદેશ માટે ચાલતાં રિહર્સલમાં જોડાઈ ગયો. દિગ્દર્શક હતો સિધ્ધાર્થ. નૈરોબી જવાની તારીખ નજીક આવતી હતી. હું માત્ર બે જ નાટકમાં હતો એટલે પ્રમાણમાં એ નાટક પૂરતું જ રિહર્સલમાં જવાનું રહેતું. રાતા ગુલમહોર નાટક નૈરોબીથી દુબઈ પણ જવાનું હતું. એટલે મારાં સહિત અમુક કલાકારો નૈરોબીથી મુંબઈ પરત ફરવાનાં હતાં.

જતી વખતે કમિટ થયેલું કે ત્યાં જોવાલાયક મસાઈમારા તો જવું જ અને આયોજકે એ સ્વીકારેલું. અમુક શો નૈરોબી, પછી બાજુમાં આવેલ ‘કિશુમુ’ અને ‘નકુરુ’ નામના ગામમાં પણ શો હતા. કિશુમુમાં જલારામનું મંદિર જોવાલાયક છે. એ પછી ટાન્ઝાનિયામાં આવેલ દારે-સલામમાં છ-સાત દિવસ. ત્યાં તમારે હોટલમાં રહેવું હોય તો બિલ ડૉલરમાં ચૂકવવાનું આવે એટલે આયોજકો પોતપોતાનાં ઘરે અમુક-અમુક કલાકારો વહેચી લઈ ડૉલર બચાવતા. ત્યાંની કરન્સી ટાન્ઝાનિયા-શિલિંગ હતી.
નૈરોબીમાં શિલિંગનું ચલણ. અમે ‘90 મા ગયા ત્યારે ભાવ 100રૂપિયાના 140 શિલિંગનો હતો. દારે-સલામથી શો પતાવી પાછા નૈરોબી. બાજુમાં આવેલ મોમ્બાસામાં પણ શો હતો. આ બધું સાંભળી રોમાંચ વધતો જતો હતો ત્રણે’ય ને.! નીકળવાનું લગભગ માર્ચ મહિનાનું નક્કી થયું. એ પહેલાની વિધિઓ પતાવવાની હતી. ખાસ તો ‘વર્ક-પરમિટ’ મેળવવી પડે. અમુક દિવસ પહેલાં ‘યેલો-ફીવર’નાં ઇન્જેક્શન બધાએ લેવા પડે. અમારા ત્રણ માટે આ બધું રોમાંચિત કરનારું હતું.

ઘણીવાર નાટકની નક્કી કરેલ નાઈટ બાબત વિચારે ચડી જતો. બધાં નાટકોમાં હોત તો ચિંતા ઓછી થાત, કારણ જે બધાનું થવાનું હશે એ જ મારું પણ થાત, પણ મારે તો બે નાટકમાં જ કામ કરવાનું હતું છતાં સનત-સચ્ચું સાથે જવાનો મોકો મળ્યો એ મળનારી નાઈટ કરતાં મોટો, એ ગણિત માંડીને શાતા અનુભવતો. હું જાણું છું કે જીવનનાં ગણિતમાં શાંતિના દાખલા ફક્ત એ જ શીખી શકે જેને સંતોષના સરવાળા આવડતાં હોય.

અંતે બધી ફોર્માલિટી પતી અને જવાની તારીખ નક્કી થઈ 11 માર્ચ, 1990. એ વખતે મારાં મમ્મી-પપ્પા (હું એમને ‘બા’ અને ‘ભાઈ’ કહેતો.) જીવતાં.11 માર્ચ,’90 ના દિવસે મેં બંનેના આશીર્વાદ લીધાં. ‘મા’નાં આશીર્વાદ સમય તો શું નસીબ પણ બદલી દે.

નૈરોબી એરલાઈન્સમાં જવાનું હતું. નોકરીમાં હતો ત્યારે ફ્લાઈટમાં બેઠેલો, ઓફકોર્સ કંપનીના ખર્ચે, પણ ઘરની કોઈ સફર માટે ટ્રેનનો સેકંડ ક્લાસ જ પરવડતો. એ જ વાસ્તવિકતા હતી જે કડવી હોય છતાં છોડી ન શકાય. ત્યારે સચ્ચું કાંદિવલી અને સનત બોરીવલીમાં અને હું કાંદિવલીમાં જ રહેતો. ત્રિપુટી સાથે મળી સહાર-એરપોર્ટ પહોંચી. ઉત્સાહ એટલો હતો કે અમે ખાસ્સા વહેલાં પહોંચી ગયા.

ધીમે ધીમે બધાં ભેગા થતા ગયાં. અમારાં ત્રણ વચ્ચે વાત થયેલી કે ઘણાં ફોરન જતાં ગ્રૂપમાં નાના-મોટા ઝગડા થતાં હોય છે. એ સહજ પણ છે. રિહર્સલ કે શોમાં તો સાથે અઢી-ત્રણ કલાક રહેવાનું હોય. ફોરેનમાં તો સતત સાથે. ત્યારે જ બધાનાં સાચા ‘સ્વભાવ’ની ખબર પડે અને એટલે અમે નક્કી કરી લીધેલું કે ‘હાસ્ય’ એ કપરા સમયની સારી પ્રતિક્રિયા છે અને મૌન એ ખોટા પ્રશ્નોનો સારો ને સાચો જવાબ. એટલીસ્ટ, અમારી સાથે ઝગડાની શક્યતા ન રહે. બાકી અમુક લોકો તો કઈ ન હોય તો પણ અંટસ પડે એવા ‘પ્રસંગો’ ઊભા કરવામાં પાવરધા હોય છે.

આખરે સમય થતા બધા ફ્લાઈટમાં ગોઠવાયા. ભગવાનના નામ સાથે થોડી ઊંઘ પણ ખેંચી. ત્યાં એનાઉન્સમેન્ટ થયું કે થોડીવારમાં ફ્લાઈટ નૈરોબી એરપોર્ટ પર લેન્ડ થશે. અમે વિન્ડોમાંથી જોયું. લીલોતરી ધીમે ધીમે દેખાવી શરૂ થઈ અને નજીક આવવા લાગી. ભલે શફીભાઈનો પ્લે છોડ્યો પણ ફોરેન આવવાની આશા ફળીભૂત થવાનો હરખ વિશેષ હતો. જિંદગીમાં જે મેળવવું હોય તે સમય પર મેળવી લેવું, કારણ કે આમેય જિંદગી તક ઓછી અને અફસોસ વધારે આપે છે.

ઈમિગ્રેશનની વિધિ પતાવી બહાર નીકળ્યાં. ત્યાં ફોર્મ ભરવા મેં જે પેન કાઢેલી એ ત્યાંની કાળી-ઝાડી સિક્યુરિટિબાઈએ નાઈસ પેન કહીને રાખી લીધી. હું જોતો જ રહ્યો. ત્યાં જ સનત-સચ્ચુએ મને ખેંચ્યો.

આયોજક રાજાણીનાં સહાયકો ગાડી લઈને આવી ગયા હતાં. બધા ગાડીમાં બેસી આવ્યા ‘લોહાણા વાડી’માં. ઉપર જઈને જોયા પછી તરત સિધ્ધાર્થે કહી દીધું કે: ‘અમારા કલાકારો અહીં નહીં રહે.!’

અમુક લોકોને જોઇને અંદરથી આપોઆપ કેમ છો?ની જગ્યાએ છો જ કેમ? એવો અવાજ આવે છે.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકારઃ મુગલ-એ-આઝમ: શાનદાર દંતકથાના 3 ગુજરાતી કનેક્શન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button