
- હેમા શાસ્ત્રી
યાદ કરો 1989. એ વર્ષે આશરે 200 ફિલ્મ રિલીઝ થઈ હોવાની નોંધ મળે છે. આંકડો વધારે – ઓછો હોઈ શકે છે, પણ એમાં મહત્ત્વની વાત એ છે કે તેમાંથી લગભગ 40 ટકા એક્શન ફિલ્મ હતી -‘ત્રિદેવ’, ‘દાતા’, ‘એલાન – એ – જંગ’, ‘પરિંદા’, ‘આગ સે ખેલેંગે’ ઈત્યાદિ ઈત્યાદિ. એની સામે રોમેન્ટિક ફિલ્મોની સંખ્યા ગણવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ વધી પડે એવી હાલત હતી. રિલીઝ થયેલી ફિલ્મોમાં કમાણીની દ્રષ્ટિએ ટોપ 20 ફિલ્મમાં 15 એક્શન ચિત્રપટ હતા. પણ… પણ …
…પણ, સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ત્રણ ફિલ્મમાં બે હતી ‘મૈંને પ્યાર કિયા’ અને ‘ચાંદની’. બંને લવ સ્ટોરી, એક યંગસ્ટર્સની અને બીજી મેચ્યોર્ડ પાત્રોની. ધગધગતા રણમાં ગુલાબની હાજરી જેવી એ વાત હતી.
વાત કરીએ 2024-25ની. દોઢેક વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મોની આધારભૂત સંખ્યા ઉપલબ્ધ નથી, પણ આ દોઢ વર્ષમાં હોરર અને ખાસ કરી હોરર કોમેડી તેમજ સિક્વલ ફિલ્મોએ સપાટો બોલાવ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.
લવસ્ટોરી- રોમેન્ટિક ફિલ્મો કેટલી? બે આંકડામાં પણ સંખ્યા નથી પહોંચી. હોરર સામે હૈયાની બાદબાકી થઈ ગઈ હોય એવું ચિત્ર ઊપસે છે. અને…અને…
અને રિલીઝ થઈ ‘સૈયારા’. સાવ નવા સવા બે એક્ટર (અહાન પાંડે – અનીત પડ્ડા)ને લીડ પેરમાં લઈ બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સપાટો બોલાવી રહી છે. પહેલા પાંચ દિવસમાં આ ફિલ્મને દેશમાં 128 કરોડનો અને વિદેશનો ઉમેરી 150 કરોડનો વકરો કરવામાં સફળતા મળી છે. હોરરના હવામાનમાં પ્રેમનો પાવર ઊભરી આવ્યો છે. આર્થિક સફળતાની સાથે સાથે ફિલ્મ માટે એક ગજબનું ગાંડપણ સુધ્ધાં જોવા મળી રહ્યું છે. થિયેટરમાં પબ્લિક નાચે છે, સીટી મારે છે, ચિચિયારી પાડે છે, ધ્રુસકે ધ્રુસકે રડે છે, શર્ટ ઉતારે છે… નાદમાં આવો ઉન્માદ ઘણા વર્ષો બાદ જોવા મળે છે.
14 જાન્યુઆરી, 2000ના દિવસે રિલીઝ થયેલી ‘કહો ના… પ્યાર હૈ’ વખતે પણ યંગ ઓડિયન્સમાં આવી ઘેલછા જોવા મળી હતી. અલબત્ત, એ ફિલ્મ કરતાં હૃતિક રોશન માટે વધારે હતી. ‘ચાંદની’ને બાદ કરતા ‘મૈંને પ્યાર કિયા’ તેમજ ‘કહો ના…
પ્યાર હૈ’માં હીરો – હીરોઈન નવોદિત હતા, પણ આ બંને ફિલ્મ સ્ટાર પાવરની ઐસીતૈસી કરી ફિલ્મે ધૂમ સફળતા મેળવી શકી હતી. 45 કરોડના બજેટમાં બનેલી ‘સૈયારા’ તગડો વકરો કરશે એવા એંધાણ તો મળી જ ગયા છે.
‘ચાંદની’, ‘મૈંને પ્યાર કિયા’ અને ‘કહો ના… પ્યાર હૈ’નું મૂલ્યાંકન જે તે સમયમાં થયું છે અને ‘સૈયારા’ની વાત કરીએ તો કેટલાક લોકોએ આ ફિલ્મને વખોડી કાઢી છે તો ઘણા એવા પણ છે જેમણે ફિલ્મની આરતી ઉતારી છે. બે છેડાના અભિપ્રાય વચ્ચે ફિલ્મ તો સડસડાટ દોડી રહી છે અને ફરી એક વાર સિદ્ધ થાય છે કે વિવેચકના ચશ્માના નંબર સાથે દર્શકના ચશ્માનો મેળ બેસે એ જરૂરી નથી. ‘સૈયારા’નો ડંકો કેવળ મહાનગરોમાં જ વાગ્યો છે એવું નથી, નાનાં શહેરો-નગરોમાં પણ એનું બ્યુગલ વાગ્યું છે. થિયેટર છલકાતા હોવાના અહેવાલ આવી રહ્યા છે. ફિલ્મની લોકપ્રિયતાને વટાવી લેવાના ઈરાદાથી ફિલ્મ નિર્માણ કંપની ‘યશરાજ ફિલ્મ્સે’ એક દિવસ માટે ટિકિટના દર ઘટાડી 75 રૂપિયા કર્યા હતા અને આ વ્યૂહ વધુ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યો હતો.
ફિલ્મની તરફેણમાં વધુ અભિપ્રાય છે. બે વજનદાર અભિપ્રાય જાણીએ. એક છે ફિલ્મ બિઝનેસના અઠંગ અભ્યાસુ તરણ આદર્શનો અને બીજો છે ખ્યાતનામ ફિલ્મ મેકર સુભાષ ઘઈનો. તરણ આદર્શે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રજૂઆત કરી છે કે ફિલ્મ ‘સાયરા’ ઈન્ડસ્ટ્રીમાં નવો પ્રાણ ફૂંકવામાં સફળ રહી છે. ‘સૈયારા’ જોવા ઊમટી પડતા દર્શકો ઈન્ડસ્ટ્રી માટે પોઝિટિવ સાઈન છે. અલબત્ત વાત માત્ર કમાણીની નથી. ‘સૈયારા’એ શીખવેલા પાઠ મહત્ત્વના છે. યંગસ્ટર્સની લવસ્ટોરીમાં જો ઉમદા સંગીત અને હૃદયને સ્પર્શી જતી લાગણી છલકાતી હોય તો દર્શકો દોડતા દોડતા આવવાના જ…’
સુભાષ ઘઈએ નિર્માતા આદિત્ય ચોપડા અને ડિરેક્ટર મોહિત સુરીને સફળતા માટે અભિનંદન આપી એક મહત્ત્વની વાત કરી છે કે ‘નવા નકોર’ કલાકાર સાથેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે ત્યારે ફિલ્મમાં પૈસાનું રોકાણ કરતાં તેમ જ ફિલ્મનું નિર્માણ કરનારાઓએ ફિલ્મ ઓવર બજેટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. અંતે તો સારી વાર્તા અને સારી ટ્રીટમેન્ટનું જ વજન હોય છે. માર્કેટિંગ સ્ટન્ટ્સ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી.’
આપણ વાંચો: ગેરસમજ પર પૂર્ણવિરામ મૂકી દેવાની આવડત એટલે પરિપક્વતા…
આજના યુવા વર્ગના જીવનમાં માનસિક સ્વાસ્થ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે ‘સૈયારા’માં નિ:સ્વાર્થ પ્રેમ અને ત્યાગ- બલિદાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે દર્શકોને મોહિત કરી રહ્યું છે એવો દાવો એક ફિલ્મના અભ્યાસુએકર્યો છે.ઈર્શાદ કામિલ લિખિત ટાઈટલ સોંગ ‘સૈયારા મેરા બદલા નહીં હૈ, મૌસમ થોડા બદલા હુઆ હૈ’ ધૂમ મચાવી રહ્યું છે અને એના સ્વરાંકનમાં પાંચ સંગીતકારનો ફાળો છે, બોલો.
આદિત્ય ચોપડા – યશરાજ ફિલ્મ્સ માટે ‘સૈયારા’ મોડર્ન ‘ડીડીએલજે’ (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે) સાબિત થઈ રહી છે. અનેક લોકો આ ફિલ્મને Black Swan Event પણ કહી રહ્યા છે. કોઈ અણધાર્યો પ્રસંગ કે વાયરલ ઘટના જ્યારે અસાધારણ પ્રભાવ છોડે એ Black Swan Event કહેવાય છે. ધીમી શરૂઆત પછી દોડવા લાગી હોવાથી આ ફિલ્મ Sleeper Hits તરીકે પણ ઓળખાઈ છે. હોરર ઉપરાંત સિક્વલ ફિલ્મો છવાઈ હતી એ વાતાવરણમાં સંગીત પ્રધાનપ્રેમકથા વર્ષના સૌથી મોટા ખેલ તરીકે આશ્ર્ચર્ય ઊભું કરી રહી છે. સિને પ્રેમીઓને ‘એક દુજે કે લિયે’નીયાદ આવી ગઈ હોય તો નવાઈ નહીં. ફિલ્મની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ‘પ્રેક્ષક માઈબાપને ક્યારે શું ગમી જાય એ સમજવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે.’
-અને છેલ્લે… ફિલ્મમેકરોના દાવા મુજબ ‘સૈયારા’ ટાઇટલનો અર્થ થાય છે તારામંડળમાં એકલવાયો તારો. પોતે પ્રકાશમાન થઈ વિશ્વમાં ઝગમગાટ ફેલાવે. ફિલ્મ ‘સૈયારા’ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એવું કરી શકશે?